યુક્રેની દળોએ રશિયામાં અંદર ઘૂસીને હુમલા શરૂ કરતાં રાષ્ટ્રપતિ પુતિન ખળભળી ઊઠયા

Reena Brahmbhatt
2 Min Read

મોસ્કો તા. 11 : યુક્રેની દળોએ રશિયામાં અંદર ઘૂસીને હુમલા શરૂ કરતાં રાષ્ટ્રપતિ પુતિન ખળભળી ઊઠયા છે. એટલે સુધી ભયનો માહોલ છવાયો છે કે, 76 હજાર લોકોએ યુક્રેનના હુમલાના ભયે પોતાનું ઘર છોડી દીધું છે. રશિયન સૈન્યને ઊંઘતા ઝડપી લઈ યુક્રેને મિસાઈલ હુમલામાં 14 સૈન્ય ટ્રકના કાફલાને ફૂંકી મારી લાશોના ઢગલા કરી નાખ્યા છે. અહેવાલ મુજબ યુક્રેની સૈનિકોએ રશિયાના સરહદી વિસ્તારોમાં કરેલા અણધાર્યા હુમલામાં સેંકડો સૈનિકો તથા રશિયનોનાં મોત થયાં હોવાનો દાવો કરાયો છે.

putin

- Advertisement -

કથિતરૂપે એક એરફિલ્ડ પર યુક્રેને કબજો કરી લીધો છે. યુક્રેનના પ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ મૌન તોડતાં તેમના દળો રશિયન જમીનમાં ઘૂસ્યા હોવાની પરોક્ષ કબૂલાત કરી હતી. રશિયાના એક સૈન્ય જનરલે રશિયન સત્તાધીશો પર યુક્રેનના ખતરાને હળવાશથી લીધાનો આરોપ લગાવ્યો છે. ખળભળી ઊઠેલાં રશિયાએ પણ યુક્રેનની રાજધાની કીવ પર આખી રાત બોમ્બ-મિસાઈલમારો કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર બન્યું છે કે, કોઈ અન્ય દેશની સેનાએ રશિયાની અંદર જઈને હુમલો કર્યો છે. રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનના હુમલાના રશિયામાં ઘેરા પડઘા પડયા છે. 76 હજાર કુર્સ્ક નાગરિકને તુરંત સ્થળ છોડી દેવા આદેશ અપાયો હતો. છેલ્લા પાંચ દિવસથી યુક્રેનના હુમલાથી ભયભીત કુર્સ્કનો સરહદી વિસ્તાર સૂમસામ બની ગયો છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને બે વર્ષ વિતી ચૂક્યા છે, અત્યાર સુધી યુક્રેન ડિફેન્સિવ હતું, એટલે કે, રશિયાના હુમલાને ખાળવામાં લાગેલું હતું, પરંતુ હવે તેણે રશિયાને તેના જ દેશમાં પડકારી હુમલા શરૂ કર્યા છે. હજારો યુક્રેની સૈનિક રશિયામાં ઘૂસીને હુમલો કરી રહ્યા છે. પુતિન માટે પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. રશિયા હવે ડિફેન્સિવ મોડમાં આવી ગયું છે. રશિયાના યુક્રેન સંલગ્ન સરહદી વિસ્તારોમાં એટલો ભય છવાયો છે કે, લોકો જે વાહન મળે તેમાં ભાગી રહ્યા છે. રશિયાએ પણ પોતાની જમીન યુક્રેનના કબજામાંથી છોડાવવા અને યુક્રેની સૈનિકોને પાછા ધકેલવા વધારાના દળો મોકલ્યા છે.

- Advertisement -
Share This Article