કરનાલમાં કાશ્મીરની બસ પર હુમલાનો આરોપ, ઓમર અબ્દુલ્લાએ હરિયાણા સરકાર સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
Kashmir Bus Attack Haryana: હરિયાણાના કરનાલમાં શનિવારે રાત્રે શ્રીનગર જઈ રહેલી જમ્મુ-કાશ્મીરના રજિસ્ટ્રેશન નંબરવાળી એક લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટનાને ખીણના નેતાઓએ ‘હેટ ક્રાઇમ’ ગણાવી છે. બસના માલિકનો આરોપ છે કે હુમલાખોરોએ પહેલાં ડ્રાઇવર સાથે મારપીટ કરી અને ત્યારબાદ પાછા આવીને બસના કાચ તોડી નાખ્યા. ચાર મુસાફરો ઘાયલ થયા, જેમાં એક વૃદ્ધ મુસાફરનો પણ સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હરિયાણા સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવીને કાર્યવાહી કરવાની માગ કરી છે. જમ્મુ-કાશ્મીરના અન્ય નેતાઓએ આ ઘટનાને કાશ્મીરીઓ વિરુદ્ધ નફરતથી પ્રેરિત હિંસા ગણાવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જોકે, હરિયાણા પોલીસે આ ઘટનાને પાર્કિંગને લઈને થયેલો વિવાદ ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે કોઈ FIR નોંધવામાં આવી નથી.
- કરનાલમાં કાશ્મીરની બસ પર હુમલાનો આરોપ, ઓમર અબ્દુલ્લાએ હરિયાણા સરકાર સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
- બસના કાચ તૂટ્યા, ચાર મુસાફરો ઘાયલ
- હરિયાણા પોલીસે શું કહ્યું?
- CM ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યો મુદ્દો
- નફરતને કારણે સામાન્ય કાશ્મીરીઓ અસુરક્ષિત: વહીદ પારા
- સજ્જાદ લોને આ ઘટનાને ‘હેટ ક્રાઇમ’ ગણાવી
- મીરવાઇઝ ઉમર ફારૂકે પણ ચિંતા વ્યક્ત કરી
- મુસાફરોની સુરક્ષા અંગે સવાલો
આ ઘટના શનિવાર રાતની હોવાનું કહેવાય છે. બસ પર જમ્મુ-કાશ્મીરનો રજિસ્ટ્રેશન નંબર હતો અને તેના પર મોટા અક્ષરોમાં ‘કાશ્મીર’ લખેલું હતું. અહેવાલ અનુસાર, શ્રીનગર જઈ રહેલી આ બસ શનિવારે રાત્રે આશરે 10:30 વાગ્યે કરનાલ નજીક ડિવાઇન ઢાબા પાસે રોકાઈ હતી. આ બસનું સંચાલન સ્ટાર વર્લ્ડ એડવેન્ચર્સ નામની કંપની કરે છે. કંપનીના માલિક આદિલ અહમદ ભટ્ટે જણાવ્યું કે બસ પાસે એક કાર ઊભી હતી, જેમાં ચાર લોકો સવાર હતા. તેમણે કથિત રીતે બસના ડ્રાઇવરને ‘કાશ્મીરી બસ’ ત્યાંથી હટાવવા કહ્યું હતું.
ભટ્ટના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરને લાગ્યું કે કાર બહાર કાઢવા માટે જગ્યા માગવામાં આવી રહી છે, તેથી તેણે જવાબ આપ્યો કે કાર બહાર કાઢવા માટે પૂરતી જગ્યા છે. ત્યારબાદ કારમાં બેઠેલા ચારેય લોકો બહાર આવ્યા અને બસમાં ઘૂસીને ડ્રાઇવર સાથે મારપીટ કરવા લાગ્યા. બસમાં હાજર અન્ય મુસાફરોએ વચ્ચે પડીને તેમને રોક્યા, ત્યારબાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. જોકે, બસના માલિકનો આરોપ છે કે થોડા સમય પછી તેઓ બાઇક પર પાછા ફર્યા અને બસ પર પથ્થરો ફેંકવા લાગ્યા.
બસના કાચ તૂટ્યા, ચાર મુસાફરો ઘાયલ
અહેવાલ અનુસાર, બસના માલિકના જણાવ્યા મુજબ, પથ્થરમારા દરમિયાન મોટાભાગના મુસાફરો ઢાબા પર ગયા હતા અને બસની અંદર માત્ર થોડા લોકો જ હાજર હતા. આ દરમિયાન ચાર મુસાફરો ઘાયલ થયા. ઘાયલોમાં એક વૃદ્ધ મુસાફરનો પણ સમાવેશ થાય છે, જેમના નાક પર ઈજા થઈ હતી. બસને પણ ઘણું નુકસાન થયું. બસના માલિકનું કહેવું છે કે બસની ડાબી બાજુની તમામ બારીઓના કાચ અને પાછળની બાજુની વિન્ડશીલ્ડ તૂટી ગઈ હતી.
અહેવાલ અનુસાર, આદિલ અહમદ ભટ્ટે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ કહ્યું હતું કે તેઓ ‘કાશ્મીરી બસ’ને રસ્તાઓ પર ચાલવા દેશે નહીં. ભટ્ટનો દાવો છે કે આ વખતે મુસાફરોએ પણ હુમલાખોરોનો વિરોધ કર્યો હતો. બસના માલિકે હરિયાણા પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે પોલીસે હુમલાખોરોને રોકવા અને તેમની સામે કાર્યવાહી કરવાને બદલે બસના એક મુસાફરને પકડી લીધો હતો. ભટ્ટના જણાવ્યા અનુસાર, પોલીસે તે મુસાફરને પોલીસ પર હુમલો કરવાનો કેસ નોંધવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
હરિયાણા પોલીસે શું કહ્યું?
કરનાલ જિલ્લાના બુટાના પોલીસ સ્ટેશનના SHO વિપિન કુમારે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિ પર સીધો હુમલો થયો નહોતો. તેમણે કહ્યું કે બસના કાચ પર ઈંટ વાગ્યા બાદ કાચના તૂટેલા ટુકડાથી વૃદ્ધ મુસાફરને ઈજા થઈ હતી. SHOએ એવો દાવો પણ કર્યો કે કારમાં સવાર બે લોકો કથિત રીતે નશામાં હતા અને બસમાં હાજર એક મુસાફરે પણ દારૂ પીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ જ કારણથી બંને પક્ષો વચ્ચેનો વિવાદ વધ્યો હતો.
CM ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યો મુદ્દો
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે હરિયાણા સરકાર સમક્ષ મુસાફરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે X પર લખ્યું કે જમ્મુ-કાશ્મીર જઈ રહેલી બસ સાથે જોડાયેલી આ ઘટના હરિયાણા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવી છે. કાર્યાલયના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુરક્ષા અને તેમની સુખાકારી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
This unfortunate incident should never have taken place. I hope the Haryana government lead by @NayabSainiBJP ji & @police_haryana catch the culprits & take action to ensure these things don’t happen again.
— Omar Abdullah (@OmarAbdullah) October 18, 2026
નફરતને કારણે સામાન્ય કાશ્મીરીઓ અસુરક્ષિત: વહીદ પારા
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે PDPના નેતા વહીદ પારાએ આ ઘટનાની નિંદા કરી અને આરોપીઓની ધરપકડ કરવાની માગ કરી. તેમણે કહ્યું, ‘નફરત સામાન્ય કાશ્મીરીઓને અસુરક્ષિત બનાવી રહી છે. અમે ધરપકડ અને જવાબદારી નક્કી કરવાની માગ કરીએ છીએ.’ પારાનું કહેવું છે કે આવી ઘટનાઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
A Delhi–Srinagar sleeper bus was attacked with bricks in Kurukshetra while passengers slept. An elderly Kashmiri was left bleeding. Disturbingly, reports suggest police targeted passengers instead of the attackers.
Hate is making ordinary Kashmiris unsafe. We demand arrests and accountability. FYI @DGPHaryana @police_haryana @HMOIndia https://t.co/Bnxt0cdSb0
— Waheed Ur Rehman Para (@parawahid) October 18, 2026
સજ્જાદ લોને આ ઘટનાને ‘હેટ ક્રાઇમ’ ગણાવી
પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોને પણ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તેને કાશ્મીરીઓ વિરુદ્ધ નફરત સાથે જોડાયેલી હિંસા ગણાવી હતી. લોને કહ્યું કે સામાન્ય નાગરિકોને લઈ જતાં વાહનને નિશાન બનાવવું અને એક વૃદ્ધ મુસાફરને ઘાયલ કરવો એવી ઘટના છે, જેને અવગણવી જોઈએ નહીં.
તેમણે કહ્યું કે કાશ્મીરીઓ પ્રત્યે નફરત ધરાવતી કોઈ વ્યક્તિ દ્વારા સામાન્ય નાગરિકો સામે હિંસા આચરવી ગંભીર બાબત છે. લોને આશા વ્યક્ત કરી કે વહીવટીતંત્ર આ ઘટનાને ગંભીરતાથી લેશે અને જવાબદાર લોકોને તેમના કૃત્યની સજા મળશે.
Strongly condemn the disturbing incident involving a Delhi–Srinagar passenger bus in Haryana. Targeting a vehicle carrying ordinary citizens and causing injuries to an elderly passenger is an act that must not go unchallenged.
This is an incident of hate. A lunatic, drunk on hatred for Kashmiris indulged in act of violence against ordinary civilians.
I hope against hope that this incident is taken seriously and the attackers get the punishment that they deserve.
— Sajad Lone (@sajadlone) October 18, 2026
મીરવાઇઝ ઉમર ફારૂકે પણ ચિંતા વ્યક્ત કરી
કાશ્મીરના અગ્રણી ધાર્મિક નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે જમ્મુ-કાશ્મીરના રજિસ્ટ્રેશન નંબરવાળાં વાહનોને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અધિકારીઓએ કાશ્મીરી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને જવાબદાર લોકો સામે ઝડપથી કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
Disturbed to learn about the attack on a Kashmir bound bus in Haryana, leaving an elderly passenger injured and others traumatised. Reports of threats against J&K-registered vehicles are causing concern among people. Those in authority must ensure the safety of Kashmiri travellers and take swift and strict legal action against those responsible.
— Mirwaiz Umar Farooq (@MirwaizKashmir) October 18, 2026
મુસાફરોની સુરક્ષા અંગે સવાલો
કરનાલની આ ઘટના અંગે બે અલગ-અલગ દાવા સામે આવ્યા છે. બસના માલિકે આરોપ લગાવ્યો છે કે બસને ‘કાશ્મીરી’ હોવાને કારણે નિશાન બનાવવામાં આવી હતી, ડ્રાઇવર સાથે મારપીટ થઈ હતી અને પથ્થરમારામાં ચાર મુસાફરો ઘાયલ થયા હતા. બીજી તરફ, હરિયાણા પોલીસ તેને પાર્કિંગને લઈને થયેલો વિવાદ ગણાવી રહી છે. ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે અન્ય રાજ્યોમાં મુસાફરી કરતા કાશ્મીરીઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે.
હાલમાં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે, શું હુમલા અને કથિત ધમકીઓના આરોપોની તપાસ કરવામાં આવશે અને શું મુસાફરોને સુરક્ષાનો વિશ્વાસ અપાવવા માટે નક્કર પગલાં લેવામાં આવશે.

