નવી દિલ્હી, તા.10 : કેનેડામાં રહેલા ખાલિસ્તાની આતંકવાદી અને ભારતના મોસ્ટ વોન્ટેડ અર્શદીપસિંહ ઉર્ફે અર્શ ડલ્લાને કેનેડિયન પોલીસે ઝડપી લીધો હતો. અર્શદીપ હરદીપસિંહ નિજ્જરનો વિશ્વાસુ મનાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગત 27-28 ઓક્ટોબર દરમ્યાન થયેલી એક સશત્ર અથડામણ દરમ્યાન આ ધરપકડ કરવામાં આવી હતી. જોકે એ બાબત હજુ સ્પષ્ટ નથી કે અર્શદીપ હજુ પણ અટકાયત હેઠળ છે કે તેને છોડી મૂકવામાં આવ્યો છે.
ડલ્લાની ધરપકડ અંગે સત્તાવાર કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વાતચીત બંધ હોવાથી બંને દેશ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન નથી એમ સૂત્રોએ કહ્યું હતું.ભારતીય સલામતી એજન્સીઓ અનુસાર ગેંગસ્ટર ડલ્લા ભારતથી ભાગી ગયા બાદ કેનેડામાં પોતાની પત્ની સાથે રહે છે.
પંજાબના ફરીદકોટમાં આજે સવારે તેના બે સાથીને ઝડપવામાં આવ્યા હતા. આ બંને ગુરપ્રીતસિંહ હત્યાકાંડમાં સંડોવાયેલા હતા. તેમણે ડાલ્લાના કહેવા પર ગ્વાલિયરમાં જસવંતસિંહ ગિલની પણ હત્યા કરી હતી.વર્ષ?2022માં ગેંગસ્ટર અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ)ના અર્શદીપસિંહને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો હતો. પંજાબના મોગાથી કેનેડામાં છુપાયેલા ડલ્લા સામે દેશ-વિદેશમાં હત્યા, બળજબરીથી વસૂલી અને જઘન્ય અપરાધો ઉપરાંત આતંકી ગતિવિધિમાં સામેલ હોવાના આરોપ છે.

