નવી દિલ્હી, તા. 7 : ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુઓ પોતાના સમાજની સુરક્ષા માટે ભાષા, જાતિ, પ્રદેશના વિવાદો ખતમ કરીને એકજૂટ થાય, તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુપ્રીમો મોહન ભાગવતનાં નિવેદન બાદ રાજકીય ઘમસાણ સર્જાયું છે.
વિવિધ વર્ગો, સમુદાયો, સંગઠનો તેમજ રાજકીય જગતમાં ભાગવતનાં નિવેદન પર વિવિધ સૂરોમાં ચર્ચાઓ, દાવા-દલીલો વચ્ચે કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ સંઘના વડા પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ એવા કેસરિયા પક્ષના નેતાઓએ સ્વાભાવિક ગણી શકાય, તેવી પ્રતિક્રિયારૂપે ભાગવતની તરફેણ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આરએસએસના અધ્યક્ષ પર આકારા પ્રહાર કરતાં એવું બોલી નાખ્યું હતું કે, હિન્દુઓ આપથી ખતરામાં છે. આપ જ રાજીનામું આપી દો. બીજીતરફ કેસરિયા પક્ષ તરફથી ભાગવતની તરફેણમાં ઝંપલાવતાં મધ્યપ્રદેશ ભાજપ પ્રવક્તા ગુંજન ચૌકસેએ કોંગ્રેસ પર પલટવાર કરતાં કહ્યું કે, જ્યારે-જ્યારે સનાતનની વાત થાય છે, ત્યારે-ત્યારે કોંગ્રેસ વિરોધ કરે છે.

કોંગ્રેસે સનાતન અને ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ. હિન્દુ તો દૂર, રાષ્ટ્રની પરિભાષા પણ કોંગ્રેસીઓ નથી જાણતા, તેવા પ્રહાર તેમણે કર્યા હતા. ભાજપ નેતાએ કહ્યું હતું કે, ભાગવતનાં નિવેદનને સમજવા માટે કોંગ્રેસે પોતાનું બૌદ્ધિકસ્તર સુધારવું પડશે. દરમ્યાન, સાંસદ અસદુદીન ઔવેસીએ પ્રહાર કરતાં કહ્યું કે, દેશના લોકોને મોદી અને ભાજપથી ખતરો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, ઓવૈસીનું ડીએનએ જ દેશ માટે ખતરો છે. એઆઇએમઆઇએમ અધ્યક્ષ ઓવૈસીએ એવો ગંભીર આરોપ મૂક્યો હતો કે, મોદીએ સત્તામાં રહેવા દરમ્યાન હિન્દુઓ, મુસ્લિમો અને અન્ય સમુદાયોના લોકોને પરેશાન જ કર્યા છે. ચીને દેશના બે હજાર વર્ગ કિલોમીટર ભૂ ભાગ પર કબજો કર્યો છે, તે મુદ્દે ભાગવતજી કેમ ચૂપકિદી સાધી બેઠા છે, તેવો સવાલ પણ ઓવૈસીએ કર્યો હતો. સિંહે ભાગવતનું પ્રખર સમર્થન કરતાં એવી સલાહ આપી હતી કે, હિન્દુઓ પોતાનાં ઘરોમાં અત્ર, શત્ર રાખે ત્યારે જ હિન્દુઓ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે.
મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અમિત શર્માએ ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે, આગમાં તેલ નાખીને સાંપ્રદાયિક હિંસાને ઉત્તેજન આપવાનું કામ આરએસએસ જેવાં સંગઠનો કરે છે, પછી એક ધર્મ વિશેષના નામે પોતાની રાજનીતિને ચમકાવે છે. હિન્દુઓ એકતા કેળવે, તેવી ભલામણ કરતાં સંઘવડા મોહન ભાગવતનાં નિવેદન પર રાજકીય ઘમસાણ વચ્ચે કેટલાક શાણા, સમજુ તજજ્ઞો, વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આવી રીતે ધર્મ, જાતિ, પ્રાંતના નામે રાજનીતિ કરવી એ કોઈ પણ રાજકીય પક્ષોની ગરિમાને શોભતું નથી.

