બાંગલાદેશમાં હિંસા વચ્ચે હંગામી સરકારની રચના

Reena Brahmbhatt
2 Min Read

ઢાકા, તા. 7 : ભારતના પાડોશી બાંગલાદેશમાં સ્થિતિ ભારે સ્ફોટક બની ચૂકી છે. દેશભરમાં ઉગ્ર પ્રદર્શનો, હિંસાની આગની લપેટમાં આવતાં ખાસ કરીને લઘુમતી હિન્દુ સમુદાયના પરિવારો પરેશાન છે. આ અશાંત દેશમાં આવતીકાલે ગુરુવારની રાત્રે નોબેલ વિજેતા 84 વર્ષીય અર્થશાત્રી પ્રો. મુહમ્મદ યુનુસનાં વડપણ હેઠળ 15 સભ્યની વચગાળાની સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે. હિંસાનો મરણાંક વધીને 450 થઇ ગયો છે. એર ઈન્ડિયા અને ઇંડિગોની ઉડાનોમાં 400 જેટલા ભારતીયો સ્વદેશ લવાયા હતા.

bangladesh riot

- Advertisement -

હિંસાના કારણે બાંગલાદેશને 54 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ મળ્યો છે. વિપક્ષ બીએનપીના નેતા મહેબૂબે શેખ હસીનાની ધરપકડ કરી, બાંગલાદેશ મોકલવાની ભારતને અપીલ કરી હતી. ઢાંકામાં ભારતીય દૂતાવાસ કાર્યરત છે અને અત્યંત જરૂરી ન હોય તેવા કર્મચારીઓને પરત મોકલી દેવાયા છે. બાંગલાદેશમાં અરાજકતા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયોને સલામત બહાર કાઢવા વિશેષ ઓપરેશન ચલાવવા ભારત સરકાર સૈન્ય સાથે વાતચીત કરી રહી છે.

બાંગલાદેશી મીડિયા અનુસાર, ર7 જિલ્લામાં હિન્દુઓનાં ઘરો અને વેપારનાં સ્થળોને નિશાન બનાવાયાં છે. બાંગલાદેશમાં 1 કરોડથી વધુ હિન્દુ રહે છે. જેથી મોટાપાયે ભારતમાં પલાયન થાય તેવી સંભાવના છે. વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને શેખ હસીના ભાગીને ભારત આવ્યા છે. દરમિયાન તેમની પાર્ટી આવામી લીગના ર9 જેટલા નેતાની હત્યા કરવામાં આવી છે. તેમના પરિવારજનોને પણ નિશાન બનાવાયા છે. આવામી લીગના કાર્યકરો, સમર્થકોનાં ઘરે તોડફોડ અને લૂંટ કરવામાં આવી છે. એક નેતાની હોટેલમાં ર8 લોકોને જીવતા સળગાવાયાના અહેવાલ છે. મૃત્યુઆંક 4પ0ને આંબી ગયો છે. હિંસાનો ભોગ બનેલા અનેક લોકો ગંભીર છે જેમની સારવાર ચાલી રહી છે. શેખ હસીનાએ દેશ છોડી દીધો હોવા છતાં જનાક્રોશ શમ્યો નથી. ઠેર ઠેર હિંસક વિરોધ પ્રદર્શન, તોડફોડ, આગજની, હુમલા યથાવત્ છે. દરમિયાન દેશમાં વચગાળાની સરકાર રચવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
Share This Article