Low Testosterone Cancer Risk: પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું હોય તો કેન્સરથી મૃત્યુનું જોખમ 18 ટકા વધારે, નવા અભ્યાસમાં ખુલાસો

Arati Parmar
5 Min Read
Low Testosterone Cancer Risk

Low Testosterone Cancer Risk અંગે થયેલા નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ખૂબ ઓછું હોય તો તેમને કેન્સર થવાનું અને તેના કારણે મૃત્યુ થવાનું જોખમ વધારે હોઈ શકે છે. ટેસ્ટોસ્ટેરોન એ જ હોર્મોન છે, જે પુરુષોમાં મૂછ-દાઢી, ઘેરો અવાજ, સ્નાયુઓ અને શરીરના વાળના વિકાસ માટે જવાબદાર હોય છે. હાડકાંની મજબૂતીથી લઈને જાતીય ઇચ્છા સુધી, પુરુષો માટે આ હોર્મોન અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. પરંતુ ‘લૅન્સેટ હેલ્ધી લૉન્જિવિટી’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ જરૂરી સેક્સ હોર્મોનનું સ્તર ખૂબ ઓછું હોય તેવા પુરુષોમાં કેન્સરનું જોખમ વધારે હોવાનું સામે આવ્યું છે. આ અભ્યાસમાં ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપના 26 હજારથી વધુ પુરુષોના લાંબા સમયના આંકડાઓની તપાસ અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી ઑફ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાના વરિષ્ઠ લેખક અને એન્ડોક્રિનોલોજિસ્ટ બુ યેપ જણાવે છે, ‘અમે જોયું કે જો કોઈ પુરુષનું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સૌથી નીચલા પાંચમા ભાગમાં હતું (સૌથી ઉપરના પાંચમા ભાગની સરખામણીએ), તો ભવિષ્યમાં કેન્સરને કારણે મૃત્યુ થવાનું જોખમ વધારે હતું. ઉંમર અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બાબતોને ધ્યાનમાં લીધા પછી પણ આ જોખમ યથાવત્ રહ્યું.’ ખાસ વાત એ છે કે સૌથી ઓછું ટેસ્ટોસ્ટેરોન ધરાવતા પુરુષોમાં કોઈપણ પ્રકારના કેન્સરથી મૃત્યુ થવાનું સાપેક્ષ જોખમ 18 ટકા વધારે હતું.

- Advertisement -

અન્ય ત્રણ હોર્મોન્સનો પણ કેન્સર સાથે સંબંધ

માત્ર ટેસ્ટોસ્ટેરોન જ નહીં, પરંતુ અન્ય ત્રણ હોર્મોન્સનો પણ કેન્સર સાથે સંબંધ જોવા મળ્યો હતો. સૌથી ઓછું ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન (DHT) ધરાવતા પુરુષોમાં કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ 21 ટકા વધારે હતું. DHT ટેસ્ટોસ્ટેરોનમાંથી બનતો એક શક્તિશાળી હોર્મોન છે. આ ઉપરાંત, સૌથી ઓછું સેક્સ હોર્મોન-બાઇન્ડિંગ ગ્લોબ્યુલિન (SHBG) ધરાવતા પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 28 ટકા વધારે હતું. સૌથી ઓછું લ્યુટિનાઇઝિંગ હોર્મોન ધરાવતા પુરુષોમાં આ જોખમ 45 ટકા સુધી વધારે હતું.

SHBG લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું વહન કરવાનું કામ કરે છે અને કેટલું ‘ફ્રી’ ટેસ્ટોસ્ટેરોન ઉપલબ્ધ છે તે નક્કી કરે છે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન મગજની પિટ્યુટરી ગ્રંથિમાંથી બને છે અને ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન માટે મદદ કરે છે. રસપ્રદ વાત એ છે કે ટેસ્ટોસ્ટેરોનના સ્તરનો પ્રોસ્ટેટ કેન્સર સાથે સંબંધ જોવા મળ્યો નહોતો.

- Advertisement -

ટેસ્ટોસ્ટેરોન શરીર માટે અત્યંત જરૂરી હોર્મોન છે

યેપ કહે છે, ‘પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડવામાં આવે છે, તેથી હંમેશાં એવો પ્રશ્ન રહ્યો છે કે શરીર પોતે કેટલું ટેસ્ટોસ્ટેરોન બનાવે છે અને શું તેનો પ્રોસ્ટેટ કેન્સરના જોખમ સાથે કોઈ સંબંધ છે. પરંતુ અમારા સંશોધન અનુસાર, આવો કોઈ પુરાવો મળ્યો નથી.’

ટેસ્ટોસ્ટેરોન પુરુષોના શરીર માટે એક જરૂરી હોર્મોન છે. તે અંડકોષ અને એડ્રિનલ ગ્રંથિઓમાંથી બને છે. તેનું કાર્ય જાતીય ક્ષમતા, સ્નાયુઓ, હાડકાંનું સ્વાસ્થ્ય અને મેટાબોલિઝમ સુધી વિસ્તરેલું છે. ઉંમર વધવાની સાથે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવું સામાન્ય બાબત છે, પરંતુ તેનું સ્તર ખૂબ ઓછું હોવું ખરાબ સ્વાસ્થ્યનો સંકેત હોઈ શકે છે. આ સમીક્ષામાં જાણવા મળ્યું કે જ્યારે શરૂઆતમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 8.6 nmol/L કરતાં ઓછું હતું, ત્યારે ભવિષ્યમાં કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ વધવાનું શરૂ થયું હતું.

- Advertisement -

ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપીનું વધતું બજાર

આજકાલ પુરુષોના શરીરમાં થતી લગભગ દરેક સમસ્યા માટે ‘લો T’ને જવાબદાર ઠેરવવામાં આવે છે. ઉંમરલાયક પુરુષોમાં ઓછું ટેસ્ટોસ્ટેરોન સ્વાસ્થ્ય સંબંધિત અનેક નકારાત્મક પરિણામો સાથે જોડાયેલું છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે ટેસ્ટોસ્ટેરોન જ તેનું કારણ છે અથવા બહારથી ટેસ્ટોસ્ટેરોન આપવાથી ફાયદો થશે. ઑનલાઇન પ્રભાવશાળી વ્યક્તિઓ અને ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપીનું વધતું બજાર આ બાબતને વિજ્ઞાન કરતાં ઘણું આગળ લઈ ગયું છે. વર્ષ 2023માં ઓછું ટેસ્ટોસ્ટેરોન ધરાવતા 5,000થી વધુ પુરુષોને ઘણા વર્ષો સુધી અનુસરતા એક મોટા રૅન્ડમાઇઝ્ડ ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપીથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ખાસ બદલાયું નહોતું.

યેપ કહે છે, ‘અમે દર્શાવ્યું છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઓછું સ્તર વધેલા જોખમ સાથે જોડાયેલું છે, પરંતુ અત્યાર સુધી એવો કોઈ પુરાવો નથી કે પુરુષોને ટેસ્ટોસ્ટેરોન આપવાથી આ જોખમ ઘટી જશે.’

તેના બદલે યેપ જણાવે છે કે ઓછું ટેસ્ટોસ્ટેરોન ખરાબ સ્વાસ્થ્યનું બાયોમાર્કર હોઈ શકે છે. તેથી શક્ય છે કે ટેસ્ટોસ્ટેરોનના સ્તર પરથી એવા પુરુષોની ઓળખ કરી શકાય, જેમને ભવિષ્યમાં કેન્સર થાય તો તેના પરિણામો ખરાબ આવી શકે છે.

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું હોય તો તપાસ જરૂર કરાવો

અગાઉના અનેક સંશોધનોમાં ટેસ્ટોસ્ટેરોન અને કેન્સર અથવા કેન્સરથી થતા મૃત્યુ વચ્ચેના સંબંધ અંગે મિશ્ર પરિણામો સામે આવ્યાં હતાં. કેટલાક અભ્યાસોમાં કોઈ સંબંધ જોવા મળ્યો નહોતો. પરંતુ આ નવી સમીક્ષા એવા સંશોધનો પર આધારિત છે, જેમાં હોર્મોન્સનું માપન કરવા માટે માસ સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વધુ ચોક્કસ પદ્ધતિ છે. તેમાં માત્ર ટેસ્ટોસ્ટેરોન જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા અન્ય હોર્મોન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

યેપનું કહેવું છે, ‘અમે પુરુષોને એટલું જ કહીશું કે કોઈપણ કારણસર તેમનું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું હોવાનું જાણવા મળે, તો તેમણે ડૉક્ટર પાસે જઈને સંપૂર્ણ તપાસ જરૂર કરાવવી જોઈએ. શક્ય છે કે ટેસ્ટિસ સંબંધિત કોઈ બીમારી ન મળે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ અથવા જોખમી પરિબળો મળી શકે છે, જેને સુધારવા જરૂરી છે.’

Share This Article