Passport Rules Exemption: કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોની કેટલીક શ્રેણીઓને પાસપોર્ટ અને વિઝા સંબંધિત નિયમોમાં મોટી રાહત આપી છે. તેમાં કેટલાક પાકિસ્તાની નાગરિકો, ધાર્મિક અત્યાચારને કારણે ભારતમાં આવેલા લઘુમતી શરણાર્થીઓ, શ્રીલંકન તમિલો અને તિબેટના નાગરિકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (અમેન્ડમેન્ટ) ઓર્ડર, 2026 જાહેર કરીને આ નિયમોમાં સુધારો કર્યો છે. નવો આદેશ ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. બીજી તરફ, નેપાળ અને ભૂટાનના નાગરિકો માટે પણ મુસાફરી અને ઓળખ સંબંધિત આવશ્યકતાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
2009 સુધી ભારતમાં આવેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોને રાહત
નવા નિયમો અનુસાર, 31 ડિસેમ્બર 2009 અથવા તે પહેલાં ભારતમાં આવીને કાયમી વસવાટ કરવાનો ઇરાદો ધરાવતા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પાસપોર્ટનું નવીનીકરણ કરાવવાની ફરજિયાત શરતમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ રાહત એવા લોકોને મળશે, જેઓ પાકિસ્તાન દ્વારા જારી કરવામાં આવેલા કમ્પ્યુટરાઇઝ્ડ નેશનલ આઇડેન્ટિટી કાર્ડ (CNIC) ન હોવાને કારણે પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવી શકતા નથી.
આ ઉપરાંત, મુસ્લિમ સમુદાયના કેટલાક પુરુષોને પણ આ છૂટના દાયરામાં રાખવામાં આવ્યા છે. આ એવા લોકો છે, જેઓ મૂળ ભારતીય નાગરિક હતા અને 15 ઓગસ્ટ 1947થી 31 ડિસેમ્બર 1965 દરમિયાન ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા હતા. ત્યારબાદ 31 ડિસેમ્બર 2009 અથવા તે પહેલાં ભારત પરત આવ્યા અને કેરળમાં વસવાટ કર્યો. જોકે, આ શ્રેણીમાં છૂટ મેળવવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. સંબંધિત વ્યક્તિએ પાકિસ્તાનમાં લગ્ન કર્યા ન હોવા જોઈએ, ત્યાં સ્થાવર મિલકત મેળવી ન હોવી જોઈએ અને તેના પરિવારના સભ્યો ભારતના નાગરિક હોવા જોઈએ તથા પાકિસ્તાનમાં રહી ગયા હોવા જોઈએ.
ધાર્મિક અત્યાચારને કારણે આવેલા લઘુમતીઓને છૂટ
સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છ ધાર્મિક સમુદાયોના લોકોને પણ રાહત આપી છે. તેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનો સમાવેશ થાય છે.
આ એવા લોકો છે, જેઓ ધાર્મિક અત્યાચાર અથવા તેના ભયને કારણે આશ્રય મેળવવા માટે 31 ડિસેમ્બર 2024 અથવા તે પહેલાં ભારત આવ્યા હતા. નવા આદેશ હેઠળ તેમને પાસપોર્ટ અથવા અન્ય માન્ય મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં આવવા અથવા દસ્તાવેજોની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં સામાન્ય પાસપોર્ટ અને વિઝાના નિયમોમાંથી છૂટ મળશે. જોકે, ભારતમાં આગળ રહેવા માટે તેમણે યોગ્ય શ્રેણીનો વિઝા મેળવવો પડશે.
શ્રીલંકન તમિલો અને તિબેટના નાગરિકોને પણ રાહત
સુધારેલા આદેશમાં ભારતમાં આશ્રય લેનારા નોંધાયેલા શ્રીલંકન તમિલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એવા શ્રીલંકન તમિલ નાગરિકો, જેમણે 9 જાન્યુઆરી 2015 સુધી ભારતમાં આશ્રય લીધો હતો અને સંબંધિત અધિકારીઓ પાસે નોંધણી કરાવી હતી, તેમને સામાન્ય પાસપોર્ટ અને વિઝાની આવશ્યકતાઓમાંથી છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિર્ધારિત પ્રવેશ પરમિટના આધારે ભારતમાં આવેલા અને સંબંધિત અધિકારીઓ પાસે નોંધણી કરાવનારા તિબેટના નાગરિકોને પણ આ છૂટનો લાભ મળશે.
ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકો માટે મુસાફરીના નિયમોમાં ફેરફાર
ગૃહ મંત્રાલયે ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકો વચ્ચે મુસાફરી સાથે જોડાયેલા ઓળખ દસ્તાવેજોના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.
ભારતીય નાગરિકો નેપાળ અને ભૂટાનની મુસાફરી દરમિયાન પાસપોર્ટના બદલે સરકારની વિઝા મેન્યુઅલમાં નિર્ધારિત ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક બતાવી શકશે.
આ જ સુવિધા નેપાળ અને ભૂટાનના નાગરિકોને ભારતમાં પ્રવેશતી વખતે અથવા અહીંથી બહાર જતી વખતે મળશે. જોકે, નેપાળ અને ભૂટાનના એવા નાગરિકો, જેમણે ચીન, મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાનથી મુસાફરી શરૂ કરી હોય અથવા ત્યાંથી થઈને આવ્યા હોય, તેમના માટે માન્ય પાસપોર્ટ અને વિઝા બંને રાખવા ફરજિયાત રહેશે.
ભારતીય નાગરિકોને નેપાળ અને ભૂટાન સિવાયના કોઈ અન્ય દેશમાંથી આવવા-જવા માટે આ બંને દેશોની સરહદનો ઉપયોગ કરવા પર પણ આ છૂટ મળશે નહીં. આવા મુસાફરોએ માન્ય પાસપોર્ટ અને નિર્ધારિત ઇમિગ્રેશન ચેક પોસ્ટનો ઉપયોગ કરવો પડશે.
સેના, નૌકાદળ અને વાયુસેનાના જવાનોને પણ છૂટ
સુધારેલા આદેશમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના એવા કર્મચારીઓને પણ છૂટ આપવામાં આવી છે, જેઓ સત્તાવાર ફરજ પર મુસાફરી કરી રહ્યા છે. સરકારી પરિવહન દ્વારા તેમની સાથે મુસાફરી કરતા પરિવારના સભ્યો પણ આ છૂટના દાયરામાં રહેશે.
આ ઉપરાંત, સમારકામ માટે ભારતમાં આવતા લશ્કરી જહાજોના વિદેશી ક્રૂ સભ્યોને પણ કેટલીક શરતો સાથે છૂટ આપવામાં આવી છે. આ માટે તેમની પાસે લશ્કરી ઓળખ દસ્તાવેજો અને ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલી લશ્કરી જહાજ સમારકામ પરમિટ હોવી જરૂરી છે.

