Ahmedabad Digital Luggage Locker: અમદાવાદીઓ અને મુસાફરો માટે ખુશખબર, કાલુપુર રેલવે સ્ટેશન પર દેશનો પ્રથમ હાઇટેક ‘ડિજિટલ લગેજ લોકર’ રૂમ શરૂ

Arati Parmar
5 Min Read

Ahmedabad Digital Luggage Locker: અમદાવાદના કાલુપુર મુખ્ય રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા સ્થાનિક અને બહારગામના પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા એક અત્યંત શાનદાર અને સુવિધાજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટેશન પર પ્રવાસીઓની સગવડમાં આધુનિક ઉમેરો કરતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે ઇતિહાસમાં પ્રથમ વખત હાઇટેક ‘ડિજિટલ લગેજ લોકર’ (સ્વચાલિત સ્માર્ટ ક્લોક રૂમ) સેવાનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧૦મી જૂન ૨૦૨૬ના રોજ આયોજિત એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા અને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશના વરદ હસ્તે આ પેપરલેસ આધુનિક લોકર સિસ્ટમ જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.

હોટલના મોંઘા રૂમ રાખવાની ચિંતા મુક્ત, સામાન સાચવીને શહેરમાં હરો-ફરો

આ નવી સુવિધા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત લાવવાનો છે, જેઓ ટૂંકા સમય માટે અથવા માત્ર એક જ દિવસ માટે ખરીદી, બિઝનેસ ડીલ કે પ્રવાસન અર્થે અમદાવાદ શહેરમાં આવે છે. અગાઉના સમયમાં આવા મુસાફરોએ કિંમતી સામાન અને ભારે બેગ સાચવવા માટે નાછૂટકે હોટલોના મોંઘા રૂમ બુક કરવા પડતા હતા અથવા આખો દિવસ વજનદાર સામાન સાથે લઈને ભટકવું પડતું હતું. પરંતુ હવે કાલુપુર સ્ટેશન પર આ હાઇટેક ડિજિટલ લોકર કાર્યરત થવાથી મુસાફરો કોઈપણ રેલવે કર્મચારીની મધ્યસ્થતા વગર તદ્દન વ્યાજબી દરે પોતાની નાની-મોટી બેગ સુરક્ષિત મૂકીને આખા શહેરમાં નિશ્ચિંત થઈને હરી-ફરી શકશે.

- Advertisement -

સ્ટેશન પર વિવિધ સાઈઝના ૫૯ હાઇટેક લોકર અને ૩ સેલ્ફ કિઓસ્ક શરૂ કરાયા

પ્રથમ તબક્કાના આયોજન અંતર્ગત કાલુપુર રેલવે સ્ટેશન પર કુલ ૫૯ અત્યાધુનિક લોકર્સ ફિટ કરવામાં આવ્યા છે. મુસાફરોની જરૂરિયાત અને બેગના અલગ-અલગ કદને ધ્યાનમાં રાખીને આ લોકર્સને ત્રણ મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં મીડિયમ સાઈઝના ૧૨, લાર્જ સાઈઝના ૨૪ અને એક્સ્ટ્રા લાર્જ સાઈઝના ૨૦ લોકર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સાથે પ્રવાસીઓની સરળતા માટે સ્ટેશન પર ૩ સેલ્ફ-સર્વિસ ડિજિટલ કિઓસ્ક મશીન પણ મૂકવામાં આવ્યા છે, જેના કારણે આખી ઓપરેટિંગ સિસ્ટમ એકદમ આંગળીના ટેરવે ઓપરેટ કરી શકાય તેવી ડિજિટલ બની ગઈ છે.

પેપરલેસ બુકિંગ: મોબાઈલ નંબર, ઓટીપી અને યુપીઆઈથી લોકર થશે ઓપન

આ સ્માર્ટ લોકર સિસ્ટમ વાપરવી એકદમ સરળ અને સંપૂર્ણ ડિજિટલ છે. તેનો લાભ લેવા માટે મુસાફરે સૌથી પહેલા કિઓસ્ક સ્ક્રીન પર જઈને ‘START’ બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ સામાનની સાઈઝ અને કલાકોનો સમયગાળો પસંદ કરીને પોતાનો ચાલુ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. મોબાઈલ પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) આવશે, જેને વેરિફાય કરતાની સાથે જ સ્ક્રીન પર ડિજિટલ પેમેન્ટના વિકલ્પો ખુલશે. મુસાફર પોતાના મોબાઈલથી UPI (ક્યૂઆર કોડ) અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન નાણાં ચૂકવશે એટલે નક્કી કરેલા લોકરનો દરવાજો ઓટોમેટિક ખુલી જશે.

- Advertisement -

માત્ર ૪૦ રૂપિયાથી શરૂ થતું ભાડું, એક્સ્ટ્રા લાર્જ માટે ૨૪ કલાકના ૨૮૦ રૂપિયા

લોકરના ભાડાના દરો પણ સામાન્ય પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવા બહુ વ્યાજબી રાખવામાં આવ્યા છે. મીડિયમ લોકર માટે ૩ કલાકના ₹૪૦, ૬ કલાકના ₹૭૦ અને ૨4 કલાકના ₹૧૫૦ નક્કી કરાયા છે. લાર્જ કેટેગરી માટે ૩ કલાકના ₹૭૦, ૬ કલાકના ₹૧૫૦ અને ૨૪ કલાકના ₹૨૦૦ ચાર્જ રહેશે. જ્યારે સૌથી મોટા એટલે કે એક્સ્ટ્રા લાર્જ લોકર માટે ૩ કલાકના ₹૯૦, ૬ કલાકના ₹૧૭૦ અને આખા દિવસના ₹૨૮૦ ચૂકવવાના રહેશે. આ સિવાય સ્ટેશન પર જૂના મેન્યુઅલ લોકર પણ ચાલુ જ રહેશે, જેનો દર ૧૫થી ૩૦ રૂપિયા છે.

પુણેની કંપનીને ૫ વર્ષનું સંચાલન, સાબરમતી સ્ટેશન પર પણ શરૂ થશે નવો પ્રોજેક્ટ

રેલવે તંત્ર દ્વારા આ ડિજિટલ પ્રોજેક્ટનું સંચાલન ઈ-હરાજી પ્રક્રિયા મારફતે પુણેની જાણીતી કંપની મેસર્સ ડ્યુરોલ્ટ ટેક્નોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડને ૨૫ ફેબ્રુઆરી ૨૦૩૧ સુધીના ૫ વર્ષના કરાર પર સોંપવામાં આવ્યું છે. આ ડીલથી રેલવેને વાર્ષિક ₹૮,૨૧,૩૫૦ની લાયસન્સ ફી અને ૫ વર્ષમાં અંદાજે ૪૮.૪૬ લાખ રૂપિયાની મોટી કમાણી થશે. કાલુપુરના આ સફળ પ્રયોગ બાદ આગામી દિવસોમાં સાબરમતી રેલવે સ્ટેશન પર પણ આ સ્માર્ટ લોકર સિસ્ટમ સ્થાપિત કરાશે, જ્યાં મુસાફરો માટે ખાસ ફ્રેશ થવાની અને ભોજનની સુવિધા પણ સાથે જોડવામાં આવશે.

- Advertisement -

ક્લાઉડ બેઝ્ડ સિક્યોરિટી અને યુપીએસ બેકઅપ સાથે સામાન રહેશે તદ્દન સુરક્ષિત

સુરક્ષાની દ્રષ્ટિએ આ ક્લાઉડ-આધારિત સિસ્ટમ એકદમ મજબૂત અને છેડછાડ-પ્રતિરોધક (Tamper-proof) બનાવવામાં આવી છે. પાવર કટ કે લાઈટ જવાની સ્થિતિમાં પણ સિસ્ટમ ચાલુ રહે તે માટે સ્પેશિયલ યુપીએસ (UPS) બેકઅપ કનેક્ટ કરાયું છે. સામાન પાછો મેળવતી વખતે મુસાફરે ફરીથી ક્યૂઆર કોડ સ્કેન કરી નવો ઓટીપી આપવો પડશે. જો પ્રવાસીએ નક્કી કરેલો સમય પૂરો થઈ જશે તો લોકર ઓટોમેટિક લોક થઈ જશે અને મુસાફરે વધારાના સમયનો ઓવરટાઇમ ચાર્જ ઓનલાઈન પે કરવો પડશે, ત્યારબાદ જ તેમનો કિંમતી સામાન પરત લોકરમાંથી બહાર કાઢી શકાશે.

આ પણ વાંચો: Navsari Police Drugs Seized: નવસારીમાં નશાના નેટવર્ક પર પોલીસનો મોટો પ્રહાર: હાઈવેની હોટલ સહિતના સ્થળોએ દરોડા, સગીર સહિત ૫ શખ્સો ગાંજા-પોશડોડા સાથે ઝડપાયા – Newz Cafe

Share This Article