70 વર્ષથી વધુના તમામ વરિષ્ઠ નાગરિકને મફત સારવાર

Reena Brahmbhatt
4 Min Read

નવી દિલ્હી, તા. 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધનતેરસ અને નવમા આયુર્વેદ દિન નિમિત્તે 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે રૂા. પાંચ લાખ સુધીની મફત સારવાર ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે રૂા. 12850 કરોડના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના છ કરોડ વરિષ્ઠ નાગરિકને યોજનાઓનો લાભ મળશે, તેમણે આપ અને તૃણમૂલ પર નિશાન સાધતાં દિલ્હી-પં. બંગાળના વરિષ્ઠોની માફી માગતાં કહ્યુંં કે હું, તમારી કોઇ મદદ કરી શકું તેમ નથી. કેમ કે, બંને રાજ્ય સરકારે આયોજનમાં જોડાવાનો ઇન્કાર કર્યો છે.

કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનું વિસ્તરણ કરી તમામ વરિષ્ઠ નાગરિકોનો એમાં સમાવેશ કર્યો છે. આ દરમ્યાન દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદમાં મોદીએ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદન કાર્ડ સોંપ્યા હતા. આરોગ્ય સંભાળ માટે વરદાનરૂપ આયુષ્માન કાર્ડ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને વધુ ઉપયોગી બને તે માટે 70 વર્ષ કે તેથી વધુની વયના લોકો માટે મર્યાદા દૂર કરાઇ છે. હવે માત્ર આધારકાર્ડ અને રાશનકાર્ડ રજૂ કરવાથી આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકાશે.

- Advertisement -

વડાપ્રધાને તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પક્ષ ઉપર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને દિલ્હીની સરકારને રાજકારણ સિવાય માનવતામાં કોઇ રસ નથી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું દિલ્હી અને બંગાળના 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોની માફી માગું છું કે, હું તેમની સેવા નહીં કરી શકું. તમને કષ્ટ થશે પણ હું તમારી કોઇ મદદ કરી શકું એમ નથી. કારણ કે, દિલ્હી અને બંગાળની સરકારે આ યોજનામાં જોડાવાનો ઇન્કાર કર્યો છે. હું માફી માગું છું કે, દેશવાસીઓની સેવા કરવા માગું છું, પણ રાજકીય સ્વાર્થને પગલે દિલ્હી અને બંગાળમાં મને સેવા કરવાની તક મળી નથી. મને ખૂબ જ દુ:ખ થઇ રહ્યું છે, જે શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. વડાપ્રધાને આ કાર્યક્રમ દરમ્યાન જન આરોગ્ય સ્વાસ્થ્ય વીમા યોજના લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ 70 વર્ષથી વધુના નાગરિકોને વાર્ષિક પાંચ લાખનો આરોગ્ય વીમો મળશે. દેશના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. આપણામાંથી મોટાભાગના લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. તેમને માટે બીમારીનો અર્થ આખા પરિવાર ઉપર વીજળી પડવા સમાન બાબત છે. ગરીબના ઘરમાં જો કોઇ બીમાર પડે તો તેની અસર ઘરના દરેક સભ્ય ઉપર પડે છે.

એક સમય હતો, જ્યારે બીમારની સારવારમાં લોકોને ઘર, જમીન, ઘરેણાં વેચવા પડતાં હતાં. સારવારનો ખર્ચ સાંભળીને ગરીબની આત્મા કાંપતી. રૂપિયાની અછતને કારણે સારવાર ન કરાવવાની લાચારીથી ગરીબ અંદરથી તૂટી જતો હતો. આજે લગભગ ચાર કરોડ ગરીબે આયુષ્માન યોજનાનો લાભ ઉઠાવ્યો છે. આ ચાર કરોડ ગરીબે હોસ્પિટલમાં દાખલ થઇને જુદી-જુદી બીમારીઓની સારવાર વિના મૂલ્યે કરાવી હતી. રાષ્ટ્રીય આરોગ્ય નીતિના પાંચ મહત્ત્વના મુદ્દામાં આરોગ્ય સંભાળ, સમયસરની સારવાર, રાહત દરે દવા અને સારવાર, નાનાં શહેરોમાં પણ નિષ્ણાત તબીબોની સેવા અને પાંચમી આધુનિક ટેક્નોલોજીથી સારવારનો સમાવેશ છે. આરોગ્ય ક્ષેત્રે ભારત હવે ખૂબ જ અગ્રેસર થઇ રહ્યું છે.

- Advertisement -

મોદીએ મંગળવારે રૂા. 12,850 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર સહિત 18 રાજ્યમાં આરોગ્ય પ્રકલ્પો લોન્ચ કર્યા હતા તેમજ ઋષિકેશમાં એમ્સમાં પહેલી એર એમ્બ્યુલન્સ સંજીવનીનો શુભારંભ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં રૂા. 290 કરોડના પ્રકલ્પની શરૂઆત કરી હતી, જેમાં બિલાસપુરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સિમ્સનું લોકાર્પણ અને કેન્દ્રીય યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન સંસ્થાનના શિલાન્યાસનો સમાવેશ થાય છે, ઉપરાંત રાયપુરમાં 100 બિછાનાની કેન્દ્રીય યોગ અને કુદરતી ચિકિત્સા અનુસંધાન સંસ્થાનનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત મેરઠના કંકરખેડામાં રૂા. 148 કરોડના ખર્ચે 5.8 એકર જમીન ઉપર 100 બિછાનાની ઇએસઆઇ હોસ્પિટલનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યા હતા.

- Advertisement -
Share This Article