Russia Arctic India: રશિયાનો આર્કટિક વિસ્તાર ભારત માટે કેમ મહત્વપૂર્ણ, NSRથી મુસાફરીનો સમય બે અઠવાડિયા સુધી ઘટી શકે
Russia Arctic India: ભારત અને રશિયા વચ્ચે આર્કટિક ક્ષેત્રમાં સહયોગ અંગે ગંભીરતાથી વાતચીત ચાલી રહી છે. BRICS શિખર સંમેલન માટે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા અઠવાડિયે દિલ્હી આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની જે વાતચીત થશે, તેમાં આ વખતે આ એક મહત્વપૂર્ણ એજન્ડા રહેવાનો છે.
BRICS શિખર સંમેલન દરમિયાન જ્યારે PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને દેશો વચ્ચે સહયોગના પરસ્પર મુદ્દાઓ પર ચર્ચા કરશે ત્યારે રશિયાનો આર્કટિક વિસ્તાર ખૂબ મોટો મુદ્દો રહેવાનો છે. તાજેતરમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે આ અંગે એક લેખ પણ લખ્યો છે.
આર્કટિક ક્ષેત્ર અંગે રશિયા ભારત માટે શું કરી રહ્યું છે
- આર્કટિક ડોટ આરયુ માટે લખાયેલા લેખમાં સર્ગેઈ લાવરોવે કહ્યું કે ‘રશિયા અને ભારત હાઈ લેટિટ્યૂડને લઈને સક્રિય વાતચીતમાં જોડાયેલા છે.’
- ‘સંસાધનોથી સમૃદ્ધ આર્કટિક ક્ષેત્રને લઈને ઑગસ્ટમાં વેપારી, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહયોગ સંબંધિત રશિયા અને ભારતના આંતરસરકારી આયોગમાં પણ ચર્ચા થઈ છે.’
- ‘કેટલાક નિષ્ણાતોએ તો કહ્યું છે કે આવનારા 20 વર્ષમાં આર્કટિક ભારત અને રશિયા વચ્ચે સહયોગનું એક મોટું ક્ષેત્ર બની જશે.’
- બુધવારે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વિસ્તારમાં એક શિપયાર્ડની પણ મુલાકાત લીધી છે, જ્યાં આર્કટિક ક્ષેત્ર માટે જ જહાજોનું નિર્માણ થાય છે. તેમણે એક ભાષણમાં આર્કટિક ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચે બની રહેલી ભાગીદારીનો સંકેત પણ આપ્યો છે.
રશિયાનો આર્કટિક વિસ્તાર ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે
- ભારત માટે રશિયાનો આર્કટિક વિસ્તાર અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાંથી એક નૉર્ધર્ન સી રૂટ (NSR) પણ સામેલ છે.
- નૉર્ધર્ન સી રૂટ પૂર્વીય અને ઉત્તરીય યુરોપ સુધી ભારતીય જહાજો માટે પરંપરાગત સુએઝ નહેરની તુલનામાં 40% સુધીનું અંતર ઘટાડી દેશે અને મુસાફરીમાં લાગતો સમય પણ લગભગ બે અઠવાડિયા ઓછો થઈ જશે.
- ગયા મહિનાના અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે આર્કટિક ક્ષેત્રમાં ઉપયોગ કરી શકાય તેવા જહાજો બનાવવા અને ભારતીય કાર્ગો માટે પોર્ટ સુવિધાઓ વિકસાવવા અંગે વાતચીત ચાલી રહી છે.
રશિયાના આર્કટિક વિસ્તારનો નૉર્ધર્ન સી રૂટ શું છે
- નૉર્ધર્ન સી રૂટ 5,600 કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ છે, જે રશિયાના બરફીલા આર્કટિક વિસ્તારમાંથી પસાર થાય છે.
- વર્ષના મોટાભાગના સમય દરમિયાન આ વિસ્તારમાં જાડો બરફ જામેલો રહે છે. પરંતુ, જળવાયુ પરિવર્તનને કારણે આ બરફ હવે વધુ ઓગળવા લાગ્યો છે, જેના કારણે અવરજવર માટે હવે વર્ષમાં વધુ સમય મળવા લાગ્યો છે.
- આ કારણે નૉર્ધર્ન સી રૂટ પરથી પસાર થવા માટે બરફનો સામનો કરી શકે તેવા વિશેષ મજબૂત જહાજોની જરૂર પડે છે.
- રશિયાના પરમાણુ ક્ષેત્રની મોટી કંપની રોસાટોમ આ પ્રકારના જહાજો બનાવે છે અને NSR માટે ભારત સાથે કરાર પણ કરશે.
રશિયાના આર્કટિક વિસ્તારમાં કઈ વસ્તુઓનો ભંડાર છે
રશિયાનો આર્કટિક વિસ્તાર કુદરતી સંસાધનોનો ભંડાર છે, જેમાં-
- LNG સહિત હાઇડ્રોકાર્બન
- નિકલ
- તાંબું
- પ્લેટિનમ
- પેલેડિયમ
- રેર અર્થ એલિમેન્ટ્સ

