ગાંધીધામ, તા. 17 : અઠંગ ખેલીઓને જુગાર રમવા માટે કોઇ ખાસ દિવસોની જરૂરિયાત રહી નથી. ટેક્નોલોજીના આ સમયમાં બધું નવું થઇ ગયું છે તેમ જુગારીઓ પણ હાઇટેક બન્યા છે. આજનું યુવાધન ઓનલાઇન ગેમિંગના રવાડે ચડયું છે. કોઇ એક ખૂણામાં બેસીને મિનિટોમાં હજારો, લાખોનો દાવ લગાવાય છે. જેમાં અનેક લોકો પાયમાલ બન્યા છે, તો અમુકના નસીબ આગળથી પાંદડું હટી ગયું છે. તેમ છતાં મિત્રો સાથે ઝાડીઓમાં, ઘરમાં, દુકાનમાં બેસીને ગંજીપાના રમવાના શોખીન પણ ઓછા થયા નથી. સરકાર દ્વારા તમામ કામગીરી ડિજિટલ કરવામાં આવી રહી છે, ત્યારે યુવાનોને ઘેલું લગાડવા માટે ભેજાબાજોએ જુગારને પણ ડિજિટલ કર્યો છે. શોર્ટકટમાં પૈસા કમાવવાની લ્હાયમાં યુવાનો આવી બદીમાં સપડાય છે અને પાયમાલ બની રહ્યા છે.

અમુક લોકોને અંતિમ પલગું ભરવાનો વારો પણ આવ્યો છે. આમ તો જુગાર યુગોથી રમાય છે. અમુક મિત્રો કે સંબંધીઓ એકત્ર થાય અને પાસા ફેંકીને કે પત્તા ટીંચીને પોતાનું નસીબ અજમાવતા હોય છે. મોટાભાગે આવી રમતો રમવા અમુક દિવસો પસંદ કરવામાં આવે છે, પરંતુ અઠંગ ખેલીઓ તો રમવા માટે ગમે ત્યાં જગ્યા શોધી લેતા હોય છે. આવામાં પોલીસના હાથે ઝડપાઇ જવાનો ભય રહેતો હોય છે. સરકાર અને લોકો ડિજિટલ બન્યા છે ત્યારે તેમને જુગારનું પ્લેટફોર્મ પૂરું પાડવા ભેજાબાજો પણ ડિજિટલ બન્યા છે. ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો હોય કે મિલન બજાર, વરલી મટકાનો આંકડાનો જુગાર હોય, બધું જ ડિજિટલ બન્યું છે. ઓનલાઇન મટકા, મટકા લાઇવ, સટ્ટા મટકા, બેટ 007 વગેરે એપ્લીકેશન કે વેબસાઇટ ઉપર લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરીને પોતાનું નસીબ અજમાવે છે. આવી ઓનલાઇન જુગાર રમીને અનેક યુવાનોના મગજ ફરી ગયાના દાખલા પણ બન્યા છે. આવી એપ્લીકેશનમાં આવતી હોટ, કેસિનો, સ્લોટ્સ, સ્પોર્ટસ, ગેમ્સ, ફિશિંગ વગેરે વિભાગોમાં એવિએટર (ઊડતું પ્લેન), ક્રેઝી ટાઇમ, ક્રેશ બોનસ, મની ગેમિંગ વગેરે જુગારમાં દરરોજ લોકોના લાખો રૂપિયા ડૂબી રહ્યા છે.
લોકોને આકર્ષવામાં દરરોજ તેમજ અઠવાડિયામાં એકવાર બેટિંગ ઉપર રિબેટ પણ આપવામાં આવે છે. વધુ પૈસા ભરનારને ડિસ્કાઉન્ટની વાતો પણ કરાય છે. આવા જુગારથી અનેક લોકોના ઘર ધોવાઇ ગયા છે. તો અમુકના નસીબ આગળથી પાંદડું હટી જતાં પોતાના ખેતરો, મકાનો બોજામુક્ત કરાવાયાના પણ દાખલા બન્યા છે. બીજીબાજુ ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો 365 દિવસ ચાલુ જ રહે છે, તેવી જ રીતે આંકડાની માયાજાળ પણ સમગ્ર વર્ષ દરમ્યાન બિછાવેલી રહે છે. ઓનલાઇન રમાતી આવી જુગાર અંગે પોલીસ અજાણ હોય તેવું નથી, પરંતુ મોબાઇલમાં રમાતી આવી જુગાર ગમે તે ખૂણામાંથી રમી શકાતી હોવાથી આવા જુગારીઓને શોધવા ભુંસાના ઢગલામાંથી સોય શોધવા સમાન છે. આવ અઠંગ જુગારીઓને હવે જુગાર રમવા ખાસ દિવસોની જરૂરિયાત રહી નથી. અમુક લોકો તો ઉઠતાંવેત કે મોડીરાત્રે સૂતી વખતે પણ નસીબ અજમાવી લેતા હોય છે. આવી બદીને સંપૂર્ણપણે નાથવામાં નહીં આવે તો વધુ ઘર ધોવાઇ જવાની, લોકોએ અંતિમ પગલું ભરવાની નોબત આવશે અથવા અમુક લોકોના મગજ ફરી જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

