Vadodara Corporation: વડોદરા શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારીઓના કાયમીકરણ માટે નવો ફોર્મ્યુલા

Arati Parmar
2 Min Read

Vadodara Corporation: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણી થઈ રહી છે. જેમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મીટીંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું હાલ જણાઈ રહ્યું છે. કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ ચૂકી છે. સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી છે તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઇકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર થઈ રહ્યો છે. હવે આવતા મહિને 10 તારીખ આસપાસ ફરી આ મુદ્દે રચાયેલી સમિતિની એક બેઠક મળવાની છે.

કોર્પોરેશનમાં બે દિવસ પહેલા જે બેઠક મળી હતી તેમાં સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ છે તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી રહ્યું છે. સંઘ આશરે 100 કરોડનું એરિયર્સ જતું કરનાર છે. આશરે 313 કર્મચારીને પેન્શન 115 કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થશે. મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ આ પ્રકરણમાં હવે ખોટો સમય વ્યતિત થઈ રહ્યો છે, અને માનવતાની દ્રષ્ટિએ પણ સમાધાનની ફોર્મ્યુલા અપનાવી નિવેડો લાવવા સંમતિ દર્શાવી હતી અને આમાં જરૂર પડે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભાની પણ મંજૂરી મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 47 વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક 8 કરોડનો બોજો વધે તેમ છે.

- Advertisement -
Share This Article