પેન્ડિંગ કેસો ઘટાડવા નક્કર યોજના : સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 1 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં બળાત્કારના કેસમાં વિલંબથી ન્યાયનો ઉલ્લેખ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ગંભીર કેસમાં વિલંબ થવાનાં કારણે લોકોને લાગે છે કે, સંવેદનાની કમી છે. ન્યાય મળતાં-મળતાં જિંદગી ખતમ થઈ જાય છે. આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ અને કેસો મોકૂફ રાખવાનું કલ્ચર ખતમ થવું જોઈએ. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે નવા ધ્વજ અને પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું હતું. સંમેલનને સંબોધતાં આજે દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડે દેશની અદાલતોમાં પેન્ડિંગ કેસોની ચિંતામાં આશાનું કિરણ બતાવતી ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, પડતર કેસોની સંખ્યા ઘટાડવા માટે એક નક્કર યોજના બનાવવામાં આવી છે, તો કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે, આપણે હવે તારીખ પે તારીખની સંસ્કૃતિ બદલવી પડશે.

cji dy chandrachud supreme courT

- Advertisement -

આ યોજનાનાં ત્રણ મુખ્ય ચરણ છે, જેમાં પહેલા તબક્કામાં જિલ્લા સ્તરે કેસોનાં સંચાલન માટે સમિતિઓની રચના કરવામાં આવશે. આ સમિતિઓ પેન્ડિંગ કેસ અને રેકોર્ડની સ્થિતિની તપાસ કરશે. બીજા તબક્કામાં આ જે કેસ 10થી 30 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ હશે તેની પતાવટ કરવામાં આવશે. ત્યાર બાદ ત્રીજા ચરણમાં જાન્યુઆરી-202પથી જૂન-202પ સુધી 10 વર્ષથી અધિક સમયથી પેન્ડિંગ કેસોની સુનાવણી કરવામાં આવશે. આનાં માટે વિવિધ ટેકનિકલ અને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમની આવશ્યકતા રહેશે. રાષ્ટ્રપતિએ કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે, ઉચ્ચ ન્યાયાલયનાં ધ્યેય વાક્ય યતો ધર્મ: તતો જયો: ઉલ્લેખ ઘણી વખત થયો છે, જેનો અર્થ થાય છે કે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. મુર્મુએ કહ્યું હતું કે, ન્યાય અને અન્યાયનો નિર્ણય કરતું ધર્મશાત્ર છે. તેઓને ખુશી છે કે, સુપ્રીમ કોર્ટે ન્યાય પાલિકામાં લોકોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

ન્યાય તરફ આસ્થા અને શ્રદ્ધાનો ભાવ પરંપરાનો હિસ્સો છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દેશમાં દરેક ન્યાયધીશ એન ન્યાયિક અધિકારી ઉપર સત્ય અને ધર્મ, ન્યાયની પ્રતિષ્ઠા કરવાની નૈતિક જવાબદારી છે. દેશમાં પેન્ડિંગ મામલા છે, જેને આવા સંમેલન, લોક અદાલત વગેરેનાં માધ્યમથી ઉકેલી શકાય તેમ છે. બળાત્કારના કેસનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, બળાત્કારના કેસમાં વિલંબથી નિર્ણય આવે છે, તેનાં કારણે લોકોને લાગે છે કે, સંવેદના ઓછી છે. કહેવાય છે કે, ભગવાન સામે દેર છે, પણ અંધેર નથી પણ વિલંબ કેટલો સમય ? 12 વર્ષ 20 વર્ષ ? ન્યાય મળે ત્યાં સુધીમાં જિંદગી ખતમ થઈ જશે. આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ.

- Advertisement -
Share This Article