Shaksgam Valley Dispute: ભારતે આ મહિને ચીન-પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ‘Pakistan-China Boundary Joint Commission’ પેક્ટ પર કડક પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને તેને એક ‘મહત્વપૂર્ણ ઉપલબ્ધિ’ ગણાવી છે અને તેનું કહેવું છે કે તેનાથી સીમા વ્યવસ્થાપન, સંયુક્ત સર્વેક્ષણ, વેપાર અને લોકો વચ્ચે પરસ્પર સંપર્કમાં સહયોગ વધશે.
ચીન-પાકિસ્તાન કરાર શું છે?
હકીકતમાં પાકિસ્તાન-ચીન સીમા કરાર મૂળરૂપે 1963માં કરવામાં આવ્યો હતો. તેના હેઠળ પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજા હેઠળ લીધેલા કાશ્મીર (PoK)ની શક્સગામ ઘાટી (Shaksgam Valley)નો 5,180 ચોરસ કિલોમીટર વિસ્તાર ચીનને સોંપ્યો હતો. હવે આ મહિને બંને દેશોએ 2013ના સીમા વ્યવસ્થાપન કરાર હેઠળ Pakistan-China Boundary Joint Commission ને સક્રિય કર્યો છે, જેની પ્રથમ બેઠક ઇસ્લામાબાદમાં યોજાઈ છે. ભારત આ સમગ્ર વિસ્તારને લદ્દાખનો ભાગ માને છે.
ભારતની આપત્તિ શું છે?
ભારતે આ પગલા પર કડક પ્રતિક્રિયા આપતાં તેને કાનૂની આધાર વિનાનું ગણાવીને ફગાવી દીધું છે. ભારતનું કહેવું છે કે તે પાકિસ્તાન અને ચીન વચ્ચેની એવી કોઈપણ સીમાને માન્યતા આપતું નથી, જે તે વિસ્તાર સાથે સંબંધિત હોય જેના પર ભારત પોતાનો દાવો કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું, ‘પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સીમા નથી. અમે કહેવાતા સંયુક્ત આયોગને ફગાવીએ છીએ, જેનો કોઈ કાનૂની આધાર નથી.’
ભારતનું કહેવું છે કે આ વિસ્તાર અગાઉની રિયાસત જમ્મુ-કાશ્મીરનો ભાગ હતો અને ચીનને સોંપવામાં આવે તે પહેલાં પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. ભારત સરકારે આ કરારને ક્યારેય માન્યતા આપી નથી અને તેને ગેરકાયદેસર તથા અમાન્ય માને છે.
ચીન-પાકિસ્તાનના નવા સીમા આયોગથી ભારતને કેમ ચિંતા થવી જોઈએ?
દિલ્હીની Shiv Nadar Universityના International Relations and Governance Studies વિભાગના પ્રોફેસર જબિન ટી. જેકબે કહ્યું કે આ નવી ઘટનાક્રમ સંપૂર્ણપણે નવી વ્યવસ્થા ઊભી કરવા કરતાં જૂની સિસ્ટમને ફરી શરૂ કરવા જેવો છે. તેમણે જણાવ્યું, ‘1963ના ચીન-પાકિસ્તાન કરારમાં સંયુક્ત સીમા આયોગની જોગવાઈ છે, માત્ર સવાલ તેના કામ શરૂ કરવાના સમયનો છે.’
તેમણે કહ્યું કે આ સમયના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં ચીન દ્વારા પોતાની સીમાઓ નક્કી કરવાની વ્યાપક કોશિશ અને સીમા પર આદાન-પ્રદાન તથા અવરજવરને સંસ્થાગત બનાવવાની ઇચ્છાનો સમાવેશ થાય છે, ખાસ કરીને એવા સમયે જ્યારે પાકિસ્તાનની અન્ય સીમાઓ પર સંઘર્ષ અને અસ્થિરતા રહી છે. જેકબે કહ્યું કે આ ઘટનાક્રમથી ભારતને ‘ચિંતિત’ થવું જોઈએ. તેનાથી પણ મહત્વની વાત એ છે કે આ પગલું 1963ની સંધિની જ એક જોગવાઈની અવગણના કરતું હોવાનું જણાય છે. જેકબે કહ્યું કે કરારના Article 6માં જોગવાઈ હતી કે કાશ્મીર વિવાદ ઉકેલાયા બાદ જે પણ દેશનો આ વિસ્તાર પર અંતિમ નિયંત્રણ હશે, તેની સાથે આ કરાર અંગે ફરીથી વાટાઘાટ કરવામાં આવશે.
ચીન-પાકિસ્તાનને શું ફાયદા છે?
ભારતની આ ચિંતા સીમાના વ્યવહારુ વ્યવસ્થાપનથી અલગ છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે આ વિસ્તારમાં પહેલેથી જ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી લિંક્સ અસ્તિત્વમાં છે, જેમાં China-Pakistan Economic Corridor (CPEC) અને Karakoram Highwayનો સમાવેશ થાય છે. અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અને હાલમાં Anwar Gargash Diplomatic Academy તથા Hudson Instituteમાં Senior Fellow હુસેન હક્કાનીએ કહ્યું, ‘નવું કમિશન વ્યવહારુ અને રાજકીય, બંને પ્રકારનું છે.’
હક્કાનીએ કહ્યું છે કે આ બંનેનું મિશ્ર સ્વરૂપ છે. આ Border અને સીમા પર સહયોગ વધારવા, ગેરકાયદેસર રીતે સીમા પાર કરતા લોકોને રોકવા અને CPEC સાથે જોડાયેલા વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા કરવાનો એક માર્ગ છે. તેમણે કહ્યું કે તેનાથી ભારતને એ સંકેત પણ મળ્યો છે કે બીજિંગ કાશ્મીરને પાકિસ્તાનના દૃષ્ટિકોણથી જ જુએ છે.
હક્કાનીએ કહ્યું, ‘ચીને કાશ્મીર પર ભારતના વલણને ક્યારેય સ્વીકાર્યું નથી અને તે ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના દૃષ્ટિકોણથી જુએ છે.’ તેમણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના તે વિસ્તારનો ઉલ્લેખ કર્યો, જે ચીનની સીમા સાથે જોડાયેલો છે અને જેના પર ભારત પોતાનો દાવો કરે છે. હક્કાનીએ કહ્યું કે ‘ભારતના કાશ્મીરમાં થયેલા ઘટનાક્રમોના જવાબમાં ઇસ્લામાબાદનું વલણ બદલાયું છે.’ તેમનો સંદર્ભ કાશ્મીરમાંથી Article 370 નાબૂદ કરવાને લઈને હતો.
શું PoKમાં ગેરકાયદેસર કબજાને ચીન અને પાકિસ્તાન મજબૂત કરી રહ્યા છે?
ચીન, ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનો લાભ લઈ રહ્યું છે. આ વ્યવસ્થા ચીન દ્વારા પોતાના પડોશી દેશો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને ભારત પ્રત્યે પોતાની સ્થિતિને સંભાળવા અને સંકેત આપવાના વ્યાપક પેટર્નનો પણ એક ભાગ છે. હક્કાનીએ કહ્યું કે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને વિશ્વાસ અપાવવો બીજિંગ માટે વ્યૂહાત્મક અને ભૂ-રાજકીય બંને દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતું.
તેમણે કહ્યું, ‘વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી તે પાકિસ્તાન સાથેના સંબંધોને વધુ મજબૂત કરે છે અને ભૂ-વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી તે ભારતના એ ભયને વધુ વધારે છે કે તેને ચીન અને પાકિસ્તાન બંને તરફથી ખતરો હોઈ શકે છે. તેનાથી પાકિસ્તાન ખુશ થાય છે અને ચીનને ફાયદો થાય છે.’ હક્કાની કહે છે, ‘ચીન હંમેશાં પોતાના નિર્ણયો મહિનાઓ અથવા વર્ષો પહેલાં જ નક્કી કરી લે છે, તેથી સંયુક્ત સીમા આયોગને સક્રિય કરવાનો નિર્ણય પણ થોડા સમય પહેલાં જ લેવામાં આવ્યો હશે.’
કુલ મળીને, ચીનના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે ભારત ચીન પર વિશ્વાસ કરી શકે નહીં. ચીન દક્ષિણ એશિયામાં સતત ભારત માટે પડકાર ઊભો કરતું રહેશે. તે પાકિસ્તાન, માલદીવ અને બાંગ્લાદેશ જેવા દેશોનો ભારત વિરુદ્ધ પ્રોક્સી તરીકે ઉપયોગ કરશે, જેથી ભારત સતત વ્યસ્ત રહે.

