Rivaba Jadeja PM Modi Meeting: રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી ખાસ મુલાકાત; પતિ રવિન્દ્ર જાડેજા સાથે દિલ્હીમાં સંસદ ભવન ખાતે પીએમ મોદીના લીધા આશીર્વાદ, મુલાકાતને ગણાવી ગૌરવની ક્ષણ!

Arati Parmar
3 Min Read

Rivaba Jadeja PM Modi Meeting: ગુજરાતમાં મંત્રી બન્યા બાદ મંગળવારે રિવાબા જાડેજા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા. રિવાબા જાડેજા ગુલાબી સાડી પહેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદીને બુકે આપીને અભિવાદન કર્યું હતું. ગયા વર્ષે જ્યારે ભાજપે રાજ્યના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો હતો, ત્યારે જામનગર નોર્થથી જીતેલા રિવાબા જાડેજાને મંત્રી બનાવવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં રવિન્દ્ર જાડેજાની હાજરીમાં રિવાબાની આ પહેલી મુલાકાત છે. રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો એક્સ (X) પર શેર કરી છે.

- Advertisement -

રિવાબા જાડેજાએ શું લખ્યું?

ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ પીએમ મોદીને મળ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, ‘માત્ર એક મુલાકાત નહીં, પણ ગૌરવની ક્ષણ. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર સાથે વાતચીત. એક એવા લીડર જે ભારત, તેની સંસ્કૃતિ અને તેના ભવિષ્ય માટે મજબૂતીથી ઉભા છે.’ રિવાબાએ લખ્યું છે કે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ તસવીરો શેર કરી છે. જાડેજાએ લખ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરને મળવું અને વાતચીત કરવી એ ખૂબ જ આનંદ અને સન્માનની વાત છે. તેમના વિચારોની સ્પષ્ટતા, ઉત્સાહ અને શ્રેષ્ઠ કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણા આપનારી છે. આવા નેતૃત્વ પાસેથી શીખવું એ ખુશીની વાત છે.’ જાડેજાએ જણાવ્યું છે કે આ મુલાકાત નવી દિલ્હીના સંસદ ભવનમાં થઈ હતી.

રિવાબા ગુજરાતના બીજા મંત્રી

રિવાબા જાડેજા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી છે. તેઓ ૨૦૨૨ની ચૂંટણીમાં પહેલીવાર જીતીને ધારાસભ્ય બન્યા હતા. રિવાબા જાડેજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી જ રાજનીતિમાં આવ્યા હતા. રિવાબા જાડેજાએ ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મંત્રી પદના શપથ લીધા હતા. તેઓ ગુજરાતના એવા પસંદગીના મંત્રીઓમાં સામેલ થઈ ગયા છે જેમણે મંત્રી બન્યા બાદ દિલ્હી જઈને પીએમ મોદી સાથે વ્યક્તિગત મુલાકાત કરી હોય. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ પણ પીએમ મોદી સાથે વિશેષ મુલાકાત કરી હતી.

- Advertisement -
Share This Article