નવી દિલ્હી, તા. 21 : ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની ધરપકડ થઈ શકે છે. યુદ્ધ અને માનવતા વિરોધી અપરાધો બદલ આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલતે નેતન્યાહૂ અને પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ સામે વોરંટ જારી કર્યો છે. આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલતે એવો આરોપ મૂક્યો હતો કે, ઈઝરાયલે ગાઝામાં નાગરિકો માટે ભોજન, પાણી, સારવારની સહાય જેવી સુવિધાઓ પૂરી પાડવા પર પ્રતિબંધ મૂકી દીધો.
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના આવા માનવતા વિરોધી કૃત્યોના કારણે બાળકોનાં મોત થયા, તો મોટી સંખ્યામાં લોકોને સંકટનો સામનો કરવો પડયો હતો, તેવું કોર્ટે કહ્યું હતું. અદાલતને એવું માનવા માટે યોગ્ય આધાર પણ મળે છે કે, નેતન્યાહૂએ ઈરાદાપૂર્વક નાગરિકોને નિશાન બનાવ્યા. ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ અને પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટે ગાઝાની નાગરિક વસતી વિરુદ્ધ જાણીજોઈને હુમલાના આદેશ આપ્યા. આમ, નેતન્યાહૂ માનવતા વિરુદ્ધ યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે, તેવું આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલત (આઈસીસી)એ જણાવ્યું હતું.

