શું ટ્રમ્પની હત્યાનાં કાવતરાંમાં ઈરાનનો હાથ હતો ?

Reena Brahmbhatt
1 Min Read

વોશિંગ્ટન, તા. 9 : તાજેતરની ચૂંટણીઓ બાદ જાન્યુઆરીમાં વ્હાઈટ હાઉસ પરત ફરનારા ડોનાલ્ડ ટ્રમ્પ પર હત્યાના કાવતરાંનો ત્રીજો મામલો સામે આવ્યો છે. ઈરાન સાથે જોડાયેલા ફરહાદ શકેરી પર ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) દ્વારા ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મુકાયો છે. અગાઉ જુલાઈમાં પેન્સિલ્વેનિયાની રેલીમાં ટ્રમ્પના કાનમાં ગોળી વાગી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ આઈઆરજીસીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

અમેરિકાના ન્યાય વિભાગે 51 વર્ષીય ફરહાદ શકેરીને ઈરાની જાસુસ તરીકે વર્ણવી દાવો કર્યો હતો કે, તેણે સાત ઓક્ટોબરના ટ્રમ્પની હત્યાનું કાવતરું કરવા માટે આઈઆરજીસી તરફથી આદેશો મળ્યા હતા. એટોર્ની જનરલ મેરિક ગારલૈંડે કહ્યું કે, શકેરી ઈરાની એજન્સી (આઈઆરજીસી) દ્વારા અમેરિકન નેતાઓને નિશાન બનાવવા માટે ગુનેગારો સાથે કામ કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ હતો. એફબીઆઈ ડાયરેક્ટર ક્રિસ્ટોફેર રેએ પણ ઈરાન દ્વારા અમેરિકાના નાગરિકો, વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓને નિશાન બનાવવાને ગંભીર ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ગુનેગારો તથા હુમલાખોરો સાથે મળી અમેરિકાની ધરતી પર અમેરિકનોને નિશાન બનાવવા અને ગોળીબાર કરવા માટે કાવતરું ઘડી રહ્યું છે અને આ સહન કરાશે નહીં. ઈરાન સરકારે અમેરિકાના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બધાઈએ કહ્યું કે, ઈરાન કોઈ પણ અમેરિકાના અધિકારીને નિશાન બનાવવાના આરોપોને નકારે છે.

- Advertisement -
Share This Article