Ajit Doval US Court summons: અજિત ડોભાલ અને RAWના પૂર્વ પ્રમુખ સામંત ગોયલને US કોર્ટનું સમન્સ, દિલ્હી ની ત્રણ અદાલતોની મદદ માગી

Arati Parmar
7 Min Read
Ajit Doval US Court summons

Ajit Doval US Court summons: અમેરિકાની એક જિલ્લા અદાલતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ પ્રમુખ સામંત ગોયલને કાનૂની સમન્સ પહોંચાડવા માટે દિલ્હી ની ત્રણ જિલ્લા અદાલતો પાસેથી મદદ માગી છે. આ મામલો ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નૂ દ્વારા અમેરિકામાં દાખલ કરવામાં આવેલા એક દીવાની કેસ સાથે સંબંધિત છે.

જોકે, આ ઘટનાક્રમમાં મહત્ત્વની વાત એ છે કે અમેરિકાની અદાલતનો આ આદેશ સમન્સની વૈકલ્પિક બજવણીની પ્રક્રિયા સાથે સંબંધિત છે. ભારતીય અધિકારીઓ પર લાગેલા આરોપોની ન્યાયિક પુષ્ટિ કરતો કે તેમને દોષિત ઠેરવતો કોઈ નિર્ણય નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા હેઠળ મોકલવામાં આવતાં સમન્સ ભારતમાં સંબંધિત અધિકારીઓ પર આપમેળે બંધનકર્તા બની જતાં નથી.

- Advertisement -

આ આદેશ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટની અમેરિકી જિલ્લા અદાલતનાં જજ કેથરીન પોલ્ક ફૈલાએ જાહેર કર્યો છે. અદાલતના ક્લાર્કને સૂચના આપવામાં આવી છે કે જરૂરી ન્યાયિક દસ્તાવેજો આંતરરાષ્ટ્રીય ટપાલ અથવા કુરિયર દ્વારા દિલ્હી ની ત્રણ જિલ્લા અદાલતો પટિયાલા હાઉસ, દ્વારકા અને તીસ હજારીને મોકલવામાં આવે.

હેગ કન્વેન્શન હેઠળના પ્રથમ પ્રયાસને સફળતા મળી નહોતી

અમેરિકાની અદાલતે સમન્સ મોકલવા માટે પહેલાં નિર્ધારિત સામાન્ય પ્રક્રિયા અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંતર્ગત ભારતની તે કેન્દ્રીય સત્તા મારફતે દસ્તાવેજો મોકલવાના હતા, જે આંતરરાષ્ટ્રીય ન્યાયિક દસ્તાવેજોની બજવણી સંબંધિત મામલાઓ જુએ છે. જોકે, હેગ કન્વેન્શન હેઠળ ભારતની કેન્દ્રીય સત્તા મારફતે સમન્સ મોકલવાનો પ્રયાસ સ્વીકારવામાં આવ્યો નહોતો. ત્યારબાદ અમેરિકાની અદાલતે વૈકલ્પિક પ્રક્રિયા અપનાવવાની મંજૂરી આપી હતી. અદાલતે હેગ સર્વિસ કન્વેન્શનની કલમ 19 અને ભારતની સિવિલ પ્રોસિજર કોડ (Code of Civil Procedure)ની જોગવાઈઓનો આધાર લઈને આ માર્ગ અપનાવ્યો છે. અદાલતના આદેશમાં ભારતીય અદાલતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ દીવાની કેસમાં પ્રતિવાદીઓ સુધી કાનૂની દસ્તાવેજો પહોંચાડવામાં મદદ કરે.

- Advertisement -

પન્નૂએ 2024માં કેસ દાખલ કર્યો હતો

ગુરપતવંત સિંહ પન્નૂએ સપ્ટેમ્બર 2024માં ન્યૂયોર્કની અદાલતમાં આ દીવાની કેસ દાખલ કર્યો હતો. તેમાં ભારત સરકાર, અજિત ડોભાલ, સામંત ગોયલ, RAWના પૂર્વ અધિકારી વિકાસ યાદવ, ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા અને કેટલાક અજાણ્યા લોકોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

પન્નૂનો આરોપ છે કે આ લોકોએ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા તેના નિવાસસ્થાને તેની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. તેનો દાવો છે કે સ્વતંત્ર શીખ રાષ્ટ્રની માગણી સાથે જોડાયેલી તેની પ્રવૃત્તિઓને કારણે તેને નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી હતી. ભારત સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. આ મામલામાં લગાવવામાં આવેલા આરોપો હજુ અમેરિકાની દીવાની અદાલતમાં વિચારાધીન છે અને આ અંગે કોઈ અંતિમ ન્યાયિક નિર્ણય આવ્યો નથી.

- Advertisement -

અમેરિકામાં ડોભાલને સમન્સ આપવાના અગાઉ પણ પ્રયાસ થયા હતા

અહેવાલ અનુસાર, પન્નૂના વકીલોએ આ પહેલાં અજિત ડોભાલને અમેરિકામાં વ્યક્તિગત રીતે સમન્સ આપવાનો પ્રયાસ કર્યો હતો. ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ડોભાલ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકામાં હતા. તે સમયે તેમને સમન્સ આપવાના ત્રણ પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સુરક્ષામાં તહેનાત સુરક્ષાકર્મીઓએ આ પ્રયાસોને સફળ થવા દીધા નહોતા. ત્યારબાદ પન્નૂના વકીલોએ ભારતના કાયદા અને ન્યાય મંત્રાલય મારફતે ડોભાલ, સામંત ગોયલ અને RAWના પૂર્વ અધિકારી વિકાસ યાદવને સમન્સ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હેગ કન્વેન્શન હેઠળ અપનાવવામાં આવેલી પ્રક્રિયા પણ સફળ થઈ નહોતી. ત્યારબાદ અમેરિકાની અદાલતે ભારતીય અદાલતો મારફતે સમન્સ પહોંચાડવાના વૈકલ્પિક માર્ગને મંજૂરી આપી હતી.

30 નવેમ્બર સુધી દસ્તાવેજો જમા કરાવવા પડશે

અમેરિકાની અદાલતના 9 નવેમ્બર 2026ના આદેશ અનુસાર, પન્નૂએ 30 નવેમ્બર સુધી સમન્સ સંબંધિત સૂચિત દસ્તાવેજો અદાલતમાં જમા કરાવવા પડશે. આ દસ્તાવેજોમાં સામેલ હશે.

  • અજિત ડોભાલ અને સામંત ગોયલ માટે સમન્સની નકલો.
  • સમન્સની બજવણી માટે સૂચિત પ્રક્રિયા.
  • ભારતની સંબંધિત કાનૂની જોગવાઈઓ.
  • હેગ કન્વેન્શનની કલમ 5 હેઠળ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો અને તેમની નિષ્ફળતા સાથે જોડાયેલા દસ્તાવેજો.

અદાલત આ દસ્તાવેજોની સમીક્ષા અને મંજૂરી આપ્યા બાદ પોતાના ક્લાર્કને તેમને દિલ્હી ની ત્રણ જિલ્લા અદાલતોમાં મોકલવાનો નિર્દેશ આપશે. તેથી અત્યારે એવું કહેવું યોગ્ય નહીં હોય કે ડોભાલ અને ગોયલને સમન્સ મળી ચૂક્યું છે.

ભારત સરકારે અમેરિકાના કેસને દૂષિત ઇરાદાવાળો ગણાવ્યો હતો

આ મામલે ભારત સરકારે અગાઉ જ સખત વિરોધ નોંધાવ્યો છે. 10 નવેમ્બરે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારત પોતાના વરિષ્ઠ અધિકારીઓ પર કરવામાં આવેલા મનઘડંત અને દૂષિત ઇરાદાવાળા હુમલાઓને ફગાવે છે. તેમણે આ કેસને પણ આધારહીન ગણાવ્યો હતો. જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં વિદેશી અદાલતોના ન્યાયિક દસ્તાવેજોની બજવણી માટેની વિનંતીઓ માત્ર ભારતની નિર્ધારિત કેન્દ્રીય સત્તા એટલે કે કાયદા અને ન્યાય મંત્રાલય મારફતે જ મોકલી શકાય છે. અમેરિકાની અદાલત દ્વારા વૈકલ્પિક પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી હોવાના સંદર્ભમાં ભારત સરકારનું આ વલણ મહત્ત્વનું છે.

અમેરિકાની અદાલતમાં ભારત સરકાર વિરુદ્ધ અલગ પ્રક્રિયા પણ

આ સમગ્ર મામલામાં વધુ એક મહત્ત્વનો ઘટનાક્રમ સામે આવ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગે ભારત સરકાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસ સાથે જોડાયેલા સમન્સ અને ફરિયાદના દસ્તાવેજો ઓક્ટોબરમાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસને મોકલ્યા હતા. ધ વાયરના અહેવાલ અનુસાર, આ અંગે અમેરિકાના વિદેશ વિભાગે 20 ઓક્ટોબરે અદાલતને જાણકારી આપી હતી. દસ્તાવેજો 30 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલી રાજદ્વારી નોંધ હેઠળ ભારતીય દૂતાવાસને મોકલવામાં આવ્યા હતા અને 9 ઓક્ટોબરે સોંપવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા ભારત સરકાર વિરુદ્ધ હતી, જ્યારે 9 નવેમ્બરના અમેરિકાની અદાલતના આદેશનો સંબંધ ખાસ કરીને અજિત ડોભાલ અને સામંત ગોયલને તેમની વ્યક્તિગત હેસિયતથી સમન્સ પહોંચાડવાના પ્રયાસ સાથે છે. બંને પ્રક્રિયાઓ અલગ-અલગ છે.

નિખિલ ગુપ્તાનો મામલો પણ જોડાયેલો છે, પરંતુ બંને કેસ અલગ છે

પન્નૂની કથિત હત્યાના કાવતરા સાથે જોડાયેલા એક અલગ ફોજદારી કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પણ આરોપી રહ્યો છે. અમેરિકાના સરકારી વકીલોનો આરોપ હતો કે ગુપ્તાએ RAWના પૂર્વ અધિકારી વિકાસ યાદવ સાથે મળીને પન્નૂની હત્યા માટે એક ભાડૂતી હત્યારા ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો.

અહેવાલ અનુસાર, ગુપ્તાએ ફેબ્રુઆરી 2026માં હત્યા માટે સોપારી આપવાનું કાવતરું, હત્યાનું કાવતરું અને મની લોન્ડરિંગના કાવતરા સાથે જોડાયેલા આરોપો સ્વીકાર્યા હતા. જોકે, ગુપ્તા દ્વારા ગુનો સ્વીકારવાથી અજિત ડોભાલ, સામંત ગોયલ અથવા ભારત સરકાર વિરુદ્ધ અલગ દીવાની કેસમાં લગાવવામાં આવેલા આરોપો સાબિત થતા નથી. બંને કાનૂની કાર્યવાહી અલગ છે.

2013માં મનમોહન સિંહને પણ આવું સમન્સ મોકલવામાં આવ્યું હતું

આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની કાનૂની પ્રક્રિયાનું એક જૂનું ઉદાહરણ પણ છે. 2013માં શીખ્સ ફોર જસ્ટિસે 1984નાં શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા કથિત માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોને લઈને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ વિરુદ્ધ અમેરિકામાં દીવાની કેસ દાખલ કર્યો હતો. તે મામલામાં પણ તેમને દીવાની સમન્સ મોકલવામાં આવ્યું હતું.

Share This Article