LNG Train India: અમદાવાદથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો પ્રારંભ, અમિત શાહ આજે કરશે ઉદ્ઘાટન

Arati Parmar
3 Min Read

LNG અને ડીઝલ બંનેથી ચાલશે ટ્રેન, ઈંધણ ખર્ચમાં ઘટાડા સાથે દર વર્ષે DPC દીઠ ₹25 લાખની બચતનો અંદાજ

LNG Train India: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે રવિવારે દેશને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. અમિત શાહ આજે સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો પ્રારંભ કરશે. આ ઇન્ડિયન રેલવેના કિફાયતી રેલ સંચાલનની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પહેલ ઇન્ડિયન રેલવેમાં ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ડીઝલ ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

એન્જિનમાં LNG અને ડીઝલ બંને વિકલ્પ

ઇન્ડિયન રેલવેમાં પ્રથમ વખત ટ્રેનની ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આધારિત ફ્યુઅલ સિસ્ટમ સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે. આ ટેક્નોલોજી દ્વારા એક જ એન્જિનમાં LNG અને ડીઝલ બંને ઈંધણનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટ હેઠળ 1400 HP ક્ષમતાની બે ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવી છે. બંને રૂપાંતરિત DPC પર 2,000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ ટ્રેનથી શું ફાયદો થશે?

ટ્રાયલ દરમિયાન ટેક્નોલોજીના પ્રદર્શન અને વિશ્વસનીયતાની ચકાસણી કરવામાં આવી. LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમના ઉપયોગથી ડીઝલના વપરાશમાં ઘટાડા સાથે આયાત ખર્ચમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. તેની કિંમત ડીઝલની સરખામણીમાં ઓછી હોવાથી ડીઝલના સ્થાને LNGના આંશિક ઉપયોગથી સંચાલન ખર્ચમાં પણ બચત થશે. પરીક્ષણ દરમિયાન પ્રાપ્ત આંકડાઓના આધારે આશરે ₹25 લાખ પ્રતિ DPC પ્રતિ વર્ષ બચત થવાનો અંદાજ છે. આ રીતે LNG આધારિત ફ્યુઅલ સિસ્ટમ ટેક્નિકલ લાભની સાથે રેલવેના સંચાલન ખર્ચને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

સંચાલનમાં બે વિકલ્પ

ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમની મુખ્ય વિશેષતા એ છે કે ઈંધણની ઉપલબ્ધતા અનુસાર એન્જિન ડીઝલ અને LNG વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે છે. આથી ઈંધણની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યા હોય તો પણ ટ્રેનનું સંચાલન પ્રભાવિત થતું નથી અને સંચાલનમાં બે વિકલ્પ મળે છે. એક વખત ટ્રેનમાં LNG ભર્યા બાદ તે વધુ કિલોમીટરનું અંતર કાપી શકે છે.

- Advertisement -

2200 લીટર ક્ષમતાની LNG ટાંકી

LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે પરંપરાગત ડીઝલ એન્જિનની શક્તિ, વિશ્વસનીયતા અને સંચાલન ક્ષમતા જળવાઈ રહે. આ ટેક્નોલોજી દ્વારા ઈંધણની બચત સાથે ટ્રેનના પ્રદર્શન અને સંચાલનની વિશ્વસનીયતા પણ જાળવવામાં આવી છે. મંજૂર ડિઝાઇન અનુસાર દરેક DPCમાં આશરે 2200 લીટર ક્ષમતાની LNG ટાંકી સ્થાપિત કરવામાં આવી છે. તેમાં આશરે 850-900 કિલોગ્રામ ઉપયોગી LNG ભરી શકાય છે.

સંપૂર્ણ LNG ભરાવ્યા બાદ કેટલા કિલોમીટરનું સંચાલન?

સંપૂર્ણ LNG ભરાવ્યા બાદ તે આશરે 1600 કિલોમીટરના સંચાલન માટે પૂરતી LNG ઉપલબ્ધ કરાવે છે. આથી વારંવાર ઈંધણ ભરવાની જરૂરિયાત ઘટે છે અને ટ્રેનના સંચાલનમાં સુવિધા તથા કાર્યક્ષમતા વધે છે. ઇન્ડિયન રેલવે દ્વારા LNG ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજી અપનાવવી એ ઈંધણ કાર્યક્ષમતા, સંચાલન ખર્ચમાં ઘટાડો અને વિદેશી ચલણની બચતની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં રેલવેની વધુ ટકાઉ પરિવહન વ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

- Advertisement -
Share This Article