મુંબઈ, તા. 28 : દિલ્હીમાં આજે રાત્રે મહાયુતિના ટોચના ત્રણ નેતાઓની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે એક મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન તથા એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનશે એ તો લગભગ નક્કી હોવાનું મનાય છે. પણ સરકારમાં કયા પક્ષને કેટલા ખાતા મળશે એ મામલે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. મહાયુતિની બેઠક પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપના સહ-પ્રભારી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. રાત્રે મહાયુતિની બેઠકમાં સરકારની રચનાની ફોર્મ્યૂલા ઘઢવામાં આવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાનપદ સાથે નાણામંત્રાલય માગ કરી હતી. બેઠકમાં જે. પી. નડ્ડા પણ હાજર રહ્યા હતા. – શિંદેની નજર આ ખાતાઓ પર : એકનાથ શિંદે શહેરી વિકાસ અને એમએસઆરડીસી મંત્રાલય પોતાની પાસે રાખશે.
આ ઉપરાંત મહેસુલ, કૃષિ, સ્વાસ્થય, ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને સામાજિક ન્યાય જેવા મહત્ત્વના વિભાગોની માગણી કરશે. આ ઉપરાંત શિંદે કેન્દ્ર સરકારમાં એક કૅબિનેટ અને એક રાજ્યકક્ષાના પ્રધાનપદની માગ કરી શકે છે. શિવસેનાના વરિષ્ઠ નેતાઓને મતે એકનાથ શિંદેને મહત્ત્વના વિભાગો સાથે પ્રધાનમંડળમાં રાખવા જોઈએ. જે મહારાષ્ટ્રમાં પક્ષને મજબૂત કરવા માટે મહત્ત્વના પૂરવાર થશે. સરકારમાં એકનાથ શિંદે ન હોય તો વિધાનસભ્યોને સરકારમાં પૂરતી ભાગીદારી અને ફંડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. અગાઉ એવી વાતો ચાલી હતી કે કદાય શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ નહીં સ્વીકારે. – અજિત પવારને જોઈએ નાણાખાતું : અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન સાથે નાણાખાતું માગી રહ્યાં છે.
ભાજપ પણ નાણાખાતું અને યોજના વિભાગ પોતાની પાસે રાખવા માગે છે. અજિત પવાર કૃષિ, ખાદ્ય અને નાગરિક આપૂર્તિ, મહિલા અને બાળકલ્યાણ, ચિકિત્સા, રમત, ગ્રામિણ વિકાસ, સહકારી ક્ષેત્ર જેવા ખાતાઓ પોતાની પાસે રાખવા માટે જોર લગાવશે. ભાજપ પોતાની પાસે ગૃહવિભાગ, આવાસ અને શહેરી વિકાસ, નાણાં વિભાગ, સિંચાઈ, ઊર્જા, પીડબ્લ્યુડી, પર્યાવરણ અને પર્યટન, સંસદીય બાબાત કૌશલ વિકાસ જેવા ખાતાઓ પોતાની પાસે રાખવા માગશે. – છ વિધાનસભ્યો પર એક પ્રધાનપદ : સરકારમાં ખાતાઓની વહેંચણી માટે દરેક સાથી પક્ષોની ભાગીદારી નક્કી કરવા માટે છ વિધાનસભ્યો પર એક પ્રધાનપદના ફોર્મ્યૂલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે મુજબ ભાજપને 21થી 22, શિવસેના શિંદે જૂથને 10થી 12 અને અજિત પવારના રાષ્ટ્રવાદીના ફાળે આઠથી નવ મંત્રાલય મળી શકે છે.મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળ 43થી વધુનું ન હોવું જોઈએ.

