ભાવ વધતાં સોનાં-ચાંદીમાં ઓછા ગ્રામના સસ્તા ઘરેણાની માંગ વધી

Reena Brahmbhatt
6 Min Read

ભુજ, તા. 25 : પર્વાધિરાજ દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સોનાં – ચાંદીના ભાવમાં આવેલા ધરખમ ઉછાળાને પગલે બજારમાં ગયા વર્ષ કરતાં મંદી જોવા મળી હતી, પરંતુ લગ્નસરાની ખરીદી તથા ગુરુ પુષ્ય નક્ષત્રમાં થયેલી શુકનની અઢળક ખરીદીએ બજારનો માહોલ બદલી ફરીથી જીવંત કરી દીધો હતો. ફક્ત શહેરોમાં જ નહીં પરંતુ ગામડાંઓની બજાર પણ ગુરુ પુષ્ય નક્ષત્રમાં ધમધમી ઊઠી હતી.

જો કે, ભાવવધારાની અસર તળે આ વર્ષે ખરીદીમાં ઓછામાં ઓછા ગ્રામની ઓછું વજન ધરાવતી જ્વેલરીની માંગ વધી છે. કચ્છમાં લગભગ 1200 જેટલા સોનાં-ચાંદીના વેપારી તથા અંદાજિત પાંચેક હજારથી વધુ કારીગરો છે. ભુજ, માધાપર તથા આસપાસના પટેલ ચોવીસીનાં ગામોમાં અંદાજિત 260 જેટલી દુકાન, ગાંધીધામ, આદિપુરમાં અંદાજિત 120 તથા અંજાર સંકુલમાં અંદાજિત 150 જેટલી દુકાન આવેલી છે. આખર તારીખમાં આવતા દિવાળીના તહેવાર વખતે જ થયેલા ભાવવધારાથી સપરમા દિવસોમાં સેવાઈ રહેલી મંદીની ભીતિ વચ્ચે ગુરુ પુષ્ય નક્ષત્રની નોંધપાત્ર શુકનની ખરીદીથી વેપારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. આવનારા દિવસોમાં ઘરાકી વધશે તેવી આશા પણ વેપારીઓએ વ્યકત કરી હતી.

- Advertisement -

જો કે, દર વખત કરતાં એકંદરે ખરીદી થોડી ઓછી રહી શકે છે. આ અંગે કચ્છ બુલિયન ફેડરેશનના પૂર્વ પ્રમુખ તથા મે. પુરુષોત્તમ જી. ઝવેરીના જગદીશભાઈ ઝવેરીએ કહ્યું હતું કે, સોનાં-ચાંદીમાં વધતા ભાવની અસર ઘરાકીમાં જોવા મળી છે, પરંતુ અન્ય ક્ષેત્રો કરતાં સોનાં-ચાંદીમાં ઝડપથી ભાવ વધતાં રોકાણકારો તેને સુરક્ષિત રોકાણની દૃષ્ટિએ જુએ છે. વળી ઘરેણા પરત કરતી વખતે 10 ટકા મજૂરી કપાતી હોવાથી લોકો પોતાની પહોંચ મુજબ સોનાંમાં એક, થી બે 100 ગ્રામ તથા ચાંદીમાં પાંચ થી 500 ગ્રામ સુધીના સિક્કા તથા લગડીની ખરીદી કરી રહ્યા છે. મે. સોની પ્રભુદાસ ખેતશીના હિતેશભાઈના જણાવ્યા મુજબ સરળતાથી સોનાં પર ગોલ્ડલોન મળતી હોવાથી જરૂરિયાત સમયે સોનું ઉપયોગી બને તે હેતુથી ભાવ વધારે હોવા છતાં લોકો સોનાંમાં રોકાણ કરી રહ્યા છે. ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ ભદ્રેશભાઈ દોશીના જણાવ્યા મુજબ સોનાં-ચાંદીના હોલસેલ માર્કેટમાં દિવાળીના તહેવારોને પગલે નવું સોનું લેવા માટે ઘરાકી છે, પરંતુ રિટેલ માર્કેટમાં જૂના દાગીના પાછા આપી નવા દાગીના ખરીદવાનું ચલણ વધતું જાય છે. મે. જટુભાઈ વેલજી એન્ડ સન્સના ચંદુભાઈના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી દાગીનાની ખરીદીમાં એક્સચેન્જનું પ્રમાણ વધ્યું છે. લગભગ 70 ટકા જેટલું જૂનું સોનું પરત કરી નવું લેવાય છે. વિવેક જ્વેલર્સના હિતેશભાઈ ધકાણના કહેવા મુજબ પણ જૂનું સોનું આપી નવું સોનું ખરીદવાનું ચલણ વધતું જાય છે. ઉપરાંત હિતેશભાઈ ખેતશી મુજબ ભાવ વધતાં હપ્તા ભરી દાગીના ખરીદવાનું ચલણ પરત આવે તેવી સંભાવના વ્યકત કરાઈ હતી. સોનાંના ઘરેણાઓમાં ચાલી રહેલા ટ્રેન્ડ વિશે જગદીશભાઈ ઝવેરી જણાવે છે કે, ભાવ વધતાં આ વર્ષે ઓછા ગ્રામની લાઈટવેઈટ જ્વેલરીની માંગ ખૂબ વધી છે. હાલે સોનાંના દાગીનામાં ઝીણી બુટ્ટી, લાઈટવેઈટ ચેઈન-પેન્ડન્ટ, બ્રેસલેટની માંગ વધુ છે. આ વર્ષે પણ રોઝ ગોલ્ડની જ્વેલરીનો બજારમાં દબદબો કાયમ છે. મશીનમાં બનતી લાઈટવેઈટ ચેઈનની પણ ખૂબ માંગ છે.

હિતેશભાઈના જણાવ્યા મુજબ સોનાંમાં એન્ટિક સેટ જેમાં ઓછું વજન અને ભરાવદાર દેખાવ ધરાવતા દરબારી ઘાટના સેટ, મશીનથી બનતી લાઈટવેઈટ ટર્કિઝ જ્વેલરી સેટ, જડાઉ દાગીના, લાઈટવેઈટ એડી જ્વેલરી તથા ખાખો મોતીના સેટની લગ્નસરાની ખરીદીમાં ખૂબ માંગ છે. ભદ્રેશભાઈના જણાવ્યા મુજબ રોઝ ગોલ્ડની માગણી શહેરમાં વધુ છે, પરંતુ ગ્રામ વિસ્તારોમાં આજે પણ યલો ગોલ્ડની માંગ વધુ છે, આ ઉપરાંત કચ્છની વિવિધ જ્ઞાતિઓના પરંપરાગત દાગીનાઓનું ચલણ યથાવત્ છે, પણ ભાવ વધતાં તેમાં ગ્રામ ઘટતા જાય છે. ગાંધીધામમાં સોનાંના ઘરેણામાં ચાલતા ટ્રેન્ડ?વિશે માહિતી આપતા ઉમા જ્વેલર્સના મનસુખભાઈ કોડરાણીએ કહ્યું કે, અહીં પણ રોઝ ગોલ્ડની લાઈટવેઈટ જ્વેલરીની માંગ વધુ છે, જેમાં ડોકિયા, ચેઈન, પેન્ડન્ટ, વીંટી, બુટ્ટીની ખરીદી વધુ છે. એન્ટિક 916 ગોલ્ડ જ્વેલરીમાં જડતર, કુંદન, સ્વરોવસ્કી ડાયમંડનું વધુ ચલણ છે.

- Advertisement -

ગાંધીધામમાં ચાંદીમાં ચાલતા ટ્રેન્ડ વિશે માહિતી આપતાં પંચરત્ન જ્વેલર્સના ચાંદીના વેપારી પરેશભાઈએ કહ્યું કે, અહીં ચાંદીના સિક્કા, સાંકળા, ભગવાનની મૂર્તિ, વાસણ, ગ્લાસ વગેરેની માંગ વધુ છે. ગાંધીધામમાં મોટાભાગે નોકરિયાત વર્ગ રહેતો હોવાથી આખર તારીખોમાં આવતી દિવાળીમાં પગાર ન થયો હોતાં પહેલાં ખરીદી ઓછી હતી, પરંતુ ગુરુ પુષ્ય નક્ષત્રમાં અહીં પણ લોકોએ બચત કરી જમા કરેલી પૈસાની બંધ મુઠ્ઠી ખોલતાં શુકનની ખરીદીમાં ધમધમાટ જોવા મળ્યો હતો. નખત્રાણામાં સોનાં-ચાંદીમાં ચાલતા ટ્રેન્ડ વિશે માહિતી આપતાં કચ્છ જિલ્લા સોનાં-ચાંદી મહામંડળના પ્રમુખ તથા સોની મોહનલાલ પ્રાગજી (પાંજી દુકાન)ના હીરાલાલભાઈ સોનીએ કહ્યું કે, ભાવ વધતાં અહીં પણ લાઈટવેઈટ જ્વેલરીની માંગ વધી છે. 20 કેરેટમાં બનતા દાગીનાની માંગ યથાવત્ છે, પરંતુ મોટાભાગે યલો ગોલ્ડનું ચલણ ધરાવતા નખત્રાણામાં હવે નવી પેઢીમાં રોઝ ગોલ્ડની જ્વેલરીની વધુ ખરીદી થાય છે – ઈમિટેશન જ્વેલરીનું આકર્ષણ : ભુજ, તા. 25 : સોનાં-ચાંદીના ભાવમાં આવેલો ધરખમ ઉછાળો તથા ઝડપથી બદલાઈ રહેલા ફેશન ટ્રેન્ડને કારણે મહિલાઓમાં ઈમિટેશન જ્વેલરીની માંગ વધી હતી. આ અંગે ટીપટોપ કલેકશનના હિતેશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ, યુવાનોમાં મેટલમાંથી બનતી વેસ્ટર્ન જ્વેલરીની ખૂબ માંગ છે, જેમાં ગોલ્ડ, વ્હાઈટ ગોલ્ડ તથા રોઝ ગોલ્ડ પોલિશ કરેલી મિડયમથી લોંગ ઈયારિંગ્સ, ઝીણાં પેન્ડન્ટ તથા ચેઈન-બ્રેસલેટ, એન્કલેટની વધુ માંગ છે. એડી ડાયમંડ જ્વેલરી જે લાંબા સમય સુધી ખરાબ ન થતાં રોજબરોજ પહેરવા માટે કોલેજ જતી યુવતીઓની પસંદગી રહી છે. ઉપરાંત સોનાં જેવી ડિઝાઈન તથા દેખાવ ધરાવતી રાજકોટ ઈમિટેશન જ્વેલરી પણ રોજબરોજ પહેરવા માટે મહિલાઓની પ્રથમ પસંદગી બની રહી છે, જેમાં સેટ, બંગડી, મંગળસૂત્ર, બુટ્ટી, સાડી બેલ્ટ, કંદોરા જેવી વેરાઈટી ઉપલબ્ધ છે.

- Advertisement -
Share This Article