Neerja Gupta Controversy: ગુજરાત યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વિદેશ પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના ખર્ચે બ્યુટી પ્રોડક્ટ ખરીદવાના આક્ષેપો થઈ રહ્યા છે.
તેમના પર કરોડો રૂપિયાની આર્થિક અનિયમિતતાના આક્ષેપો પણ છે. કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ દીપક વ્યાસ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા નીરજા ગુપ્તા પર થોડા સમય પહેલાં મનસ્વી રીતે પ્રાધ્યાપકોને લાખો રૂપિયાનો પગાર ચૂકવવાનો તેમજ પોતાના માટે એક વધારાનું પદ ઊભું કરીને યુનિવર્સિટીના ભંડોળમાંથી દર મહિને સવા ચાર લાખ રૂપિયા લેવાના આક્ષેપો થયા હતા.
અમેરિકા પ્રવાસ દરમિયાન તેમણે લાખો રૂપિયાના બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદ્યા અને તેના બિલ યુનિવર્સિટીના શિરે નાખી દીધા હોવાના આક્ષેપો છે. આક્ષેપ છે કે શ્રીમતી ગુપ્તાએ અમેરિકા અને દુબઈ પ્રવાસ દરમિયાન બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદ્યા હતા. તેમાં આઇલાઇનર, બ્રશ, લિપસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે.
આર્થિક અનિયમિતતાઓની તપાસ નિવૃત્ત ન્યાયાધીશને સોંપાઈ
કાર્યકારી કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દીપક વ્યાસને યુનિવર્સિટીમાં કરવામાં આવેલી આર્થિક અનિયમિતતાઓની તપાસ સોંપવામાં આવી છે. પૂર્વ કુલપતિ શ્રીમતી ગુપ્તા પર લાગેલા તમામ આક્ષેપોની તેઓ તપાસ કરી રહ્યા છે.
40 કરોડ રૂપિયાના સરકારી અનુદાન અંગે પણ આક્ષેપ
સરકાર તરફથી મળતા 40 કરોડ રૂપિયાના અનુદાનમાં પણ ભારે ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે. લાખો રૂપિયા તેમના પુત્રના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે અને યુનિવર્સિટી વહીવટીતંત્ર તેની પણ તપાસ કરી રહ્યું છે.
વધારાનું પદ ઊભું કરીને સવા ચાર લાખ રૂપિયાના પગારનો આક્ષેપ
તેમના પર કુલપતિ પદ પર રહેતી વખતે યુનિવર્સિટીમાં એક વધારાનું પદ ઊભું કરીને દર મહિને સવા ચાર લાખ રૂપિયાનો વધારાનો પગાર લેવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.

