Governor Acharya Devvrat Dang Visit: ગુજરાતની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલની જવાબદારી સંભાળી રહેલા આચાર્ય દેવવ્રતનો કડક અંદાજ સામે આવ્યો છે. થોડા સમય પહેલા તેમણે ચોટીલામાં મંચ પરથી અધિકારીઓને ફટકાર લગાવી હતી. તાજેતરના કિસ્સામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આદિવાસી બહુલ ડાંગ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનસંવાદ કાર્યક્રમમાં કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓને બધાની સામે ખખડાવ્યા હતા. જ્યારે રાજ્યપાલે કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોને ‘જીવામૃત’ વિશે પૂછ્યું, ત્યારે ખેડૂતો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેનાથી સ્પષ્ટ થયું કે સિસ્ટમે ખેડૂતોને યોગ્ય તાલીમ આપવામાં ભારે બેદરકારી દાખવી છે.
રાજ્યપાલ શું બોલ્યા?
“આ તો બહુ ખોટી વાત છે. આ તો બહુ મોટી ગરબડ છે. આમાં તો બધાના હાથ ઊંચા થવા જોઈતા હતા. આ કઈ મોટી ટ્રેનિંગ છે? અરે ત્રણ વસ્તુ બનાવવાની છે – એક બીજામૃત, એક જીવામૃત અને ઘનજીવામૃત. જમીન તો કોઈ પણ ઢાંકી દેશે, જમીન કોઈ પણ ખેડી દેશે. આ ત્રણ વસ્તુની પણ ખબર નથી? આટલા દિવસથી અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો કેવી રીતે કામ થશે? આ નબળાઈ છે. કાં તો આમને ટ્રેન્ડ કરો અથવા તો બદલો. મને એક અઠવાડિયામાં રિપોર્ટ જોઈએ. એમની લેખિતમાં ટ્રેનિંગ કરાવો. જે ન કરી શકે, તેને બહાર કરો અને નવાને લો. આ કરાવો જી.” – આચાર્ય દેવવ્રત, ગુજરાતના રાજ્યપાલ
લેખિત તાલીમ આપવાના નિર્દેશ
રાજ્યપાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ટ્રેનિંગમાં મોટી ગરબડ થઈ છે. તેમણે ડાંગ જિલ્લાના ડીડીઓ સુથાર રાજ રમેશચંદ્રને કહ્યું કે તમારો વિભાગ નબળો છે. તેમણે કડક ચેતવણી આપી અને આદેશ આપ્યો કે એક અઠવાડિયાની અંદર તમામ કૃષિ સહાયકો અને ખેડૂતોને લેખિત તાલીમ આપવામાં આવે, અને જો પરફોર્મન્સમાં સુધારો નહીં થાય, તો જવાબદાર અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે અને તેમની જગ્યાએ કાબેલ લોકોને લાવવામાં આવશે. રાજ્યપાલના કાર્યક્રમમાં ડાંગના કલેક્ટર શાલિની દુહન અને પોલીસ અધિક્ષક આઈપીએસ પૂજા યાદવ પણ હાજર રહ્યા હતા. આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે મથામણ કરી રહ્યા છે.
डांग जिले के आहवा में आयोजित ‘प्राकृतिक कृषि: प्रकृति के शरण में’ परिसंवाद में किसानों के साथ संवाद करने का सुखद अवसर प्राप्त हुआ। डांग जिले ने पूरे देश के सामने ‘भारत के प्रथम प्राकृतिक जिले’ के रूप में अपना उदाहरण पेश किया है।
पिछले कुछ वर्षों में रासायनिक खादों ने हमारी धरती… pic.twitter.com/VzkLhSZTcF
— Acharya Devvrat (@ADevvrat) March 1, 2026
રાજ્યપાલના અંદાજથી મચ્યો ફફડાટ
આચાર્ય દેવવ્રત સૌથી પહેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. કુરુક્ષેત્રમાં એક ગુરુકુળના આચાર્યથી રાજ્યપાલ સુધીની સફર કરનાર આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના મોટા હિમાયતી છે. તેમની તાજેતરની ફટકારથી વહીવટીતંત્રમાં ફફડાટ મચી ગયો છે. તેઓ લાંબા સમયથી ગુજરાતના ગામડાઓમાં ભ્રમણ કરી રહ્યા છે. તેઓ પ્રવાસ દરમિયાન પોતે જ સાવરણી લઈને સફાઈ કરે છે, પ્રાથમિક શાળા કે સરકારી ભવનમાં રોકાય છે અને ગ્રામીણો સાથે જ ભોજન લે છે. આચાર્ય દેવવ્રત અગાઉ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ ગુજરાત એસટીની નોન-એસી બસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ કેન્દ્ર સરકારે આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપ્યો હતો.

