Saudi Arabia Death Penalty: સાઉદી અરેબિયામાં ગયા વર્ષે લગભગ દરરોજ એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી. હ્યુમન રાઇટ્સ વૉચ (HRW) અનુસાર, સાઉદી અરેબિયાએ 2025માં ઓછામાં ઓછા 356 લોકોને મૃત્યુદંડ આપ્યો હતો. આ સાઉદી અરેબિયામાં ફાંસીના કેસનો નવો વિક્રમ છે. તેમાં એવા વિદેશી નાગરિકો પણ સામેલ હતા, જેમને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એક એવા પત્રકારને પણ ફાંસી આપવામાં આવી હતી, જેણે કથિત રીતે શાહી પરિવારમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
માનવાધિકાર સંગઠને મૃત્યુદંડ વિરુદ્ધના વિશ્વ દિવસ નિમિત્તે જાહેર કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય માનવાધિકારની જવાબદારીઓ હોવા છતાં સાઉદી અરેબિયામાં મૃત્યુદંડના સતત ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. HRW અનુસાર, 2025માં નોંધાયેલા મૃત્યુદંડના કેસોની સંખ્યા દેખરેખ શરૂ થયા પછીનો સૌથી મોટો વાર્ષિક આંકડો છે. આ સતત બીજું વર્ષ છે, જ્યારે સાઉદી અરેબિયાએ મૃત્યુદંડ આપવાનો પોતાનો વિક્રમ તોડ્યો છે. દેશમાં 2024માં 345 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
મૃત્યુદંડના કેસોમાં વધારો
હ્યુમન રાઇટ્સ વૉચમાં સાઉદી અરેબિયાની બાબતોનાં સંશોધક જોય શિયાએ કહ્યું, ‘2025ના અંત સુધીમાં સાઉદી અરેબિયામાં એક ભયાનક વલણ સામે આવ્યું, જેમાં સતત બીજા વર્ષે મૃત્યુદંડની સંખ્યામાં વિક્રમી વધારો થયો. સરકારોએ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વહીવટીતંત્ર પર તમામ પ્રકારના મૃત્યુદંડ રોકવા માટે તાત્કાલિક દબાણ લાવવું જોઈએ.’
HRWએ જણાવ્યું કે આ વધારો મુખ્યત્વે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે આપવામાં આવેલા મૃત્યુદંડને કારણે થયો હતો. મૃત્યુદંડ મેળવનારાઓમાં વિદેશી નાગરિકોની સંખ્યા ઘણી વધારે હતી. રિપ્રિવ અને (ESOHR)ના આંકડાઓનો ઉલ્લેખ કરીને સંગઠને જણાવ્યું કે 2025માં મૃત્યુદંડ મેળવનારા 240 લોકોને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમાં 188 વિદેશી નાગરિકો સામેલ હતા.
માનવાધિકાર સંગઠનોની ચિંતા
મૃત્યુદંડના આ કેસોએ એવા ગુનાઓ માટે સજા આપવા અંગે ચિંતા વધારી છે, જેમાં અન્ય કોઈ વ્યક્તિની હત્યાનો સમાવેશ થતો નથી. ખાસ કરીને ત્યારે, જ્યારે આરોપીઓ વિદેશી નાગરિકો હોય અને તેમને કાનૂની મદદ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. હ્યુમન રાઇટ્સ વૉચે એવા બે લોકોને મૃત્યુદંડ આપવામાં આવતાં વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી, જેમને સગીર વયે કરવામાં આવેલા કથિત ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
HRWએ જણાવ્યું કે સાઉદી અરેબિયામાં મૃત્યુદંડનો સામનો કરી રહેલા અનેક આરોપીઓને અત્યંત અન્યાયી અદાલતી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે, જ્યારે અટકાયત દરમિયાન યાતનાઓ અને અન્ય દુર્વ્યવહારના આરોપોએ ન્યાયિક પ્રક્રિયા પ્રત્યેનો વિશ્વાસ વધુ ઘટાડ્યો છે. હ્યુમન રાઇટ્સ વૉચે જણાવ્યું કે જે દેશોમાં મૃત્યુદંડની જોગવાઈ છે, ત્યાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા તેના ઉપયોગ પર કડક નિયંત્રણો મૂકે છે.

