Przewalski Horse Kazakhstan: કઝાકિસ્તાનના ઘાસનાં મેદાનોમાં 200 વર્ષ બાદ વિશ્વમાં બચેલા અસલી જંગલી ઘોડાની વાપસી થઈ છે. આ વર્ષે 22 ઑગસ્ટની સવારે કઝાકિસ્તાનના સ્ટેપી વિસ્તારમાં આવેલા એક વન્યજીવ અભયારણ્યમાં સાત વર્ષની પ્રઝેવાલ્સ્કી ઘોડીના બચ્ચાનો જન્મ થયો હતો. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) અનુસાર, નિષ્ણાતો માને છે કે કદાચ બે સદીઓમાં આ ઘાસનાં મેદાનોમાં જન્મેલું આ પ્રથમ પ્રઝેવાલ્સ્કી ઘોડાનું બચ્ચું છે. તેના બરાબર આઠ દિવસ બાદ છ વર્ષની ઘોડી ઉમ્બ્રાએ બીજા નર બચ્ચાને જન્મ આપ્યો હતો.
1969માં છેલ્લી વાર મેદાનોમાં જોવા મળ્યા હતા
પ્રઝેવાલ્સ્કી ઘોડાનાં બચ્ચાંના જન્મથી તેમના સંરક્ષણ માટે કામ કરતા કાર્યકરોમાં મોટી આશા જાગી છે. આ ઘટના એટલા માટે પણ ખાસ છે કે આ ઘોડાઓને એક સમયે લુપ્ત થવાની અણી પર માનવામાં આવતા હતા. છેલ્લી વાર આ ઘોડાઓ 1969માં ગોબીના રણમાં ખુલ્લામાં ફરતા જોવા મળ્યા હતા. તાજેતરમાં કઝાકિસ્તાને આ ઘોડાઓના સંરક્ષણ માટે કાર્યક્રમ શરૂ કર્યો છે.
યુરોપનાં પ્રાણી સંગ્રહાલયોમાંથી કઝાકિસ્તાન લાવવામાં આવ્યા
2024થી અત્યાર સુધીમાં 22 પ્રઝેવાલ્સ્કી ઘોડાઓને યુરોપનાં પ્રાણી સંગ્રહાલયોમાંથી કઝાકિસ્તાનના અલીબી રિઇન્ટ્રોડક્શન સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. 2029 સુધીમાં અહીં 40 ઘોડાઓ લાવવાની યોજના છે. પ્રઝેવાલ્સ્કી ઘોડાઓને પૃથ્વી પર બચેલી અસલી જંગલી ઘોડાની છેલ્લી પ્રજાતિ કહેવામાં આવે છે અને આ પ્રજાતિ અત્યંત દુર્લભ છે.
પ્રઝેવાલ્સ્કી ઘોડાઓના સંરક્ષણ માટે કામ કરતા આલ્બર્ટ સલમગેરેયેવે પ્રથમ બચ્ચાના જન્મની વાત કરતાં જણાવ્યું કે 22 ઑગસ્ટની સવારે તેમને અભયારણ્યમાંથી તેમના એક સાથીનો ફોન આવ્યો હતો. તેઓ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાથી 12 કલાક સુધી વાહન ચલાવીને અલીબી રિઇન્ટ્રોડક્શન સેન્ટર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બચ્ચું તેની માતાની નજીક સંકોચાઈને બેઠું હતું. તેના પગ હજી પણ લથડતા હતા.
“મારા માટે આ ખૂબ જ ભાવુક ક્ષણ હતી. મારા માટે આ માત્ર બીજો એક ઘોડો નથી. આ કઝાકિસ્તાનમાં એક નવી પેઢીની શરૂઆત છે.” – આલ્બર્ટ સલમગેરેયેવ, વન્યજીવ સંરક્ષણવાદી.
મધ્ય એશિયામાંથી આ ઘોડાઓની વસ્તી કેવી રીતે લુપ્ત થઈ?
એક સમયે પ્રઝેવાલ્સ્કી ઘોડાઓ મધ્ય એશિયાના મેદાનોમાં મોટી સંખ્યામાં ફરતા હતા. તેમના નાના અને મજબૂત શરીર આ વિસ્તારની કડકડતી ઠંડીમાં શરીરની ગરમી જાળવી રાખવા માટે ખૂબ અનુકૂળ હતા. 1900ના દાયકાના મધ્ય સુધીમાં શિકાર, ખેતીના વિસ્તરણને કારણે રહેઠાણનો નાશ અને પાળેલાં પ્રાણીઓ સાથેની સ્પર્ધાને લીધે તેમનાં ટોળાં લુપ્ત થઈ ગયાં હતાં. આ ઘોડાઓ યુરોપનાં પ્રાણી સંગ્રહાલયોમાં બચી રહ્યા હતા, જ્યાં એક મોટા પ્રજનન કાર્યક્રમથી તેમના જનીન સમૂહને સુરક્ષિત રાખવામાં મદદ મળી હતી.

