ભુજ, તા. 24 : તાલુકાના ધાણેટીમાં ચાઇનાક્લેની ફેક્ટરીમાં સિલિકાના હોપર મશીનમાં રમતાં-રમતાં 10 વર્ષીય માસૂમ બાળક અક્ષર ગોવિંદ ચામરિયા પડી જતાં તેને બચાવવા પિતા ગોવિંદભાઇએ પણ મશીનમાં ઝંપલાવ્યું હતું અને પિતા-પુત્રને બચાવવાના પ્રયાસમાં ભાગીદાર અને સાથી મિત્ર પ્રકાશભાઇ ભીખાભાઇ વાઘાણી પણ આ યમદૂત સમા મશીનની ચપેટમાં આવી જવાથી ત્રણેના અરેરાટીભર્યાં મોત થયાં હતાં. આ કરુણ દુર્ઘટનામાં મૂળ વાગડના કંપનીના માલિક અને ભાગીદારનાં મોતથી વાગડ પંથક ઉપરાંત ચાઇનાક્લેથી ધમધમતી આહીરપટ્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ધાણેટી ગામના નડાપા રોડ પર સર્વે નં. 64માં શ્રીહરિ મિનરલ્સ નામની ફેક્ટરીમાં સવારે 11-30 વાગ્યાની આસપાસ આ કરુણ દુર્ઘટના સર્જાયા બાદ ત્રણેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તાબડતોબ ખસેડાયા હતા, પરંતુ ત્રણેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ થોડા-થોડા સમયનાં અંતરે એક પછી એકે દમ તોડી દેતાં હોસ્પિટલમાં પરિજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. કંપનીમાં કામ કરતા કર્મચારી તેમજ ડ્રાઇવરો તથા મિત્ર વર્તુળોના મુખ પર ગમગીની `કચ્છમિત્ર’એ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે નજરે પડી હતી.

આ કરુણાંતિકા અંગે સંબંધિતો, હોસ્પિટલ તથા પદ્ધર પોલીસ પાસેથી મળેલી સિલ-સિલાવાર વિગતો મુજબ આજે સવારે 11થી 11-30 વાગ્યાના અરસામાં મૂળ રાપર તાલુકાના કલ્યાણપર ગામના અને રાપર રહેતા 43 વર્ષીય ગોવિંદભાઇ દેવાભાઇ ચામરિયાનો 10 વર્ષીય પુત્ર અક્ષર ફેક્ટરીની અંદર આવેલી સિલિકામાં રમતો હતો અને રમતાં-રમતાં અક્ષર હોપર મશીનમાં પડી જતાં બૂમા-બૂમ સાથે દોડધામ મચી હતી. વહાલસોયા પુત્રને મોતના મુખમાંથી બચાવવા પિતા ગોવિંદભાઇએ પણ મશીનમાં જંપલાવ્યું હતું. અત્યંત દોડા દોડી અને જીવ સટોસટીની દુર્ઘટનામાં પિતા-પુત્રને બચાવવા માટે મૂળ ગેડી (તા. રાપર)ના 30 વર્ષીય યુવાન અને ગોવિંદભાઇના સાથી મિત્ર-ભાગીદાર એવા પ્રકાશભાઇએ પણ પ્રયાસ આદર્યા, પરંતુ વિધિની વક્રતાતી તે પણ પણ યમદૂત સમા મશીનની ચપેટમાં સપડાઇ ગયા હતા.
ત્રણે ઘાયલને તાબડતોબ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે અક્ષરને બપોરે 12-14 વાગ્યે મૃત જાહેર કર્યા હતા. આ બાદ સારવાર દરમ્યાન બપોરે ગોવિંદભાઇ તથા ત્યારબાદ પ્રકાશભાઇએ પણ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. આ કરુણ દુર્ઘટનાનાં પગલે વાગડ પંથક તથા ચાઇનાક્લેથી ધમધમતી આહીરપટ્ટીમાં શોક સાથે અરેરાટી વ્યાપી હતી.

