Vadodara Missing African Grey Parrot: ગુજરાતમાં દિવાળીના પર્વ વચ્ચે એક વિચિત્ર ઘટના સામે આવી છે. વડોદરા શહેરના પોશ વિસ્તાર સેવાસીમાં રહેતી એક મહિલાએ આફ્રિકન ગ્રે પોપટ ઊડી ગયા બાદ ખાવાનું છોડી દીધું છે. મહિલાની રડી-રડીને બેહાલ હાલત છે. મહિલાએ આફ્રિકન ગ્રે પોપટને પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો. તેનું નામ ‘લાડુ’ રાખ્યું હતું. મહિલાએ પોપટની માહિતી આપનાર અથવા ‘લાડુ’ને સુરક્ષિત રીતે પરત લાવનારને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે. એક પક્ષી માટે માતાનો પ્રેમ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.
દિવાળી પહેલાં છીનવાઈ ખુશીઓ
વડોદરાના સેવાસી રોડ પર આવેલા ઇસ્કોન હાઇટ્સમાં પારેખ દંપતી રહે છે. શાલિન પારેખનાં પત્ની જેસિકા ગયા વર્ષે જુલાઈમાં મુંબઈથી એક આફ્રિકન ગ્રે પોપટ લઈને આવ્યાં હતાં. પરિવાર તેને ખૂબ જ પ્રેમથી ઉછેરતો હતો. તે ચાર દિવસ પહેલાં ગુમ થઈ ગયો હતો. ત્યારથી જેસિકા માત્ર ઉદાસ જ નથી, પરંતુ દરેક વ્યક્તિને પોપટને સુરક્ષિત રીતે પાછો લાવવા માટે વિનંતી કરી રહ્યાં છે. ખાલી પાંજરું જોઈને જેસિકા માત્ર રડી રહ્યાં નથી, પરંતુ બરાબર જમવાનું પણ ખાઈ રહ્યાં નથી. પોતાને ‘લાડુ’ની માતા કહેનાર જેસિકા મીડિયા સમક્ષ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં.
1 લાખ રૂપિયાનું ઇનામ
શાલિન પારેખ અને જેસિકા પારેખ આફ્રિકન ગ્રે પોપટનાં ‘પેટ પેરેન્ટ્સ’ છે. જેસિકા પારેખ માટે લાડુ માત્ર એક પોપટ નહોતો, પરંતુ તેમની આંખનો તારો હતો. તેઓ તેને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. લાડુની સંભાળ રાખવા માટે જેસિકાએ ખાનગી શાળામાં શિક્ષકની નોકરી પણ છોડી દીધી હતી. તેઓ તેની સંભાળ પોતાના દીકરાની જેમ જ રાખતાં હતાં. ‘લાડુ’ ઊડી ગયા બાદ હવે જેસિકાની આંખોમાં આંસુ છે. જેસિકાની માગણી છે કે મારો દીકરો પાછો લાવી આપો. મારા લાડુને પાછો લાવી આપો. મહિલાએ પોપટની માહિતી આપનાર વ્યક્તિને 1,00,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આફ્રિકન ગ્રે પોપટની ખાસિયત
આફ્રિકન ગ્રે પોપટ પોતાની અદભુત બુદ્ધિશક્તિ અને માણસોની બોલીની નકલ કરવાની ક્ષમતા માટે જાણીતા છે. પારેખ દંપતી માટે ‘લાડુ’ પરિવારની ખુશીઓનું કેન્દ્ર હતો. પોપટ અંગે હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી. પોપટની શોધખોળ માટે CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. આ સમગ્ર મામલો વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આફ્રિકન ગ્રે પોપટની કિંમત 75 હજાર રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધી હોય છે.

