નવી દિલ્હી, તા. 20 : ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આજે પહેલીવાર જમ્મુ-કાશ્મીરનાં પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં શ્રીનગરમાં યુવાનોનાં સશક્તિકરણ, જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા. જેમાં તેમણે કાશ્મીરને માર્ગ, જળ પુરવઠો, શિક્ષણ સહિતની પરિયોજનાઓની આશરે 3300 કરોડ રૂપિયાની સોગાદ આપી હતી અને 2 હજારથી વધુ લોકોને શાસકીય સેવાઓમાં નિયુક્તિપત્રની સોંપણી કરી હતી.
પોતાનાં સંબોધનમાં મોટી ઘોષણા કરતાં તેમણે કહ્યું હતું કે, એ દિવસ બહુ જલ્દી આવશે જ્યારે જમ્મુ-કાશ્મીર રાજ્ય તરીકે પોતાનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ થઈ રહી છે અને સ્થાનિકો પોતાની સરકાર ચૂંટશે. તેમણે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહારમાં કહ્યું હતું કે, શાંતિના શત્રુઓને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ પસંદ નથી અને તેઓ અહીંના વિકાસને અવરોધવા માટે અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, આવતીકાલે યોગ દિવસે શ્રીનગરમાં મુખ્ય સમારોહ યોજાશે અને તેને માત્ર દેશ નહીં બલ્કે આખા વિશ્વમાં જોવામાં આવશે. ફરી એકવાર વિશ્વમંચ ઉપર શ્રીનગર ચમકશે. જેનાથી અહીંનાં પર્યટન કારોબારને પણ લાભ થશે.

મોદીએ કહ્યું હતું કે, બધાને વિભાજિત કરનારી કલમ 370ની દીવાલ તૂટી ગઈ છે અને હવે ખરા અર્થમાં અહીં ભારતનું બંધારણ લાગુ થયું છે. જે લોકોએ અત્યાર સુધી આને લાગુ ન કર્યુ તે આના દોષિત છે. આજે લાલચોકમાં સાંજ સુધી રોનક રહે છે. ડાલ તળાવનાં કિનારે સ્પોર્ટ્સ કારોનો શો પણ થયો હતો અને આખી દુનિયાએ તે જોયો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, મારી સરકારે બધાને અધિકાર અને અવસર આપ્યા છે. મહિલાઓને લાભ આપ્યો છે.

