સેન્સેક્સ 1330 અંકના મોટા ઉછાળા સાથે બે સપ્તાહની ટોચે

Reena Brahmbhatt
2 Min Read

મુંબઈ, તા. 16 : અમેરિકાની મંદીનો ભય દૂર થતાં રોકાણકારો દ્વારા આઈટી શેરોમાં લેવાલી કરાતાં મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1330 અંકના મોટા ઉછાળા સાથે બે સપ્તાહની ટોચે જ્યારે નિફ્ટી 397 અંકના કૂદકાથી 24500ની સપાટીને પાર થયા હતા. રોકાણકારોની મૂડીમાં રૂા. 7.3 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. આજે એનએસઈનો નિફ્ટી 50 અને બીએસઈનો સેન્સેક્સ વધ્યા હતા. આ સપ્તાહે ફુગાવાથી લઈને બેરોજગારી અને રિટેલ વેચાણ સુધીના ઘણા અમેરિકન ડેટા જાહેર થયા તે એવા સંકેતો તરફ નિર્દેશ કરે છે કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સંભવિત મંદીથી સુરક્ષિત છે. યુએસ ફેડરલ રિઝર્વ તેને હળવાશથી લેશે તેવી સંભાવના છે.

share bazar

- Advertisement -

અમેરિકા મંદીમાં સરકી રહ્યું હોવાની ચિંતાઓ હળવી થવાની સાથે ફેડ દ્વારા તેની આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની આશા પણ જાગી છે, જે મુખ્યત્વે ફુગાવો ઘટી રહ્યો હોવાના સંકેતોને સમર્થન આપે છે. આ તમામ પરિબળો સાથે વૈશ્વિક બજારોના પ્રોત્સાહક સંકેતોએ સ્થાનિક શેરોમાં ખરીદીમાં તેજી જોવાઈ હતી. કામકાજના અંતે સેન્સેક્સ 1330.96 અંક અથવા 1.68 ટકા વધીને 80,436.84 અંક ઉપર અને નિફ્ટી 397.40 પોઈન્ટ અથવા 1.65 ટકા વધીને 24,541.20 પોઈન્ટ્સ ઉપર બંધ થયા હતા.

માર્કેટ બ્રેડ્થ પણ ગેઇનર્સની તરફેણમાં ઝૂકેલી હતી, કારણ કે દરેક એક ઘટેલા શેર સામે લગભગ બે શેરો વધ્યા હતા. બીએસઈ પર આજે લગભગ 2166 શેર વધ્યા, 1245 ઘટ્યા જ્યારે 73 યથાવત્ રહ્યા હતા. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઈલ, બેન્ક, મેટલ્સ અને રિયલ્ટી 1.5-3 ટકાના ઉછાળા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો મજબૂત ઉછાળા સાથે સમાપ્ત થયા હતા. બીએસઈ સ્મોલકેપ અને બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ લગભગ બે ટકા વધવા સાથે બ્રોડર માર્કેટમાં પણ ખરીદી મજબૂત રહી હતી. નિફ્ટીમાં ટોચના વધનારા શેરોમાં વિપ્રો, ગ્રાસિમ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા અને તાતા મોટર્સનો સમાવેશ થાય છે, જ્યારે દિવિ’સ લેબ્સ સૌથી વધુ ઘટ્યો હતો. બીએસઈ પર કોલગેટ, ઈપીએલ, એરિસ લાઈફ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, ફોર્ટિસ હેલ્થ, ગ્લેનમાર્ક, ઈન્ફો એજ, આઈનોક્સ વિન્ડ, જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, કેનેસ ટેક અને એલટી ફૂડ્સ સહિતના કેટલાક શેરો બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

- Advertisement -
Share This Article