અમદાવાદ, તા. 21 : રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોના કેસમાં દિવસે અને દિવસે ઊછાળો આવી રહ્યો છે, ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા ગઇકાલે 71 હતી તે આજે વધીને 84 થઈ છે, જ્યારે 32 દર્દીનાં મૃત્યુ થયાં છે. ગુજરાત રાજ્યના વાઇરલ એન્કેફેલાઈટિસના કુલ 84 કેસમાંથી આજે અમદાવાદ કોર્પોરેશન-02, અરવલ્લી-02, સુરેન્દ્રનગર-01, બનાસકાંઠા-02, ગાંધીનગર કોર્પોરેશન-01, ખેડા-01, મહેસાણા-01, નર્મદા-01, વડોદરા કોર્પોરેશન-01, રાજકોટ કોર્પોરેશન-01માં શંકાસ્પદ કેસો મળ્યા છે. આજે કોઇ નવા કેસ નોંધાયા નથી. આજે મહીસાગરમાં 01, વડોદરા કોર્પોરેશનમાં 01, ખેડામાં 01, બનાસકાંઠામાં 02 જેટલા દર્દીનાં મૃત્યુ થતાં મૃત્યાંક વધીને 32 થયો છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 46 દર્દી દાખલ છે તથા એક દર્દીએ રજા આપી છે. આજે ગાંધીનગર ખાતે અગ્રસચિવ અને કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. 21 જુલાઈના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, જિલ્લા રોગચાળા મેડિકલ અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, એટેમોલોજિસ્ટ વિગેરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાયરસ એન્કેફેલાઈટિસના શંકાસ્પદ કેસો પોઝિટિવ કેસો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ વાયરલ એન્કેફેલાઈટિસના પોઝિટિવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથીઓન પાવડરથી ડસ્ટિંગ પ્રિંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું હતું. આરોગ્યની ટીમ દ્વારા કુલ 18729 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અસંખ્ય કાચા ઘરોમાં મેલેથીઓન પાવડરથી ડસ્ટિંગ તેમજ છંટકાવ કામગીરી કરવામાં આવી છે.

