વડાપ્રધાન મોદીએ તેમના X હેન્ડલ પર કહ્યું છે કે, નેપાળના વડાપ્રધાન તરીકે તમારી નિમણૂક બદલ અભિનંદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું છે કે, નેપાળના વડાપ્રધાન તરીકે તમારી નિમણૂક બદલ અભિનંદન. અમે અમારા બંને દેશો વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા અને અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પરસ્પર લાભદાયી સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.

ઉલ્લેખનીય છે કે નેપાળમાં ગઈકાલે નવી ગઠબંધન સરકારમાં CPN-UML પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલીને ચોથી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 72 વર્ષીય ઓલીએ પુષ્પ કમલ દહલ પ્રચંડનું સ્થાન લીધું છે. સીપીએન-માઓઇસ્ટ સેન્ટરના અધ્યક્ષ પ્રચંડ શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિશ્વાસ મત હારી ગયા હતા. ઓલી આ પહેલા ત્રણ વખત નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે.

