India vs West Indies T20: રદ થયેલી મેચમાં પણ ભારતના આ સ્ટાર બેટ્સમેન ચમક્યા, 7.4 ઓવરની રમતમાં જ મચાવી તબાહી

Arati Parmar
3 Min Read

India vs West Indies T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી પાંચમી અને નિર્ણાયક T20 મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ. ગ્રાઉન્ડ સ્ટાફના અથાક પ્રયાસો બાદ વરસાદ અટકતાં મેચને ઘટાડીને 9-9 ઓવરની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 7.4 ઓવરમાં 5 વિકેટે 118 રન બનાવી ચૂકી હતી, ત્યારે જ ફરીથી ભારે વરસાદ શરૂ થયો. ત્યારબાદ રમત શક્ય બની શકી નહીં અને બંને કેપ્ટનોએ હાથ મિલાવીને મેચ રદ કરવા સંમતિ આપી. આ સાથે જ 5 મેચની આ T20 સિરીઝ 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ.

2002 પછી ભારતની ધરતી પર દ્વિપક્ષીય સિરીઝ જીતવાની વેસ્ટ ઈન્ડિઝની રાહ યથાવત

આ મેચ રદ થવાની સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ભારતીય ધરતી પર લાંબા સમયથી ચાલી આવતી સિરીઝ જીતવાની રાહ ફરી એકવાર પૂરી થઈ શકી નહીં. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે ભારત સામે કોઈ દ્વિપક્ષીય સિરીઝ (કોઈપણ ફોર્મેટમાં) વર્ષ 2002માં જીતી હતી, જ્યારે તેણે 7 મેચની ODI સિરીઝ 4-3થી પોતાના નામે કરી હતી. 24 વર્ષ બાદ ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ પાસે ઇતિહાસ રચવાની તક હતી, પરંતુ વરસાદે તેની રાહ વધુ લંબાવી દીધી છે.

- Advertisement -

ઈશાન કિશનનો 300ના સ્ટ્રાઇક રેટથી તાંડવ, શેફર્ડમાં બેસાડ્યો ડર

મેચ ભલે પૂરી  થઈ શકી ન હોય, પરંતુ 7.4 ઓવરની આ ટૂંકી રમતમાં ભારતીય બેટ્સમેનોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશને માત્ર 10 બોલમાં 30 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 300 રહ્યો. પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારનાર ઈશાને રોમારિયો શેફર્ડની એક જ ઓવરમાં 24 રન ફટકાર્યા. ઈશાનનો ડર એટલો જોવા મળ્યો કે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ત્યારબાદ આખી મેચમાં રોમારિયો શેફર્ડને ફરીથી બોલિંગ કરવાની તક જ આપી નહીં.

નમન ધીરનો કમબેક ધમાકો, 400ના સ્ટ્રાઇક રેટથી ફટકાર્યા રન

છેલ્લી મેચમાં ‘ગોલ્ડન ડક’ પર આઉટ થનાર યુવા બેટ્સમેન નમન ધીર આ મેચમાં સાવ અલગ અંદાજમાં જોવા મળ્યો. નમન ધીરે માત્ર 6 બોલમાં 1 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 24 રન ફટકાર્યા. 400ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહેલો નમન ખૂબ જ ખતરનાક લયમાં જોવા મળી રહ્યો હતો. જો વરસાદે ફરીથી વિક્ષેપ ઊભો ન કર્યો હોત, તો તે ચિન્નાસ્વામીના મેદાન પર કોઈ મોટો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે નોંધાવી શક્યો હોત.

- Advertisement -
Share This Article