બેંગ્લોર, તા. 17 : ખાનગી ક્ષેત્રમાં ગ્રુપ-સી અને ડીમાં સ્થાનિક કન્નડ લોકો માટે 100 ટકા અનામત લાગુ કરવાના કર્ણાટક સરકારના નિર્ણયથી હોબાળો મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓના વિરોધ બાદ સરકાર દબાણમાં આવી છે અને આ નિર્ણય પર હાલ રોક લગાવી દીધી છે. સરકાર આ નિર્ણય અંગે ફેરવિચાર કરશે. મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ સોશિયલ મીડિયા પર 100 ટકા ક્વોટાને લઇ કરેલી પોસ્ટને હટાવી દેતાં અટકળો સર્જાઇ હતી. અગાઉ રાજ્યના શ્રમમંત્રી સંતોષ લાડે આજે સ્પષ્ટતા કરી હતી કે, કર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં મેનેજમેન્ટ સિવાયના પદો માટે આરક્ષણ 70 ટકા અને મેનેજમેન્ટ સ્તરના સ્ટાફ માટે 50 ટકા છે.

મુખ્યમંત્રીએ જો કે, અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું કે, કેબિનેટે વહીવટી પદોમાં સ્થાનિકોને 50 ટકા અને બિનવહીવટી પદોમાં 75 ટકા અનામતના ખરડાને કેબિનેટે મંજૂરી આપી છે. હવે જો કે, આખો નિર્ણય જ અટકાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ `એક્સ’ પર જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં ખાનગી કંપનીઓની ગ્રુપ-સી અને ડીમાં કન્નડ લોકો માટે 100 ટકા અનામતનો ખરડો પસાર કરાયો હતો. આઇ.ટી. ઉદ્યોગની ટોચની સંસ્થા નાસ્કોમે આ નિર્ણયને લઇને ભારે નિરાશા વ્યક્ત કરીને કહ્યું હતું કે, રાજ્યની પ્રગતિ ખોરવાઇ ન જાય એ માટે આ બિલ પાછું ખેંચવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક આઇ.ટી. ક્ષેત્રનું મહત્ત્વનું રાજ્ય છે. બેંગ્લોરની કંપનીઓમાં 35 ટકા કર્મચારીઓ બિનકન્નડ છે. 18 જુલાઇએ આ ખરડો વિધાનસભામાં રજૂ થવાનો છે. કંપનીઓના વિરોધ બાદ બચાવની સ્થિતિમાં આવી ગયેલી કર્ણાટકની કોંગ્રેસ સરકારે કહ્યું હતું કે, કંપનીઓએ ચિંતા કરવાની જરૂર નથી. તેમના હિતોનું રક્ષણ કરવામાં આવશે.

