India Academic Freedom: ભારત સહિત પાંચ દેશોમાં વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ પર હિંસક કાર્યવાહી, અકાદમિક સ્વતંત્રતા અંગે SARનો અહેવાલ
India Academic Freedom: ભારત સહિત ઓછામાં ઓછા પાંચ દેશોમાં વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ પર પોલીસ અને સૈન્ય દળો દ્વારા હિંસક કાર્યવાહી નોંધવામાં આવી છે. આ ઘટનાઓ વિશ્વના 59 દેશો અને વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા સમુદાયો પર થયેલા 382 હુમલાઓનો એક ભાગ છે.
નોંધનીય છે કે આ ઘટનાઓ 1 જુલાઈ 2025થી 30 જૂન 2026 વચ્ચે બની હતી. આ માહિતી સ્કૉલર્સ ઍટ રિસ્ક (SAR)ના અકાદમિક ફ્રીડમ મૉનિટરિંગ પ્રોજેક્ટના વાર્ષિક અહેવાલ ફ્રી ટુ થિંક 2026માં સામે આવી છે.
15 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, સરકારી દમન અને યુનિવર્સિટીઓની સ્વાયત્તતામાં વધતો હસ્તક્ષેપ સમગ્ર વિશ્વમાં અકાદમિક સ્વતંત્રતામાં ઘટાડાના મુખ્ય કારણો છે.
યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (OHCHR) અકાદમિક સ્વતંત્રતાને સંશોધન, શિક્ષણ, અધ્યયન અને વિચારવિમર્શના માધ્યમથી વિવિધ પ્રકારના જ્ઞાન અને વિચારો પ્રાપ્ત કરવા, વિકસાવવા, વહેંચવા અને તેના પર કામ કરવાના અધિકાર તરીકે વ્યાખ્યાયિત કરે છે.
OHCHRએ ગયા વર્ષે 7 જુલાઈએ શિક્ષણના અધિકાર અંગે એક ઠરાવ પણ પસાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો અને કર્મચારીઓની જવાબદારી છે કે તેઓ સંશોધન, ચર્ચા અને વિચારવિમર્શ માટે સુરક્ષિત અને સર્વસમાવેશક વાતાવરણ પૂરું પાડે.
જોકે, SARના આંકડા અનુસાર, એક ડઝનથી વધુ દેશોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અકાદમિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંગઠન બનાવવાના અધિકારોનો ઉપયોગ કરવા બદલ હિંસા અને દમનનો સામનો કરવો પડ્યો છે.
16 દેશોમાં યુનિવર્સિટી પરિસરોને હિંસક હુમલા, બળજબરીથી પ્રવેશ, કબજો અથવા હિંસક હુમલાની ધમકીઓનો સામનો કરવો પડ્યો. તેનાથી પરિસરોની સુરક્ષા અને તેમની સ્વાયત્તતા પ્રભાવિત થઈ છે.
બીજી તરફ, આઠ દેશોમાં યુનિવર્સિટીઓની સંસ્થાકીય સ્વાયત્તતામાં ઘટાડો નોંધાયો. તેમાં વહીવટ, અભ્યાસક્રમ, નિમણૂકો અને પ્રવેશ જેવી પ્રક્રિયાઓમાં બાહ્ય હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.
અહેવાલમાં ભારત, ઈરાન, સર્બિયા અને સેનેગલમાં સીધા સરકારી દમનના અનેક કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ચીન, રશિયા અને અફઘાનિસ્તાનમાં શિક્ષણવિદોની ધરપકડ, કેસ અને કેદ તેમજ પાકિસ્તાનમાં બલોચ વિદ્યાર્થી કાર્યકરોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યાની ઘટનાઓ પણ નોંધવામાં આવી છે.
અહેવાલ મુજબ, યુનિવર્સિટીઓની સ્વાયત્તતા અને તેમના કાર્યમાં હસ્તક્ષેપ પણ વધ્યો છે. તેમાં નિમણૂકો, અભ્યાસક્રમ, વહીવટ અને પરિસરો સાથે જોડાયેલા નિર્ણયો પર બાહ્ય દખલનો સમાવેશ થાય છે. અમેરિકા, અફઘાનિસ્તાન અને ભારતમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે.
અહેવાલમાં સામેલ દેશોનું મૂલ્યાંકન અકાદમિક ફ્રીડમ ઇન્ડેક્સ (AFI)ના આધારે કરવામાં આવ્યું છે. આ સૂચકાંક ગ્લોબલ પબ્લિક પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (GPPI), ફ્રેડરિક-અલેક્ઝાન્ડર-યુનિવર્સિટેટ એર્લાંગેન-ન્યુરેમ્બર્ગ (FAU), વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટ અને SARએ સાથે મળીને તૈયાર કર્યો છે.
ભારતમાં અકાદમિક સ્વતંત્રતાની સ્થિતિ
અહેવાલ મુજબ, ભારતની કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણ પર પોતાનો પ્રભાવ વધારી રહી છે. મુખ્ય સંસ્થાઓમાં યુનિવર્સિટી વહીવટ, નેતૃત્વની નિમણૂકો અને અકાદમિક પ્રાથમિકતાઓને પ્રભાવિત કરવાના પ્રયાસો વચ્ચે 2026માં ભારતનો અકાદમિક ફ્રીડમ ઇન્ડેક્સ સ્કોર 0.14 રહ્યો. તેને ‘ગંભીર રીતે પ્રતિબંધિત’ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. 2024માં ભારતનો સ્કોર 0.16 હતો.
અહેવાલ અનુસાર, યુનિવર્સિટી વહીવટે પરિસરોમાં થતી ચર્ચા અને વિચારવિમર્શને મર્યાદિત કરતા અનેક પગલાં લીધા. તેમાં શિક્ષકોને બરતરફ કરવા, અકાદમિક કાર્યક્રમો રદ કરવા અને વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ પર પ્રતિબંધ મૂકતી નવી નીતિઓનો સમાવેશ થાય છે.
વિરોધ પ્રદર્શનો અને પરિસરોમાં આયોજિત અન્ય કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ, બંને તરફથી હિંસાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
SARએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને ઉચ્ચ શિક્ષણ પર સરકારના પ્રભાવના એક મુખ્ય માધ્યમ તરીકે ગણાવ્યું છે. અહેવાલ મુજબ, UGCની અનેક નીતિઓની ટીકા એ આધારે કરવામાં આવી છે કે તેના દ્વારા ઉચ્ચ શિક્ષણ પર સરકારી નિયંત્રણ વધી શકે છે.
અહેવાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ચમાં આપવામાં આવેલા તે આદેશનો પણ ઉલ્લેખ છે, જેમાં ન્યાયતંત્રમાં ‘ભ્રષ્ટાચાર’ અંગે NCERTના એક પાઠ્યપુસ્તકના અધ્યાય પર કામ કરનારા ત્રણ શિક્ષણવિદો પર ‘આજીવન પ્રતિબંધ’ મૂકવામાં આવ્યો હતો. બાદમાં અદાલતે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો.
અહેવાલમાં જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા 25 પુસ્તકોના વેચાણ, વિતરણ અને પોતાની પાસે રાખવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, દિલ્હી યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીમાં કાર્યક્રમો રદ કરવામાં આવવા તેમજ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ (TISS) અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થી પ્રદર્શનોને લઈને અધિકારીઓના દબાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહેવાલમાં અકાદમિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને થયેલા ‘રાજકીય ટકરાવ’નો પણ ઉલ્લેખ છે. તેમાં વિદ્યાર્થીઓ વચ્ચે રાજકીય આધાર પર થયેલી અથડામણોનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આવા ટકરાવ ખાસ કરીને જમણેરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરી ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) તથા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI) વચ્ચે થયા હતા.
બીજા દેશોમાં સ્થિતિ
ફ્રી ટુ થિંક 2026 અહેવાલ મુજબ, લોકતાંત્રિક દેશોમાં પણ ઉચ્ચ શિક્ષણને પ્રભાવિત કરતી એવી નીતિઓ, કાયદા અને કાર્યવાહી વધી છે, જેને અલોકતાંત્રિક ગણી શકાય.
અહેવાલમાં અમેરિકાનો વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં સરકાર સાથે અસંમતિ અને સરકારને નાપસંદ એવા ભાષણો સામે કાર્યવાહી વધી છે.
અમેરિકન સરકારે એવા અભ્યાસક્રમો અને અકાદમિક સામગ્રી પર પ્રતિબંધ મૂકતા કાયદા બનાવ્યા જે તેના રાજકીય એજન્ડા સાથે સુસંગત નહોતા. વૈચારિક આધાર પર યુનિવર્સિટીઓનું ફંડિંગ અટકાવવામાં આવ્યું અથવા મર્યાદિત કરવામાં આવ્યું, સ્વતંત્ર સંશોધનમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો અને યુનિવર્સિટીઓની વહીવટી સંસ્થાઓમાં રાજકીય રીતે સમર્થક લોકોને નિયુક્ત કરવામાં આવ્યા.
આ ઉપરાંત, સરહદ પારના અકાદમિક સહયોગને મર્યાદિત કરવામાં આવ્યો અને વિદેશી શિક્ષણવિદોના દેશમાં પ્રવેશ પર પણ વ્યાપક પ્રતિબંધો મૂકવામાં આવ્યા.
અમેરિકાનો AFI સ્કોર 2019માં 0.8થી વધુ હતો અને તેને ‘સંપૂર્ણપણે સ્વતંત્ર’ માનવામાં આવતું હતું. પરંતુ 2020 પછી ત્યાં અકાદમિક સ્વતંત્રતામાં ઝડપી ઘટાડો થયો. 2025 સુધી તેનો સ્કોર ઘટીને 0.4 થઈ ગયો, જેને ‘મધ્યમ રીતે પ્રતિબંધિત’ માનવામાં આવ્યો. તે ‘ગંભીર રીતે પ્રતિબંધિત’ શ્રેણીમાં પહોંચવાની નજીક હતો.
ઈરાનમાં પણ અકાદમિક સ્વતંત્રતા પર અગાઉથી દબાણ હતું. અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ઉચ્ચ શિક્ષણના મામલે ઈરાનની AFI સ્થિતિ ‘સંપૂર્ણપણે પ્રતિબંધિત’ રહી.
અહેવાલ મુજબ, ઈરાની અધિકારીઓએ વિદ્યાર્થી પ્રદર્શનો પર હિંસક કાર્યવાહી કરી, ઉચ્ચ શિક્ષણ પર દેખરેખ વધારતા કાયદા બનાવ્યા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષણવિદોની ધરપકડ અને અટકાયત કરી. કેટલાક લોકો પર જાસૂસીના આરોપ મૂકવામાં આવ્યા અને અનેક લોકોને અન્ય લોકો માટે ચેતવણીરૂપે ફાંસી આપવામાં આવી.
અમેરિકા-ઇઝરાયલના નેતૃત્વમાં થયેલા યુદ્ધમાં યુનિવર્સિટીઓના પાયાના માળખાને પણ ભારે નુકસાન થયું અને અકાદમિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ.
અફઘાનિસ્તાનમાં અકાદમિક સ્વતંત્રતા અત્યંત ઓછી રહી છે. 2022થી તેનો AFI દરજ્જો ‘સંપૂર્ણપણે પ્રતિબંધિત’ છે.
ચીન, રશિયા અને ઝિમ્બાબ્વેમાં પુસ્તકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. આ દેશોની સરકારોએ કેટલાક સંશોધન વિષયો સામે વાંધો ઉઠાવ્યો અથવા કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને દેશમાં કામ કરતા અટકાવી.
બીજી તરફ, જ્યોર્જિયા, ભારત અને સર્બિયામાં પણ સરકારોએ સંશોધન વિષયો પર પ્રતિબંધ મૂકવા, વૈચારિક આધાર પર ફંડિંગ ઘટાડવા અને યુનિવર્સિટીઓની વહીવટી સંસ્થાઓમાં રાજકીય સમર્થકોને નિયુક્ત કરવા જેવા પગલાં લીધા.
SARના કાર્યકારી નિર્દેશક રૉબર્ટ ક્વિને કહ્યું કે યુનિવર્સિટીઓ લોકતાંત્રિક સમાજો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે સત્તામાં રહેલા લોકોને ઘણીવાર એવા વિચારો પસંદ આવતા નથી, જે તેમની સત્તા પર સવાલ ઉઠાવે છે.
ક્વિનના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાં લોકશાહી પર દબાણ વધવાની સાથે ઉચ્ચ શિક્ષણમાં સરકારોનો હસ્તક્ષેપ પણ વધી રહ્યો છે.
કેટલાક દેશોમાં સુધારો
અહેવાલમાં અકાદમિક સ્વતંત્રતાને લઈને કેટલાક સકારાત્મક ફેરફારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, SARએ આ ફેરફારોને લઈને ‘સાવચેત આશાવાદ’ રાખવાની વાત કરી છે.
59 દેશોમાંથી બ્રાઝિલ, બાંગ્લાદેશ, હંગેરી અને વેનેઝુએલામાં અકાદમિક સ્વતંત્રતામાં સુધારો જોવા મળ્યો. અહેવાલ મુજબ, આ દેશોમાં ઉચ્ચ શિક્ષણ સમુદાયોએ સરકારી નિયંત્રણનો વિરોધ કર્યો અને રાજકીય નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા.
બાંગ્લાદેશમાં 2024ના દેશવ્યાપી વિદ્યાર્થી પ્રદર્શનો બાદ વચગાળાની સરકાર બની. ત્યારબાદ અકાદમિક સ્વતંત્રતામાં સુધારો થયો. અહેવાલ મુજબ, પરિસર વહીવટના રાજકીયકરણને ઘટાડવા અને ઉચ્ચ સ્તરે નિયુક્ત રાજકીય પદાધિકારીઓને દૂર કરવા જેવા પગલાંથી આ સુધારો શક્ય બન્યો.
બાંગ્લાદેશનો AFI સ્કોર 2023માં 0.13 હતો, જેને ‘સંપૂર્ણપણે પ્રતિબંધિત’ માનવામાં આવ્યો હતો. 2025માં તે વધીને 0.52 થયો, જેને ‘મધ્યમ રીતે પ્રતિબંધિત’ શ્રેણીમાં રાખવામાં આવ્યો.
હંગેરીમાં વડાપ્રધાન વિક્ટર ઓર્બાનના શાસન દરમિયાન AFI સ્કોર 2009ના 0.95થી ઘટીને 0.3 થઈ ગયો હતો. તેને ‘ગંભીર રીતે પ્રતિબંધિત’ માનવામાં આવ્યું. જોકે, એપ્રિલ 2026માં પીટર માગ્યારની ચૂંટણીમાં જીત બાદ ઓર્બાનના પદ પરથી હટ્યા પછી અકાદમિક સ્વતંત્રતામાં સુધારાની આશા જાગી છે.
અહેવાલ મુજબ, હંગેરી ખાનગી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા યુનિવર્સિટી મોડલને ધીમે ધીમે સમાપ્ત કરી શકે છે અને ઇરાસ્મસ વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમમાં ફરી જોડાઈ શકે છે.
બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના શાસન દરમિયાન અકાદમિક સ્વતંત્રતામાં ઘટાડો થયો હતો અને તેનો AFI સ્કોર ‘મધ્યમ રીતે પ્રતિબંધિત’ થઈ ગયો હતો. પરંતુ 2022 બાદ રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાની સરકારે અકાદમિક સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લીધા. 2025 સુધી દેશમાં AFI સ્કોર વધીને 0.85 થયો, જેને ‘સંપૂર્ણપણે સ્વતંત્ર’ માનવામાં આવ્યો.
SARમાં ઍડવોકસીના નિર્દેશક ક્લેર રૉબિન્સને કહ્યું કે આ દેશો દર્શાવે છે કે સંસ્થાકીય સ્વાયત્તતામાં થયેલા ઘટાડાને ઉલટાવી શકાય છે. જોકે, તેના માટે ઉચ્ચ શિક્ષણ સમુદાયની ભાગીદારી અને પ્રતિબદ્ધતા જરૂરી છે.
તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓએ સરકારો તરફથી પોતાના કાર્ય પર નિયંત્રણ કરવાનો પ્રયાસનો વિરોધ કરવો જોઈએ. બીજી તરફ, સરકારોએ ઉચ્ચ શિક્ષણના સમર્થનનો સ્પષ્ટ સંકેત આપવો જોઈએ અને બિનજરૂરી હસ્તક્ષેપથી બચવું જોઈએ.
SARએ સરકારો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને નાગરિક સમાજને અકાદમિક સ્વતંત્રતાની રક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.
સંસ્થાએ કહ્યું કે સંશોધન અને અભિવ્યક્તિને મર્યાદિત કરવા માટે હિંસા અને દબાણનો ઉપયોગ ન થવો જોઈએ. જોખમમાં રહેલા શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને સંસ્થાઓની રક્ષા કરવી જોઈએ અને એવી નીતિઓનો વિરોધ કરવો જોઈએ, જે સંશોધન, શિક્ષણ અને બૌદ્ધિક ચર્ચાને મર્યાદિત કરે છે.
SARએ સરકારોને વિવેચનાત્મક વિચારો અને ચર્ચા માટે જગ્યા જાળવી રાખવાની અપીલ કરતાં કહ્યું કે વિવેચનાત્મક વિચાર રાખવો ‘દેશદ્રોહ’ નથી, વિચારો ગુનો નથી અને દરેક વ્યક્તિને વિચારવાની, સવાલ કરવાની અને પોતાના વિચારો વહેંચવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

