RSS Supports SIR: SIRને લઈને વિપક્ષ અને કેટલાક સંગઠનો સતત વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ SIR પ્રક્રિયાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. સંઘે યોગ્ય અને ચોક્કસ મતદાર યાદી તૈયાર કરવા માટે SIRને જરૂરી ગણાવી છે. આ સાથે દત્તાત્રેય હોસબાળેએ દેશી અને વિદેશી અરાજક તત્ત્વોને લઈને પણ કડક ચેતવણી આપી છે.
RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાળેએ આક્ષેપ કર્યો કે દેશની અંદર અને બહાર કેટલીક અરાજક શક્તિઓ યુવાનોને ઉશ્કેરવાનો અને અશાંતિ તથા હિંસા દ્વારા સત્તા પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, તેમણે સરકારને અપીલ પણ કરી છે કે તે યુવાનોની વાતો સાંભળે અને તેમની ચિંતાઓ પર ધ્યાન આપે.
યુવાનો સાથે સંવાદ કરે સરકાર: હોસબાળે
દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં થયેલા Gen Z આંદોલનને લઈને પૂછાયેલા સવાલ પર હોસબાળેએ કહ્યું કે કોઈપણ સમાજ અને સરકારે યુવાનોની આકાંક્ષાઓ અને તેમની ચિંતાઓ પર ધ્યાન આપવું જોઈએ. સંઘ પણ યુવાનો સાથે સંવાદ કરવાની અપીલ કરે છે.
હિંસાથી નહીં, ચૂંટણીથી થવો જોઈએ રાજકીય ફેરફાર
હોસબાળેએ કહ્યું કે લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પરિવર્તનનો માર્ગ ચૂંટણી છે. તેને હિંસા અથવા અવરોધો દ્વારા હાંસલ કરવાનો પ્રયાસ થવો જોઈએ નહીં. તેમણે આંતરિક અને બાહ્ય અરાજક શક્તિઓ પર યુવાનોને ઉશ્કેરીને અશાંતિ ફેલાવવાનો આક્ષેપ કર્યો.
SIR શું છે?
SIRનું પૂરું નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણ છે. આ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની વ્યાપક તપાસ કરીને તેને સુધારવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે, જેથી કોઈપણ પાત્ર ભારતીય નાગરિક મતદાર યાદીમાંથી બહાર ન રહી જાય. કોઈ અપાત્ર વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ ન થાય અથવા મૃત વ્યક્તિઓનાં નામ દૂર કરવામાં આવે. કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયેલા મતદારોના રેકોર્ડ અપડેટ કરવામાં આવે.
સામાન્ય પ્રક્રિયા અને SIR વચ્ચે શું તફાવત છે? સામાન્ય રીતે મતદાર યાદીમાં સમયાંતરે નવાં નામ ઉમેરવા, નામ દૂર કરવા અને સુધારા કરવાનું કામ થાય છે. SIRમાં ચૂંટણી પંચ બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોની ચકાસણી કરાવે છે. આ માટે એન્યુમરેશન ફોર્મ ભરાવવામાં આવે છે.
SIRને લઈને શું છે વિવાદ?
SIRને લઈને વિપક્ષ અને અનેક સામાજિક સંગઠનો સતત વિરોધ કરી રહ્યાં છે. વિપક્ષી પક્ષોએ આક્ષેપ કર્યો છે કે આ પ્રક્રિયાનો ઉપયોગ સત્તાધારી પક્ષ પોતાના ફાયદા માટે કરી રહ્યો છે. વિપક્ષે SIR પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં લોકોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

