અમદાવાદ, તા. 30 : રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં સ્કૂલમાં બાળકોને ઉપલબ્ધ કરાવવા તો નાસ્તો બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017 ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું પરંતુ નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે .આ નવું મેનું તા.1 સપ્ટેમ્બર, 2024થી અમલી બનશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા મળે છે. અગાઉના મેનુમાં સપ્તાહમાં બે વખત વિદ્યાર્થીઓને શાક મળતું હતું, પરંતુ નવા મેનુમાં સપ્તાહમાં પાંચ દિવસ શાકભાજી પીરસવામાં આવશે. અગાઉ દાળ ઢોકળી અને વેજ પુલાવ સાથે શાક અપાતું ન હતું, પરંતુ નવા મેનુમાં આ ખાદ્યચીજો સાથે પણ બાળકોને શાક પણ આપવામાં આવશે. ટૂંકમાં નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલેરી હતી એને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કેલરી યુક્ત ખોરાક આપવામાં આવશે.

પીએમ પોષણ યોજનાના મેનુમાં બદલાવ કરી સરકાર તરફથી નિયત થયેલા અનાજ, કઠોળ, તેલ અને લીલા શાકભાજીના જથ્થાના પ્રમાણ તથા ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર નિયત થયેલી કેલરીનું પ્રમાણ જાળવી સમગ્ર રાજ્યમાં એક સાથે અમલમાં મૂકી શકાય તે મુજબનું વાનગી મેનુ નિયત કરવા ટેકનિકલ એડવાઈઝરી કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ કમિશનર પી.એમ. પોષણ યોજનાની કચેરી દ્વારા પી.એમ.પોષણ યોજનાના મેનુમાં ફેરફાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.

