Changda Cow Deaths: વાવ-થરાદની ધરણીધર ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગની આશંકા, 44 ગાયોનાં મોત, 40થી વધુને બચાવાઈ

Arati Parmar
2 Min Read
Changda Cow Deaths

Changda Cow Deaths: ગુજરાતના વાવ-થરાદ તાલુકાના ચાંગડા ગામમાં આવેલી ધરણીધર ગૌશાળામાં એકસાથે મોટી સંખ્યામાં ગાયોનાં મોતની દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ગૌશાળામાં 90થી વધુ ગાયોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 44 ગાયોનાં મોત થયાં છે, જ્યારે 40થી વધુ ગાયોને સમયસર સારવાર આપીને બચાવી લેવામાં આવી છે.

અચાનક બગડી ગાયોની તબિયત

ગૌશાળામાં ગાયોની તબિયત અચાનક લથડતાં સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. એક પછી એક ગાયોની સ્થિતિ ગંભીર બનવા લાગી હતી. ઘટનાની જાણ થતાં ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ગૌશાળા ખાતે પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ગાયોનાં મોતને પગલે ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌપ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

- Advertisement -

લીલા મકાઈના ચારાને લઈને શંકા

પ્રાથમિક અનુમાન મુજબ, ગાયોએ લીલો મકાઈનો ચારો ખાધા બાદ તેમની તબિયત બગડી હોવાની આશંકા છે. જોકે, આ ચારામાં કયું ઝેરી તત્ત્વ હતું અથવા ફૂડ પોઇઝનિંગ થવાનું ચોક્કસ કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

પશુચિકિત્સકોની ટીમે શરૂ કરી સારવાર

ઘટનાની જાણ થતાં પશુચિકિત્સકોની ટીમ ગૌશાળા ખાતે પહોંચી હતી અને અસરગ્રસ્ત ગાયોની સારવાર શરૂ કરી હતી. સમયસર સારવાર મળતાં 40થી વધુ ગાયોને બચાવી લેવામાં આવી હતી. બીજી તરફ, મૃત્યુ પામેલી ગાયોની ગૌપ્રેમીઓ દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી.

- Advertisement -

મોતનું સાચું કારણ જાણવા તપાસ

44 ગાયોનાં મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા કેટલીક મૃત ગાયોનાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસના અહેવાલ બાદ જ ગાયોનાં મોતનું સાચું કારણ અને ચારામાં ઝેરી તત્ત્વની હાજરી અંગે સ્પષ્ટતા થઈ શકશે.

- Advertisement -
Share This Article