પૂર્વ RBI ગવર્નર શક્તિકાંત દાસને રાજ્યસભામાં મોકલવાની અટકળો, લગભગ 17 નવા ચહેરાઓને સ્થાન મળવાની શક્યતા
Modi Cabinet Reshuffle Date: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિ બાદ પોતાના મંત્રીમંડળમાં લાંબા સમયથી અપેક્ષિત ફેરફારની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તેમાં ઓડિશાના વતની અને તમિલનાડુ કેડરના પૂર્વ IAS અધિકારી તથા પૂર્વ RBI ગવર્નર શક્તિકાંત દાસને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. શક્તિકાંત દાસ હાલમાં PMOમાં Principal Secretary-2 તરીકે કાર્યરત છે.
જો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળે છે તો તેમને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે. RBIના 25મા ગવર્નર રહી ચૂકેલા શક્તિકાંત દાસની નવી જવાબદારી અંગે હાલમાં અટકળો ચાલી રહી છે.
અત્યાર સુધી કુલ પાંચ ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધી કેન્દ્રીય મંત્રીમંડળમાં કુલ 5 વખત ફેરફાર અને વિસ્તરણ કર્યા છે. તેમાં પહેલો ફેરફાર નવેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો. હવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે PM મોદી નવરાત્રિ બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કરી શકે છે અને તેની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો છે.
તમામ મંત્રીઓને રાજીનામું આપવા માટે કહેવામાં આવી શકે છે અને આશરે 17 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. મોટા પોર્ટફોલિયોમાં ફેરફાર અંગે પણ ચર્ચા ચાલી રહી છે. શક્તિકાંત દાસને રાજ્યસભામાં મોકલવામાં આવશે અને તેમને નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો આપવામાં આવશે તેવી ચર્ચા છે.
શક્તિકાંત દાસને લઈને મોટી ચર્ચા
શક્તિકાંત દાસ મૂળ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની છે અને તેઓ 1980 બેચના તમિલનાડુ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. તેમનો જન્મ ભુવનેશ્વરમાં થયો હતો. તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ બાદ બીજા RBI ગવર્નર હશે, જેઓ નાણાં મંત્રી બનશે તેવી ચર્ચા છે.
એવી પણ ચર્ચા છે કે સ્મૃતિ ઈરાની 16 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાંથી ફરી રાજ્યસભામાં આવી શકે છે.
રાજ્યસભાની ચૂંટણીઓ પણ પૂર્ણ થશે
આ અટકળો એવા સમયે સામે આવી છે જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી અને પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 12 બેઠકો માટેની ચૂંટણી માટે 16 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે, જોકે તેની જરૂર નહીં પડે તેવી અપેક્ષા છે.
9 ઓક્ટોબરે ઉમેદવારી પાછી ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. PM મોદી માટે ઓક્ટોબરમાં અનેક કાર્યક્રમો પણ નિર્ધારિત છે. તેમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.
નવરાત્રિ બાદ ફેરફાર શક્ય
સૂત્રોના જણાવ્યા અનુસાર વિજયાદશમીના પર્વ બાદ PM કોઈપણ સમયે મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે. જોકે તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બે દિવસીય ચિંતન બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ ચિંતન શિબિર 23 અને 24 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીના ‘સેવા તીર્થ’ ખાતે યોજવામાં આવી છે. આ ઉપરાંત ચિંતન શિબિરના આગામી તબક્કાની બેઠક 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2026ના રોજ પણ પ્રસ્તાવિત છે.
ઓક્ટોબરમાં PMના અનેક કાર્યક્રમો
2 ઓક્ટોબર 2026ના રોજ PM મોદી કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવી રહેલા ‘Reform Utsav’ અભિયાનનો પ્રારંભ કરશે. આ ઉપરાંત સેવા સંકલ્પ અભિયાન પણ 17 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યું છે.
PM મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી કરશે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે એકતા દિવસનું આયોજન કંઈક અલગ હશે. તેમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

