Hemang Joshi on CJP Protest: હેમંગ જોશીનો CJPના વિરોધ પ્રદર્શન પર પ્રહાર, કહ્યું- પહેલાં ચૂંટાઈને તો આવો

Arati Parmar
2 Min Read
Hemang Joshi on CJP Protest: ગુજરાત BJP યુવા મોરચાના પ્રમુખમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા વડોદરાના સાંસદ હેમંગ જોશીએ કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન પર મોટો પ્રહાર કર્યો છે. વડોદરામાં 30 દેશોના પ્રતિનિધિઓ માટે ભવ્ય રાત્રિભોજનનું આયોજન કર્યા બાદ હેમંગ જોશીએ કહ્યું કે જેમને ક્યારેય ચૂંટવામાં આવ્યા નથી, જેમને યુવાનોએ ચૂંટ્યા નથી, એવા લોકો રસ્તા પર ઊતરીને કહી રહ્યા છે કે અમે યુવાનોનો અવાજ છીએ. હેમંગ જોશીએ અભિજીત દિપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકા નામ લીધા વિના કહ્યું કે તમે પહેલાં ચૂંટાઈને તો આવો.

‘CJPનું વિરોધ પ્રદર્શન નિષ્ફળ રહ્યું’

વડોદરાના લોકસભા સાંસદ ડૉ. હેમંગ જોશીએ BJPમાં તેજસ્વી સૂર્યાનું સ્થાન સંભાળ્યું છે. વડોદરામાં CJPના વિરોધ પ્રદર્શન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે પહેલાં તો તેઓ આ સમગ્ર વિષય પર બોલવા માગતા નહોતા, પરંતુ આજે તેમણે આ લોકોની નિરાશાજનક પત્રકાર પરિષદ જોઈ. તેઓ આજે કહી રહ્યા હતા કે, ‘અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ જ્યાં છે ત્યાં રસ્તા પર ઊતરે.’ તેઓ ખૂબ જ બેચેન દેખાઈ રહ્યા હતા, કારણ કે તેમનું બીજું વિરોધ પ્રદર્શન નિરાશાજનક રીતે નિષ્ફળ રહ્યું હતું.

નારાજ લોકો નકારાત્મક માહોલ ઊભો કરી રહ્યા છે

હેમંગ જોશીએ કહ્યું કે આજે તેમણે જણાવ્યું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પોલીસ તેમને લઈ ગઈ હતી, પરંતુ સામે આવેલા વીડિયોમાં તેમણે વિમાનમાં જ કહ્યું હતું કે તેઓ ધરપકડ વહોરવા માટે જ આવ્યા છે. તેમણે અગાઉથી જ યોજના તૈયાર કરી રાખી હતી. દેશ જ્યારે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે કેવા પ્રકારનું નકારાત્મક વાતાવરણ ઊભું કરીને નારાજ લોકોની ટોળકી આવું કૃત્ય કરી રહી છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચૂંટણી ક્ષેત્ર રહેલા વડોદરામાંથી હેમંગ જોશી 2024માં મોટા માર્જિનથી જીત મેળવીને સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેમને ગુજરાત યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પછી તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. હાલમાં ગુજરાત યુવા મોરચાનું પદ પણ તેમની પાસે જ છે.

Share This Article