CBI Defence Deal Bribery: ₹500 કરોડના સંરક્ષણ પુરવઠા સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ, CBIએ MILના અધિકારી સહિત 3ની ધરપકડ કરી

Arati Parmar
3 Min Read

CBI Defence Deal Bribery: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ ₹500 કરોડના સંરક્ષણ પુરવઠાના સોદામાં ગુપ્ત માહિતી લીક કરવા અને લાંચ લેવાના આરોપસર 3 લોકોની ધરપકડ કરી છે. તેમાં સરકારી કંપની ‘મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ’ (MIL)ના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર અને ખાનગી સંરક્ષણ સાધનો બનાવતી કંપની ‘SMPP લિમિટેડ’ના CEO તથા ડિરેક્ટર-પ્રમોટર આશિષ કંસલનો સમાવેશ થાય છે.

આરોપ છે કે કરાર મેળવવા અને સંરક્ષણ ઉત્પાદન તથા ખરીદી સાથે જોડાયેલી ગુપ્ત માહિતી સુધી પહોંચ મેળવવા માટે MILના એક અધિકારીને લાંચ આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂગોળાના પુરવઠામાં કથિત ભ્રષ્ટાચારની તપાસના સંદર્ભમાં આ અઠવાડિયે CBIએ MILના એક અધિકારી અને SMPPના ઉચ્ચ મેનેજમેન્ટની વિગતવાર પૂછપરછ કરી છે.

ખાનગી કોન્ટ્રાક્ટરો અને વેન્ડરો પાસેથી લાંચની માગ

12 ઑક્ટોબરે નોંધાયેલી FIR અનુસાર, એજન્સીને માહિતી મળી હતી કે પુણેમાં MILના કાર્યકારી નિર્દેશક તરીકે કાર્યરત કુમાર ખાનગી કોન્ટ્રાક્ટરો અને વેન્ડરો પાસેથી સત્તાવાર લાભ પહોંચાડવા તથા સંવેદનશીલ માહિતી સુધી પહોંચ આપવાના બદલામાં ગેરકાયદેસર લાંચની માગ કરી રહ્યા હતા અને તે સ્વીકારતા પણ હતા. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે MILને દારૂગોળો પૂરો પાડવા માટે SMPPને આપવામાં આવેલા એક વર્ષના ₹500 કરોડના કરારના સંબંધમાં કંસલ સતત કુમારના સંપર્કમાં હતા.

સંબંધીઓ સાથે પણ જોડાણ

આમાં SMPPના કર્મચારી રવિટ કુમાર તેવતિયાનું નામ પણ સામેલ છે. આરોપ છે કે તે કથિત કાવતરાના ભાગરૂપે કુમારના સંપર્કમાં હતો. એજન્સીનો એવો પણ આરોપ છે કે 12 ઑક્ટોબરે કુમારને કંસલ પાસેથી મોટી રકમની લાંચ મળવાની હતી. FIR અનુસાર, કુમારે પોતાના ભાઈ બી. હર્ષવર્ધનને સૂચના આપી હતી કે તે બીજા દિવસે સવારે પુણે જાય અને ભ્રષ્ટાચારથી મેળવેલી કથિત રકમને સુરક્ષિત રાખવા તથા છુપાવવા માટે ત્યાંથી લઈ આવે. આ કેસમાં હર્ષવર્ધનની પણ ધરપકડ કરવામાં આવી છે.

FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કુમારે આ ગેરકાયદેસર રકમ છુપાવવા માટે પોતાની પત્ની, ભાઈ અને અન્ય સંબંધીઓ મારફતે તેને અલગ-અલગ જગ્યાએ ખસેડી હતી અથવા તેમની પાસે રાખાવી હતી. આ કેસમાં SMPP લિમિટેડને તેના પ્રતિનિધિ મારફતે આરોપી તરીકે નામિત કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

CBIએ ₹1.73 કરોડની રોકડ જપ્ત કરી

પુણેમાં કુમારનાં ઠેકાણાં પર તપાસ દરમિયાન CBIએ ₹1.73 કરોડની રોકડ જપ્ત કરી હતી. મૈસૂરુ, બેંગલુરુ અને દિલ્હીમાં આરોપીઓ સાથે જોડાયેલાં ઠેકાણાં પર તપાસ કરતાં આશરે ₹50 લાખની રોકડ અને કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ રીતે જપ્ત કરવામાં આવેલી કુલ રોકડની રકમ આશરે ₹2.23 કરોડ થઈ છે.

Share This Article