નવી દિલ્હી, તા. 13 : દિલ્હી શરાબનીતિ કૌભાંડ સાથે જોડાયેલા સીબીઆઇના કેસમાં પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે જામીનરૂપે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી હતી. જોકે, આ રાહત કેટલીક શરતો સાથે અપાઇ છે. કેજરીવાલ 177 દિવસ બાદ જેલની બહાર આવ્યા હતા અને ગર્જના કરી છે કે, જેલમાં મારી તાકાત 100 ગણી વધી ગઇ છે. `આમ આદમી પાર્ટી’એ કહ્યું કે, સત્યની જીત થઇ છે. જામીન મંજૂર થતાં સાંજે તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલવહેલી ટિપ્પણી કરતાં કેજરીવાલે કહ્યું હતું કે, હું દેશને નબળો પાડવા માટે સક્રિય `રાષ્ટ્રવિરોધી’ તાકાતો સામે લડવાનું ચાલુ રાખીશ. જેલવાસથી ઊલટું મારું મનોબળ વધુ મજબૂત થયું છે.
હું સાચો હતો એટલે ભગવાને મારો સાથ આપ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ મારી તાકાત 100 ગણી વધી ગઈ છે, તેવું તેમણે ઉમેર્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, મને તોડવા માટે જેલમાં મોકલાયો, પરંતુ જેલ મને ભાંગી નહીં શકે. સિસોદિયા સાથે સમર્થકોએ `ભ્રષ્ટાચાર કા એક હી કાલ, કેજરીવાલ’ના નારા લગાવ્યા હતા.ઇડી બાદ સીબીઆઇના કેસમાં પણ જામીન મંજૂર કરતાં સુપ્રીમ કોર્ટે શરતો મૂકી હતી. કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં નહીં જઇ શકે, કોઇ પણ સરકારી ફાઇલ પર સહી નહીં કરી શકે. સાથોસાથ કેસ સંબંધિત કોઇ પણ જાતનું નિવેદન નહીં આપી શકે, 10 લાખ રૂપિયાના બોન્ડ ભરવાના રહેશે. તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરી શકે. એ સિવાય જરૂર પડે ત્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહયોગ આપશે તેવી શરતો સાથે જામીન અપાયા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં આ આમ આદમી પાર્ટી માટે મોટી રાહત મનાય છે.

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, અસત્ય અને ષડ્યંત્ર સામે લડાઇમાં આજે ફરી સત્યની જીત થઇ છે. અન્ય આપ નેતા આતિશીએ કહ્યું હતું કે, કાલ સુધી જે વાત માત્ર `આપ’ દ્વારા કહેવાતી હતી તે આજે સુપ્રીમ કોર્ટે કરી છે. રાઘવ ચડ્ડાએ કહ્યું હતું કે, `આપ’ પરિવાર માટે છ મહિના ભારે સંઘર્ષભર્યા રહ્યા, પરંતુ આખરે ન્યાયની જીત થઇ ગઇ છે. – કેજરીવાલને જામીનથી ચૂંટણી પર શી અસર થશે ? : આનંદ કે.વ્યાસ તરફથી નવી દિલ્હી, તા.13 : નવી દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન બાદ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની અને દિલ્હીમાં સત્તા જાળવી રાખવાની પક્ષની મહેચ્છાને વેગ મળ્યો છે. હરિયાણામાં કોંગ્રેસ સાથે બેઠક વ્હેંચણીમાં થયેલી ખેંચતાણ વચ્ચે કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધી ગયો છે.
જો કે આમ આદમી પાર્ટી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે તમામ 90 બેઠકો ઉપર મેદાનમાં ઉતરવાની છે. હરિયાણાની ચૂંટણીમાં કેજરીવાલ બહાર આવ્યા બાદ કોઇપણ ફરક નહીં પડે એવી પ્રતિક્રિયા કોંગ્રેસ પ્રવકતાઓએ આપી છે. નવી દિલ્હી અને પંજાબના પાડોશમાંના હરિયાણામાં કેજરીવાલ પ્રચારસભાઓ યોજશે ત્યારે કોંગ્રેસ તેમ જ ભાજપને મહદઅંશે ફરક પડશે. આવતા વર્ષે દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે એવામાં કેજરીવાલના જામીન મંજૂર થતા આમ આદમી પાર્ટી બમણાં જોશથી ચૂંટણીની કામગીરીમાં લાગશે. હરિયાણાના `આપ’ પ્રવકતા સુશીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે પક્ષ પ્રમુખ ચૂંટણી પ્રચારમાં જોડાશે અને હરિયાણાના લોકોને બદલાવ જોઇએ છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે કેજરીવાલજીના બહાર આવ્યા બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો નવો સંચાર થયો છે. કોર્ટે પણ આપ પ્રમુખની ધરપકડ બાદ સીબીઆઇ અને ઇડીને ઠપકો અપાયો છે. આપના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે આ બનાવટી કેસ હતો એ અમે પહેલા દિવસથી કહીએ છીએ. કેજરીવાલની છબી બગાડવામાં સીબીઆઇ સાથે ઇડી પણ જોડાઇ હતી. કેજરીવાલને ખોટા કેસમાં ફસાવીને માત્ર જેલમાં રાખવાનો જ તેમનો ઇરાદો હતો.

