Donald Trump Washington Hotel Firing: અમેરિકાના વોશિંગ્ટનમાં યોજાયેલા હાઈ-પ્રોફાઈલ ‘કોરસપોન્ડન્ટ ડિનર’ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થતા સનસનાટી મચી ગઈ છે. વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં જ્યારે ૨૬૦૦થી વધુ દિગ્ગજ મહેમાનો હાજર હતા, ત્યારે અચાનક થયેલા ફાયરિંગને કારણે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગોળીબાર શરૂ થતાની સાથે જ હોલમાં અફરાતફરી મચી ગઈ હતી અને મહેમાનો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા.
ટેબલ નીચે છુપાયા ટ્રમ્પ અને મેલેનિયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગોળીબારના ભયાનક અવાજો અને લોકોની ચીસાચીસ સાંભળી શકાય છે. સુરક્ષા એજન્સી ‘સિક્રેટ સર્વિસ’ના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરતા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક ટેબલ નીચે છુપાવી દીધા હતા. વીડિયોમાં મેલેનિયાના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હોટલનો સ્ટાફ, વેઈટરો અને જેડી વેન્સ જેવા મોટા નેતાઓ પણ પોતાનો જીવ બચાવવા જમીન પર સૂઈ ગયા હતા.
#presidentialaddress Close up video of another assassination attempt on Donald Trump pic.twitter.com/5EtWKxgp9w
— mirza (@KaranpunjsS) April 26, 2026
સુરક્ષા એજન્સીઓનું ક્વિક રિસ્પોન્સ અને ધરપકડ
ઘટના સ્થળે હાજર સુરક્ષા દળોએ એસઓએસ (SOS) લાઈટ્સ દ્વારા મહેમાનોને સાવચેત કર્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. અહેવાલો અનુસાર, હોટેલના ઉપરના રૂમમાંથી અંદાજે ૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં હુમલાખોર હથિયાર સાથે હોટેલના રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો, તે અંગે અત્યારે એફબીઆઈ (FBI) દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
ટ્રમ્પ સુરક્ષિત અને કાર્યક્રમ ફરી યોજાશે
આ જીવલેણ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમણે સિક્રેટ સર્વિસની બહાદુરીના વખાણ કર્યા છે. હાલમાં વોશિંગ્ટન હિલ્ટન હોટેલને સીલ કરી દેવામાં આવી છે. ગોળીબારને કારણે રદ થયેલા ડિનર પ્રોગ્રામને ટ્રમ્પે આગામી ૩૦ દિવસમાં ફરીથી યોજવાની જાહેરાત કરી છે. પોલીસ અત્યારે હુમલાખોરના મુખ્ય ઈરાદા અને તેના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહી છે.

