બજેટ પર સંસદનાં બંને ગૃહમાં જોરદાર ધમાલ

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 4 Min Read

નવી દિલ્હી, તા. 24 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજીવારની સરકારના કેન્દ્રીય બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહારને વિશેષ ફાળવણી કરવામાં આવતાં સરકાર અને વિપક્ષ પક્ષે રાજકીય વિવાદ શરૂ થયો છે. કેન્દ્રીય બજેટમાં એનડીએના ઘટક રાજ્યો સિવાયના રાજ્યો સાથે કથિત ભેદભાવના મુદ્દે વિપક્ષે બુધવારે સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન ર્ક્યું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં જણાવ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા એમ કહેવાનો જાણીજોઈને પ્રયાસ થઈ રહ્યો છે કે વિપક્ષી રાજ્યોને બજેટમાં કંઈ નહીં આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે રાજ્યોને ફાળવણી કરવામાં આવી છે,પરંતુ બજેટમાં દરેક રાજ્યનું નામ લઈ શકાય નહીં.

sansad bhavan

- Advertisement -

વિપક્ષ દ્વારા ભેદભાવપૂર્ણ બજેટના આરોપ બાદ હવે નાણાપ્રધાન પોતાના જવાબમાં વિપક્ષ શાસિત રાજ્યોમાં અંદાજપત્રની ફાળવણી કેવી રીતે કરે છે એ જોવું રહ્યું. કેન્દ્રીય અંદાજપત્રના વિરોધના ભાગ તરીકે કોંગ્રેસના મુખ્ય પ્રધાનો 27મી જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે. `ઈન્ડિયા’ ગઠબંધનના સભ્યોએ સૌથી પહેલાં સંસદ ભવનના મકરદ્વાર બહાર વિરોધ પ્રદર્શન ર્ક્યું હતું. ત્યાર બાદ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન તેમણે વિપક્ષ શાસિત રાજ્યો સાથે થયેલા કથિત અન્યાય અંગે સૂત્રો પોકાર્યા હતા. રાજ્યસભામાં પણ વિપક્ષી સાંસદોએ બજેટનો વિરોધ ર્ક્યો હતો. રાજ્યસભામાં પોતાના વકતવ્યમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે બજેટમાં દરેક રાજ્યનું નામ લઈ શકાય નહીં. નાણાપ્રધાન વકતવ્ય આપી રહ્યા હતા ત્યારે કેટલાક વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વૉકઆઉટ ર્ક્યું હતું અને થોડીવાર પછી પાછા આવી ગયા હતા.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને ડાબેરી પક્ષોના નેતાઓ સંસદભવનની બહાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે તમામ રાજ્યો સાથે સમાન વ્યવહારની માગ કરી સરકારના વિરોધમાં સૂત્રો પોકાર્યા હતા. બુધવારે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારને બચાવવા બે રાજ્યો પર મહેરબાની કરવામાં આવી હોવાનો આરોપ લગાડયા બાદ સરકાર અને વિપક્ષના નેતાઓ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. ખડગેએ આરોપ ર્ક્યો કે સરકાર અને ખુરશી બચાવવા તથા કેટલાક લોકોને ખુશ કરવા આ બધું કરવામાં આવ્યું છે. ખડગેએ કહ્યું કે જે રાજ્યોમાં વિરોધ પક્ષો જીત્યા છે ત્યાં કંઈ આપવામાં આવ્યું નથી..અમે એનો વિરોધ કરીએ છીએ. સંતુલન નહીં હોય તો વિકાસ કેવી રીતે થશે? નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પણ કર્ણાટકના હોવાથી ત્યાં વધુ ફાળવણીની આશા હતી એવું પણ તેમણે ક્હયું. અન્ય રાજ્યો તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હોવાનો આરોપ વિરોધ પક્ષોએ મૂક્યો હતો. ત્યારબાદ વિપક્ષે થોડા સમય માટે રાજ્યસભામાંથી વૉકઆઉટ ર્ક્યું હતું.

- Advertisement -

વિપક્ષના આરોપોના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે આરોપો નિરાધાર છે કારણ કે બજેટમાં અન્ય રાજ્યોને પણ ફાળવણી કરવામાં આવી છે. તેમણે ક્હયું કે બજેટમાં અમને દરેક રાજ્યનું નામ લેવાની તક મળતી નથી. કોંગ્રેસ સત્તામાં હતી, તેમને ખબર હોવી જોઈએ. દા.ત. મહારાષ્ટ્રનું નામ લેવામાં નથી આવ્યું પરંતુ કેબિનેટે એક મહત્વનો નિર્ણય લીધો છે, મહારાષ્ટ્રને રૂા. 75,000 કરોડ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એવા અનેક રાજ્યો છે જેમને બજેટમાં ફાળવણી કરાઈ છે પરંતુ ભાષણમાં તેમનો ઉલ્લેખ કરાયો નથી. ભાષણમાં નામ નહીં લેવામાં આવ્યું તો એનો અર્થ એવો નથી કે યોજનાઓ અને સહાયતા આ રાજ્યોને મળતી નથી. આ રાજ્યોને પણ વિવિધ યોજના અને સહાયનો લાભ મળે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો દ્વારા જાણીજોઈને એવી ધારણા ફેલાવવામાં આવી રહી છે કે વિપક્ષી રાજ્યોને કંઈ આપવામાં આવ્યું નથી. બુધવારે રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પણ પશ્ચિમ બંગાળ તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાડયો હતો. એમના પર વળતો હુમલો કરતાં સીતારમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકાર છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ પોતાના રાજ્યમાં લાગુ નથી કરી રહી અને હવે તેઓ મને સવાલ કરવાની હિંમત કરી રહ્યા છે.

Share This Article