નવી દિલ્હી, તા. 8 : લોકસભામાં રજૂ કરવામાં આવેલું વકફ બોર્ડ વિધેયક અટકી ગયું છે. આ ખરડો હવે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને ચકાસવા માટે મોકલવામાં આવશે. આજે આ વિધેયક રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષી દળોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ખરડા સામે સવાલો ઉઠાવ્યા હતા. આ બિલની જોગવાઈઓ સામે વિપક્ષની આપત્તિ બાદ લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં આ ખરડાને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેના ઉપર સ્પીકરે જલ્દીથી સમિતિ બનાવાશે તેવું જણાવ્યું હતું. હવે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સંસદનાં બન્ને ગૃહના સદસ્યોની એક સંયુક્ત સમિતિની રચના કરશે જે આ ખરડાના તમામ પાસાઓ અને સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ ઉપર વિચાર કરીને સંસદને પોતાની ભલામણો સુપરત કરશે.

આ પહેલા સરકારે આજે લોકસભામાં વકફ (સુધારા) વિધેયક 2024 પુન:સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેની સામે વિપક્ષે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આ ખરડાને સંસદનાં અધિકારથી પર અને બંધારણમાં આપવામાં આવેલા મૌલિક અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો હતો. વિપક્ષના સાંસદોએ આ સુધારા વિધેયક પરત ખેંચવા અથવા તો જેપીસીમાં વિચારણા માટે મોકલવાની માગણી કરી હતી. બપોરે 1 વાગ્યે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અનુમતિથી સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ આ વિધેયકને રજૂ કર્યું ત્યારે વિપક્ષે નિમય 72 હેઠળ તેના ઉપર ચર્ચાની માગ કરી હતી. જેની સ્પિકરે મંજૂરી આપી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, માકપા, ભાકપા, વાયએસઆર કોંગ્રેસ સહિતના પક્ષ તરફથી આ ખરડાનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને બીજીબાજુ સત્તારુઢ એનડીએનાં ઘટક પક્ષો જેડીયુ, ટીડીપી અને શિવસેના તરફથી આને સમર્થન આપવામાં આવ્યું હતું.
વિપક્ષના હંગામાનાં પગલે મંત્રી કિરેન રિજિજુએ આ વિધેયક લાવવાની જરૂર શા માટે ઊભી થઈ તે વિસ્તારથી જણાવ્યું હતું. તેમણે વિપક્ષને પણ આ ખરડા માટે સમર્થન આપવાની અપીલ કરતાં કહ્યું હતું કે, ગણ્યાગાંઠયા લોકોએ વકફ બોર્ડ ઉપર કબજો કરી રાખેલો છે અને મુસ્લિમ લોકોને અન્યાય થયો છે તે સુધારવા માટે આ ખરડો લવાયો છે. આ વિધેયકથી કોઈપણ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ થશે નહીં. કોઈનો અધિકાર છીનવી લેવા માટેનો આ ખરડો નથી. આ તેમને ન્યાય અપાવવા માટે લાવવામાં આવેલું વિધેયક છે. આ વિધેયકમાં સંવિધાનનું કોઈ ઉલ્લંઘન થઈ રહ્યું નથી. વિપક્ષની તમામ આશંકાઓ પણ દૂર કરવામાં આવશે. વિપક્ષ ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, તમે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવો છો. માફિયાઓએ વકફ બોર્ડો ઉપર કબજો કરી લીધેલો છે. કેટલાક સાંસદો પણ કહે છે કે, તેઓ વ્યક્તિગત રૂપે આ ખરડાને સમર્થન કરે છે પણ રાજકીય પક્ષનાં વલણના હિસાબે આવું તે કરી શકતા નથી.
આ વિધેયક ઉપર બહુસ્તરીય દેશવ્યાપી વિચારણા કરાયા પછી તેને લાવવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું હતું કે, સંસદના સદસ્યોને કોઈ ધર્મ સાથે જોડવા ઉચિત નથી. અમે વિભિન્ન ધર્મના લોકોને વકફ બોર્ડમાં સામેલ કરવામાં આવે તેવું નથી કહેતા પણ અમે કહીએ છીએ કે એક સાંસદ તેમાં સદસ્ય હોવા જોઈએ. જો કોઈ સાંસદને તેમાં સામેલ કરવામાં આવે તો શું તેમણે પોતાનો ધર્મ બદલવાનો ? વિપક્ષ કારણ વિનાના મુદ્દા ઉઠાવે છે. શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદેએ વિપક્ષ ઉપર જોરદાર હુમલો કરતાં કહ્યું હતું કે, જે લોકો દેશની વ્યવસ્થાને ધર્મના આધારે ચલાવવા માગે છે તેમને શરમ આવવી જોઈએ. મહારાષ્ટ્રમાં શિરડી, મહાલક્ષ્મી મંદિરોમાં પ્રશાસક બેસાડવામાં આવ્યા ત્યારે સંવિધાન અને સંઘીય માળખાની યાદ કેમ ન આવી ? કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, આ બંધારણની ખિલાફ અને એક સમુદાયનાં હિતને નુકસાન પહોંચાડનારું વિધેયક છે. બંધારણમાં પ્રત્યેક સમુદાયને પોતાની ધાર્મિક, સેવાકીય અચલ સંપત્તિઓ રાખવાનો અધિકાર છે. આમાં બોર્ડમાં બે બિનમુસ્લિમ સદસ્યને સામેલ કરવાની વાત છે. શું અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં બિનહિન્દુ હોઈ શકે છે ?
સપાના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, આ ગણતરીપૂર્વકની રાજનીતિથી લાવવામાં આવેલું વિધેયક છે. શા માટે બોર્ડમાં બિરાદરી બહારના લોકો હોવા જોઈએ ? ભાજપ હતાશ અને નિરાશ છે એટલે અમુક કટ્ટરપંથીઓને ખુશ કરવા માટે આ વિધેયક લવાયું છે. અસઉદ્દીન ઓવૈસીએ સરકારના પ્રસ્તાવને મુસ્લિમો માટે અન્યાયકારી લેખાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંધોપાધ્યાય અને કલ્યાણ બેનરજીએ કહ્યું કે, સંસદને આનો કાયદો ઘડવાનો અધિકાર નથી. બંધારણમાં આ રાજ્યોનો વિષય ગણાવાયો છે. એનસીપીનાં સુપ્રિયા સુલેએ આ ખરડો સરકાર પરત ખેંચે તેવી માગણી ઉઠાવી હતી.

