Marital Rights and Consent: હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: લગ્ન એટલે શારીરિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવાનો પરવાનો નથી, પત્ની પર અત્યાચાર કરનાર ઉદ્યોગપતિના જામીન નામંજૂર

Arati Parmar
3 Min Read

Marital Rights and Consent: ગુજરાત હાઈકોર્ટે ગુરુગ્રામના એક બિઝનેસમેનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ બિઝનેસમેન પર તેની પત્નીએ ગંભીર જાતીય સતામણી અને દહેજ ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. આ મામલો અમદાવાદની ડીસીબી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદથી સામે આવ્યો છે. મહિલાએ તેના પતિ, સાસુ અને સસરા પર દહેજ માંગવા અને શોષણ કરવાના આક્ષેપો કર્યા હતા. મહિલાનો આરોપ છે કે પતિએ તેની સાથે બળજબરીથી અકુદરતી શારીરિક સંબંધો બાંધ્યા અને લગ્ન દરમિયાન અનેકવાર તેની ઈચ્છા વિરુદ્ધ સંબંધો બનાવ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે સસરાએ તેની છેડતી કરી હતી અને પતિએ તેને બચાવવાને બદલે મૌન સેવી લીધું હતું. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે લગ્નનો સંબંધ કોઈ પણ વ્યક્તિને બીજાની શારીરિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર આપતો નથી.

૨૦૨૨ માં થયા હતા લગ્ન

ફરિયાદ અનુસાર, મહિલાના લગ્ન વર્ષ ૨૦૨૨ માં થયા હતા. આ તેના પ્રથમ લગ્ન હતા, જ્યારે આરોપીના આ બીજા લગ્ન હોવાનું કહેવાય છે. મહિલાએ દાવો કર્યો હતો કે આરોપીની પ્રથમ પત્નીએ પણ આ જ પ્રકારના આરોપો લગાવ્યા હતા, જે તેના વર્તનની એક ચોક્કસ રીત (પેટર્ન) દર્શાવે છે. ધરપકડની આશંકાના કારણે આરોપીએ હાઈકોર્ટનો સંપર્ક કરી આગોતરા જામીન માંગ્યા હતા. તેણે પોતાની જાતને ગુરુગ્રામનો એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ગણાવીને તમામ આરોપોને પાયાવિહોણા અને વૈવાહિક વિવાદથી પ્રેરિત ગણાવ્યા હતા. જોકે, પત્ની વતી હાજર રહેલા વકીલે આરોપોની ગંભીરતા અને કથિત અત્યાચારોનો હવાલો આપી જામીનનો સખત વિરોધ કર્યો હતો.

- Advertisement -

કોર્ટે સંભળાવ્યો આ ચુકાદો

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ ડી. એ. જોશીએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આધુનિક કાનૂની વ્યવસ્થામાં શારીરિક સ્વાયત્તતાને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવે છે, પછી ભલે તે સંબંધ વૈવાહિક જ કેમ ન હોય. અદાલતે કહ્યું કે નિકટના સંબંધો ત્યારે જ સ્વીકાર્ય છે જ્યારે તેઓ સંમતિ અને સન્માન પર આધારિત હોય. કોઈની ઈચ્છા વિરુદ્ધ બનાવેલા સંબંધો માત્ર શારીરિક પીડા જ નથી આપતા, પરંતુ માનસિક અને ભાવનાત્મક નુકસાન પણ પહોંચાડે છે. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે કોઈ મહિલા નક્કર કારણ વગર આવા સંવેદનશીલ આરોપો જાહેર મંચ પર લાવતી નથી. રેકોર્ડ પર એ હકીકત સામે આવી કે આરોપીની પ્રથમ પત્નીએ પણ સમાન આરોપો લગાવ્યા હતા, જે આ મામલે વારંવાર પુનરાવર્તિત થતા વર્તન તરફ નિર્દેશ કરે છે. આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

Share This Article