નવી દિલ્હી, તા. 18 : ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક રાકેશ પાલનું હૃદયાઘાતથી નિધન થયું હતું. તેમને ગભરામણની તકલીફ થયા બાદ ચેન્નાઈની રાજિવ ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન હોસ્પિટલ પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાકેશ પાલના પાર્થિવ દેહને દિલ્હી લઈ જવાશે. એક મીડિયા હેવાલ મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડના સમુદ્રી બચાવ અને સમન્વય કેન્દ્રની નવી ઈમારતનું ઉદ્ઘાટન કરવા ચેન્નઈ આવેલા આઈસીજીના ડીજીના નિધન પર શોક વ્યક્ત કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, રાકેશ પાલના નિધનથી દુ:ખ થયું. તેઓ પ્રતિબદ્ધ અધિકારી હતા અને તેમના નેતૃત્વમાં આઈસીજી ભારતની સમુદ્રી સુરક્ષા મજબૂત થઈ રહી હતી. ઉત્તરપ્રદેશના રહેવાસી રાકેશ પાલને ગત વર્ષે આઈસીજીના 25મા મહાનિર્દેશક નિયુક્ત કરાયા હતા. તેઓ 1989માં કોસ્ટગાર્ડમાં સામેલ થયા હતા.

તેઓ દ્રોણાચાર્ય, ભારતીય નૌસેના સ્કૂલ, કોચ્ચિ અને યુકેમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિક્સ ફાયર કંટ્રોલ સોલ્યુશન કોર્સ, બંદૂક સહિતની હથિયાર પ્રણાલીમાં વિશેષજ્ઞ હતા. વિવિધ પદો પર કાર્ય કરનારા પાલ 34 વર્ષનો અનુભવ ધરાવતા હતા.

