મલિક-હસમુખ પટેલનું પ્રમોશન

newzcafe
3 Min Read

ગુજરાતમાં એકસાથે 35 IPS અધિકારીઓને બઢતી અને બદલી, સુરતને લાંબા સમય પછી પોલીસ કમિશનર મળ્યા


અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલાથી IPA અધિકારીઓના પ્રમોશન અને ટ્રાન્સફરની રાહ જોવાઈ રહી હતી. ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના 35 IPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક સહિત 20 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતના બે શહેરોના પોલીસ કમિશનરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા આદેશ મુજબ વડોદરાના કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતને સુરત મોકલવામાં આવ્યા છે. સુરત જેવા મોટા શહેરમાં લગભગ 74 દિવસ સુધી કોઈ કમિશનર નહોતા, પરંતુ હવે સુરતને પોલીસ કમિશનર મળી ગયું છે.


 


મલિક-હસમુખ પટેલનું પ્રમોશન


IPSની બદલી અને પ્રમોશનનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. સુરતમાં અઢી મહિનાથી વધુ સમયથી ઈન્ચાર્જ કમિશનર હતા, પરંતુ હવે નવા પોલીસ કમિશનર મળ્યા છે. વડોદરાના વર્તમાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે નરસિમ્હા કોમરને વડોદરાના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બઢતી અને બદલીની આ પ્રક્રિયામાં અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડાયરેક્ટર જનરલ હસમુખ પટેલ સહિત 20થી વધુ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.


 


અનેક જિલ્લાઓમાં નવા એસ.પી


નવા ફેરબદલ મુજબ તરૂણ દુગ્ગલને મહેસાણાના નવા એસપી, ઓમપ્રકાશ જાટને અમદાવાદ ગ્રામ્યના એસપી, જેઆર મોથાલિયાને અમદાવાદ રેન્જના આઈજી અને પ્રેમવીર સિંહને સુરત રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. ચિરાગ કોરાડિયા આઈજી કચ્છ બોર્ડર રેન્જનો ચાર્જ સંભાળશે. લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગે રાજ્યમાં IPSની બદલી અને પ્રમોશન માટે 35 ઓર્ડર જારી કર્યા છે. આ ઉપરાંત ઈમ્તિયાઝ શેખને છોટા ઉદેપુરના એસપી બનાવાયા છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકને ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે. એડીજીપીનો હોદ્દો ધરાવતા ચાર આઈપીએસ અધિકારીઓને ડીજીના પદ પર બઢતી આપવામાં આવી છે. ચૈતન્ય માંડલિક સહિતના અધિકારીઓને પણ તાત્કાલિક પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે બઢતી આપવામાં આવશે. મનોજ અગ્રવાલને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. ડૉ કે એલ એન રાવને પોલીસ મહાનિર્દેશક અને સુનિલ જોશીને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલના પદ પર પ્રમોશન આપવામાં આવ્યા છે.


 


મેઘાવી-લીના પાટિલને પ્રમોશન


શિવમ વર્મા અમદાવાદ ઝોન-7ના ડીસીપી બન્યા છે, જ્યારે ગૌરવ જસાણી આણંદના એસપી બન્યા છે. મહેન્દ્ર બગરીયાને ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત દીપક મેઘાણી, લીના પાટીલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિપ્ત રાયને ડીઆઈજી પદે બઢતી આપવામાં આવી છે. એસ.જી.ત્રિવેદીને એડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. અગાઉ રાજ્યના 8 IPS અને 65 DySPની બદલી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ IPS અધિકારીઓને તેમની તાલીમ પૂર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસમાં ASPની જવાબદારી સોંપવામાં આવી છે.

Share This Article