Republic Day Tableau Gujarat: ગુજરાતનો દબદબો: કર્તવ્ય પથ પર ફરી લહેરાયો ગુજરાતનો પરચમ; સતત ચોથા વર્ષે મળ્યો દેશનો સર્વોચ્ચ ‘પોપ્યુલર ચોઈસ’ એવોર્ડ

Arati Parmar
2 Min Read

Republic Day Tableau Gujarat: ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથીવાર ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ શુક્રવારે વિધિવત રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય રંગશાલા કેમ્પ ખાતે આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠના હસ્તે ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના મુખ્ય સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી નિયામક કિશોર બચાણીએ ટ્રોફી તથા પ્રમાણપત્ર સ્વીકાર્યા હતા. આ સાથે જ, ટેબ્લો નિર્માણ દરમિયાન યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક પુરસ્કાર મળ્યો છે.

ગુજરાતનો ટેબ્લો કોણે અને કેવી રીતે તૈયાર કર્યો?

ગુજરાત સરકારના નિવેદન મુજબ, આ વર્ષનો ટેબ્લો ‘સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ્’ વિષય પર આધારિત હતો, જેનું નિર્માણ માહિતી નિયામકની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. માહિતી નિયામક કિશોર બચાણીના દિશાનિર્દેશ અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના માહિતી નાયબ નિયામક ભાવના વસાવા દ્વારા આ સમગ્ર કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વિજયની સતત ચોથી હેટ્રિક

ગુજરાતે છેલ્લા ચાર વર્ષથી રાષ્ટ્રીય સ્તરે વિજય પરંપરા જાળવી રાખી છે:

  • ૨૦૨૩: ‘ક્લીન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ થીમ આધારિત ટેબ્લોને પોપ્યુલર ચોઈસ એવોર્ડ મળ્યો.

  • ૨૦૨૪: ‘ધોરડો: વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ થીમ પર આધારિત ટેબ્લોએ પોપ્યુલર ચોઈસમાં પ્રથમ અને જ્યુરી ચોઈસમાં બીજું સ્થાન મેળવ્યું.

  • ૨૦૨૫: ‘અનાર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ થીમ દ્વારા પોપ્યુલર ચોઈસ એવોર્ડ જીત્યો.

  • ૨૦૨૬: ‘સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ્’ વિષય સાથે સતત ચોથા વર્ષે આ કેટેગરીમાં પુરસ્કાર જીતીને ગુજરાતે ઇતિહાસ રચ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતે આધુનિક વિકાસ અને પ્રાચીન વિરાસતના સંગમ દ્વારા દેશભરના લોકોના દિલ જીતવામાં સફળતા મેળવી છે.

- Advertisement -
Share This Article