Antarctica Ice Mass: વૈજ્ઞાનિકો દાયકાઓથી અંટાર્કટિકામાં સતત બરફ પીગળવાને લઈને ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. પર્યાવરણવિદોનું કહેવું છે કે હિમનદીઓમાંથી બરફ પીગળીને સમુદ્રમાં જઈ રહ્યો છે, જેના કારણે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. તેના માટે આબોહવા પરિવર્તનને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. પરંતુ વર્ષ 2021 અને 2023 વચ્ચે આ ખંડમાં એક અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે 22 મહિનામાં બરફનો જથ્થો ઘટવાને બદલે 695 અબજ ટન વધ્યો છે. છેલ્લા બે દાયકામાં થયેલો આ સૌથી મોટો વધારો છે.
દર વર્ષે પીગળી રહ્યો હતો 140 અબજ ટન બરફ
બ્રિટિશ જર્નલ નેચરમાં પ્રકાશિત એક સ્ટડીમાં જાણવા મળ્યું કે આ અસામાન્ય વધારો મુખ્યત્વે પૂર્વ અંટાર્કટિકાના કેટલાક વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે થયો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું કે 2003 અને 2024 વચ્ચે ખંડમાં સરેરાશ જથ્થાકીય નુકસાન આશરે 140.5 અબજ ટન પ્રતિ વર્ષ હતું, પરંતુ જુલાઈ 2021 અને એપ્રિલ 2023 વચ્ચે આ સંતુલનમાં ઝડપથી ફેરફાર થયો.
બરફમાં કેવી રીતે થયો વધારો?
સ્ટડીમાં બરફવર્ષામાં થયેલા વધારાને ઉષ્ણકટિબંધીય મહાસાગરના એક વિસ્તારમાં થઈ રહેલી ગરમી સાથે જોડવામાં આવ્યો, જેને ટ્રોપિકલ વોર્મ પૂલ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટડીના લેખકોએ જણાવ્યું કે સૌથી મોટા ફેરફારો પૂર્વ અંટાર્કટિકા અને અંટાર્કટિકા પ્રાયદ્વીપમાં થયા, જ્યારે પશ્ચિમી અંટાર્કટિકાના કેટલાક વિસ્તારોમાં બરફનું નુકસાન ચાલુ રહ્યું.
સૌથી મોટો સંગ્રહ ક્વીન મેરી લૅન્ડ અને વિલ્ક્સ લૅન્ડમાં નોંધાયો, જ્યાં સંશોધકોએ આશરે 470 અબજ ટનનો વધારો થવાનો અંદાજ લગાવ્યો. સંશોધકોએ સેટેલાઇટથી મળેલી માહિતી અને વરસાદ/હિમવર્ષા તથા આબોહવા ડેટાની તુલના કરીને શોધી કાઢ્યું કે અસામાન્ય રીતે ભારે હિમવર્ષા જ આ વધારાનું કારણ છે.
જોકે, આ વધારા છતાં સંશોધકો એવું માનતા નથી કે આ ઘટનાને અંટાર્કટિકામાં બરફના જથ્થામાં લાંબા ગાળાના વધારાના તબક્કા તરીકે જોવી જોઈએ. આ સમયગાળા દરમિયાન પશ્ચિમી અંટાર્કટિકામાં બરફના જથ્થામાં ઘટાડો ચાલુ રહ્યો. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પહેલાથી જ લાંબા ગાળાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. સ્ટડીમાં સંશોધકોએ અંદાજ લગાવ્યો કે ક્વીન મેરી લૅન્ડ અને વિલ્ક્સ લૅન્ડ વિસ્તારમાં વરસાદમાં આવેલા ફેરફારમાં માનવસર્જિત પરિબળોનો ફાળો 9 ટકા હતો.

