Bangladesh Political Violence: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, મોહમ્મદ યુનુસના પૈતૃક ઘર અને ગ્રામીણ બેંકની શાખાઓને આગચંપી

Arati Parmar
10 Min Read
Bangladesh Political Violence

Bangladesh Political Violence: બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની અવામી લીગના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાજકીય હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. નોબેલ પુરસ્કાર વિજેતા અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના ચટગાંવ સ્થિત પૈતૃક મકાનમાં બુધવારે મોડી રાત્રે આગ લગાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ, આગચંપી, પોલીસ સાથે અથડામણ અને રાજકીય કાર્યકરો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે.

શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ગુરુવાર, 19 નવેમ્બરના રોજ સવારથી સાંજ સુધી દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. શેખ હસીનાને બાંગ્લાદેશ પરત ફરવા માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર આપવાની માગણી સરકારે ફગાવી દેતાં તેના વિરોધમાં પાર્ટીએ આ નિર્ણય લીધો છે.

- Advertisement -

ભારતમાં નિર્વાસિત જીવન વિતાવી રહેલાં શેખ હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમની વાપસીની માગણીને લઈને અવામી લીગે પાંચ દિવસના વિરોધ કાર્યક્રમની જાહેરાત કરી હતી. ગુરુવારે દેશવ્યાપી બંધ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં આગ કેવી રીતે લાગી?

અહેવાલ અનુસાર, ચટગાંવના પંચલાઇશ વિસ્તારમાં આવેલા મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં બુધવાર, 18 નવેમ્બરની રાત્રે લગભગ 11:30 વાગ્યે આગ લાગી હતી. જણાવવામાં આવ્યું છે કે મકાનના પહેલા માળે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક ખાલી ઓરડામાં આગ લગાવવામાં આવી હતી. આ ઓરડાનો લાંબા સમયથી ઉપયોગ થતો નહોતો.

- Advertisement -

પંચલાઇશ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી મોજમ્મેલ હકના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓએ આગ જોઈ હતી અને તરત જ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ રહેતું નહોતું. મોહમ્મદ યુનુસના બે ભાઈઓનાં પરિવારો મકાનના બીજા અને ત્રીજા માળે રહે છે. ઘટનાના સમયે પરિવારના સભ્યો સુરક્ષિત હતા.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને મકાનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અત્યાર સુધી આગ લગાવનારાઓની ઓળખ થઈ શકી નથી.

- Advertisement -

યુનુસની ગ્રામીણ બેંકને પણ બનાવવામાં આવી નિશાન

મોહમ્મદ યુનુસ સાથે જોડાયેલી મિલકતો પર હુમલાનો સિલસિલો માત્ર તેમના પૈતૃક મકાન સુધી મર્યાદિત નથી. યુનુસ દ્વારા સ્થાપિત ગ્રામીણ બેંકની શાખાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. પ્રોથોમ આલોના અહેવાલ અનુસાર, ચટગાંવના અનવારા અને સાતકાનિયા ઉપજિલ્લામાં ગ્રામીણ બેંકની બે શાખાઓમાં થોડા દિવસ પહેલાં આગ લગાવવામાં આવી હતી.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, 10 નવેમ્બરથી અત્યાર સુધી ગ્રામીણ બેંકની ઓછામાં ઓછી 37 શાખાઓ અને કચેરીઓમાં આગચંપી અથવા આગ લગાવવાના પ્રયાસો થયા છે. બેંકે એવી માહિતી પણ આપી હતી કે મંગળવારે મધરાત બાદ તેની 14 કચેરીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા.

ગ્રામીણ બેંક બાંગ્લાદેશની એક મહત્ત્વપૂર્ણ નાણાકીય સંસ્થા છે, જેની સ્થાપના મોહમ્મદ યુનુસે કરી હતી. ગરીબો માટે સૂક્ષ્મ ધિરાણ અને ગ્રામીણ બેંકિંગ ક્ષેત્રે તેમના યોગદાન બદલ યુનુસને વર્ષ 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ગોપાલગંજમાં અવામી લીગનું ઉગ્ર પ્રદર્શન, પોલીસ સ્ટેશનમાં આગચંપી

બાંગ્લાદેશમાં સૌથી વધુ તણાવ શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં જોવા મળ્યો છે. અવામી લીગના કાર્યકરોએ રવિવાર, 15 નવેમ્બરથી રસ્તાઓ પર પ્રદર્શન શરૂ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ રોક્યા હતા અને પોલીસ સાથે અથડામણ કરી હતી.

અહેવાલ અનુસાર, કેટલાક પ્રદર્શનકારીઓ પાસે કુહાડીઓ, માચેટી અને સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલાં હથિયારો પણ હતાં. મંગળવાર, 17 નવેમ્બરની રાત્રે તુંગીપાડા પોલીસ સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો. અવામી લીગના કેટલાક કાર્યકરોની ધરપકડના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી, ત્યાં અટકાયતમાં રાખવામાં આવેલા લોકોને છોડાવ્યા હતા અને મકાનમાં આગ લગાવી દીધી હતી. પોલીસનાં વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

ગોપાલગંજમાં હિંસા દરમિયાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના સાંસદ એસ.એમ. જિલાનીના ઘર સહિત ઓછામાં ઓછાં 20 અન્ય મકાનોને પણ આગ લગાવવામાં આવી હોવાના અહેવાલ છે.

બુધવાર સાંજ સુધીમાં સંભવિત હુમલાના ડરને કારણે પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશન છોડીને જિલ્લા પોલીસ લાઇન્સમાં જતા રહ્યા હતા. આ જ રાત્રે ગોપાલગંજમાં અવામી લીગના સ્થાનિક કાર્યકરોએ BNPના સાંસદ કે.એમ. બાબરની માલિકીની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. કશિયાની વિસ્તારમાં BNPની કચેરી અને ગ્રામીણ બેંકની એક કચેરીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ ‘જય બાંગ્લા’ના નારા લગાવી રહ્યા હતા.

નરૈલમાં BNPના બે નેતાઓની હત્યા

રાજકીય હિંસામાં જાનમાલનું નુકસાન પણ થયું છે. ધ ડેઇલી સ્ટારના અહેવાલ અનુસાર, બુધવારે સાંજે નરૈલમાં BNP સાથે જોડાયેલા બે નેતાઓ શાહિનૂર શેખ અને સોહેલ મોલ્લાની હત્યા કરવામાં આવી હતી.

બંને નેતાઓ અવામી લીગ સાથે જોડાયેલી હિંસાના વિરોધમાં યોજાયેલી મોટરસાઇકલ રેલીમાં સામેલ હતા. આ દરમિયાન હુમલાખોરોએ રેલીને નિશાન બનાવી હતી. આ હુમલામાં અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયા હતા.

ઢાકામાં પણ બુધવારે રાત્રે શાહજહાંપુર, શ્યામપુર અને શેર-એ-બાંગ્લા નગર વિસ્તારોમાં દેશી બોમ્બ વિસ્ફોટના અહેવાલ સામે આવ્યા હતા. મોહમ્મદપુર વિસ્તારમાં એક ટ્રકને આગ લગાવવામાં આવી હતી.

છેલ્લા 10 દિવસમાં બાંગ્લાદેશના ઓછામાં ઓછા 28 જિલ્લાઓમાં દેશી બોમ્બ વિસ્ફોટ અને વાહનોને આગ લગાવવાની ઘટનાઓ નોંધાઈ છે.

ઢાકામાં 71 લોકોની ધરપકડ, પૂર્વ શિક્ષણમંત્રી પણ અટકાયતમાં

હિંસા પર કાબૂ મેળવવા માટે બાંગ્લાદેશ સરકારે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, ઢાકા મેટ્રોપોલિટન પોલીસે 24 કલાકમાં પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 71 લોકોની ધરપકડ કરી હતી. તેમાં અવામી લીગ અને તેની સાથે જોડાયેલાં સંગઠનોના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

પોલીસે ધરપકડ કરાયેલા એક જૂથ પાસેથી બે કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થો જપ્ત કરવાનો પણ દાવો કર્યો છે.

ગુરુવારે વહેલી સવારે પોલીસે શેખ હસીનાની સરકારમાં શિક્ષણમંત્રી રહી ચૂકેલા અને અવામી લીગના વરિષ્ઠ નેતા નુરુલ ઇસ્લામ નાહિદને પણ ઢાકાના ઉત્તરા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનેથી અટકાયતમાં લીધા હતા.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, નાહિદ પર વર્ષ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી અનેક હત્યાઓ સાથે જોડાયેલા આરોપો છે. જોકે, પોલીસ અને સુરક્ષા દળોની કાર્યવાહી છતાં દેશના વિવિધ વિસ્તારોમાં તણાવ યથાવત્ છે.

96થી 97 બોર્ડર ગાર્ડ પ્લાટૂનની તૈનાતી

હિંસા રોકવા માટે બાંગ્લાદેશ સરકારે અર્ધલશ્કરી દળોની તૈનાતી વધારી દીધી છે. ઇન્ડિયા ટુડેએ ધ ડેઇલી સ્ટારને ટાંકીને જણાવ્યું હતું કે દેશભરમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની 96 પ્લાટૂન તૈનાત કરવામાં આવી હતી.

જ્યારે રોઇટર્સના 19 નવેમ્બરના અહેવાલ અનુસાર, સાત જિલ્લાઓમાં 97 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. તેમાં ગોપાલગંજ અને ફરીદપુર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં શેખ હસીના અને અવામી લીગનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.

સરકારનો હેતુ સંવેદનશીલ વિસ્તારોમાં હિંસા અટકાવવાનો અને જાહેર મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

તારિક રહેમાને અવામી લીગ સામે રાજકીય મોરચો ખોલવા કહ્યું

બાંગ્લાદેશના વડાપ્રધાન અને BNPના વડા તારિક રહેમાને અવામી લીગની પ્રવૃત્તિઓને લઈને કડક વલણ અપનાવ્યું છે. તેમણે દેશના વિવિધ રાજકીય પક્ષો અને લોકશાહી તરફી શક્તિઓને અપીલ કરી છે કે અવામી લીગના રાજકીય પુનરાગમનને રોકવા માટે એકજૂથ થાય.

તારિક રહેમાને કહ્યું હતું કે વર્ષ 2024ના આંદોલનની જેમ ફરી એકવાર એકજૂથ થઈને એવી શક્તિઓને રોકવાની જરૂર છે, જેમને તેમણે દેશમાં સરમુખત્યારશાહી અને ફાસીવાદી રાજનીતિ સાથે જોડી હતી.

ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, તારિક રહેમાને BNPના સાંસદોને પોતપોતાના મતવિસ્તારોમાં પાછા ફરવા અને અવામી લીગની પ્રવૃત્તિઓનો રાજકીય રીતે સામનો કરવાનો નિર્દેશ આપ્યો છે.

તેમણે પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે તેઓ માત્ર સરકારી તંત્ર અને વહીવટીતંત્ર પર આધાર રાખે નહીં, પરંતુ પાયાના સ્તરે પાર્ટીના કાર્યકરો સાથે સક્રિય ભૂમિકા ભજવે. તારિક રહેમાને શેખ હસીના પર વિદેશમાં રહીને બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

શેખ હસીનાની વાપસીને લઈને રાજકીય તણાવ વધ્યો

બાંગ્લાદેશમાં હાલની હિંસાનું એક મોટું કારણ શેખ હસીનાની સંભવિત વાપસી અને અવામી લીગની રાજકીય પ્રવૃત્તિઓ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ છે.

ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીના વડાપ્રધાન પદ છોડીને ભારત આવી ગયાં હતાં. તે સમયે તેમની વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા અને 15 વર્ષથી સત્તામાં રહેલી તેમની સરકારનું પતન થયું હતું. ત્યારબાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની હતી. યુનુસે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું.

તેમના કાર્યકાળ દરમિયાન અવામી લીગની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પાર્ટીના હજારો નેતાઓ તથા કાર્યકરો સામે વિવિધ કેસોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે 17 નવેમ્બર 2025ના રોજ શેખ હસીનાને વર્ષ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસક કાર્યવાહી અને માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

ઓગસ્ટ 2024થી શેખ હસીના ભારતમાં રહે છે. તેમણે ડિસેમ્બર 2026 સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમના વકીલોએ નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જાહેર કરવાની માગણી પણ કરી છે. જોકે, તારિક રહેમાનના નેતૃત્વવાળી સરકારે તેમની માગણી સ્વીકારી નથી. આ જ મુદ્દે અવામી લીગે વિરોધ પ્રદર્શનોનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

બાંગ્લાદેશ સરકાર સામે મોટો પડકાર

બાંગ્લાદેશમાં હાલની ઘટનાઓ માત્ર અવામી લીગ અને BNP વચ્ચેનો રાજકીય સંઘર્ષ રહ્યો નથી. મોહમ્મદ યુનુસના ઘર, ગ્રામીણ બેંકની શાખાઓ, પોલીસ સ્ટેશનો, હોસ્પિટલો અને રાજકીય નેતાઓનાં નિવાસસ્થાનો પર થયેલા હુમલાઓએ દેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

એક તરફ અવામી લીગ પ્રતિબંધ હોવા છતાં રસ્તાઓ પર પોતાની રાજકીય તાકાત દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ વડાપ્રધાન તારિક રહેમાનની સરકાર તેના રાજકીય પુનરાગમનને રોકવા માટે કડક વલણ અપનાવી રહી છે.

આવી સ્થિતિમાં ડિસેમ્બરમાં શેખ હસીનાની પ્રસ્તાવિત વાપસી અને અવામી લીગની રાજકીય રણનીતિ બાંગ્લાદેશના રાજકારણમાં વધુ અસ્થિરતા લાવી શકે છે. હાલ સૌથી મોટો સવાલ એ છે કે શું તારિક રહેમાનની સરકાર હિંસા પર નિયંત્રણ મેળવીને રાજકીય વિરોધને સંભાળી શકશે કે બાંગ્લાદેશ ફરી એકવાર મોટા રાજકીય સંઘર્ષ તરફ આગળ વધશે?

Share This Article